મમતા કુલકર્ણી રૂ. ૨૦૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં ભાગેડુ જાહેર

Wednesday 28th June 2017 06:56 EDT
 
 

રૂ. ૨૦૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં કોર્ટે ૨૩મીએ અભિનેત્રી મમતા કુલકર્ણીને ભાગેડુ જાહેર કરી છે. આ કેસમાં કોર્ટે મમતાની સામે બિનજામીનપાત્ર વોરંટની બજવણી કરી હતી પરંતુ તેના તરફથી કોઈ જવાબ ન મળતાં થાણે ક્રાઈમ બ્રાન્ચે મમતાને ફરાર જાહેર કરી દીધી હતી. કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે મમતાની પ્રોપર્ટી જપ્ત કરી લેવામાં આવે. થાણે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મમતાના યારી રોડ સ્થિત ઘર અને અન્ય સાર્વજનિક જગ્યાઓએ આ અંગેના પોસ્ટરો પણ ચિપકાવી દીધાં છે. પોલીસે આપેલી જાણકારી પ્રમાણે મમતાને કોર્ટ સમક્ષ હાજર થવા માટે ૩૦ દિવસ અપાયા છે. જો તે હવે હાજર નહીં રહે તો તેની પ્રોપર્ટી ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરાશે. ૧૯૯૦ના દાયકાની અભિનેત્રી મમતા કુલકર્ણી ૨૦૦૦માં અચાનક ફિલ્મી કરિયરને તિલાંજલિ આપીને ગાયબ થઈ ગઈ હતી. ૧૨ વર્ષ પછી તેના વિશે માહિતી બહાર આવી હતી. પોલીસની ધારણા પ્રમાણે તે કેન્યા સ્થિત વિકી ગોસ્વામી નામના એક ડ્રગ ડીલરને પરણી છે અને તેની સાથે તેના ધંધામાં તે પાર્ટનર પણ છે. વિકી ગોસ્વામી પહેલાં મુંબઈમાં ડ્રગ્સનો કારોબાર કરતો હતો.


comments powered by Disqus