અમદાવાદઃ યુરોપ અને અમેરિકામાં યોગનો ફેલાવો કરવામાં સમયાંતરે અનેક યોગગુરુઓનું યોગદાન છે. જોકે એ જાણીને નવાઇ લાગશે કે મૂળ રશિયન અભિનેત્રી યેવ્ગેનિયા પીટરસને પણ ભારત, રશિયા અને પશ્ચીમી દેશોને યોગના માધ્યમથી જોડયા હતા. યેવ્ગેનિયાનો જન્મ ૧૮૯૯માં લાતવિયાના રીગા શહેરમાં થયો હતો. એ સમયે લાતવિયા રશિયાના સામ્રાજયનો ભાગ હતું. યેવ્ગેનિયા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે રવિન્દ્રનાથ ટાગોર વિશે વાંચીને ભારત વિશે જાણવાનો રસ જાગ્યો હતો. તે ૧૮ વર્ષની વયે મોસ્કો ખાતે થિએટર અને ડ્રામાનો સ્ટડી કરવા ઇચ્છતી હતી. જોકે વર્ષ ૧૯૧૭માં બોલ્શેવિક ક્રાંતિના પગલે માતા પિતા સાથે રશિયા છોડીને તેને બર્લિનમાં જવું પડયું હતું. યેવ્ગેનિયા પીટરસનને જર્મનીમાં અભિનેત્રી અને નૃત્યાંગના તરીકે ખૂબ ખ્યાતિ મળી હતી. ઇસ ૧૯૨૭માં ભારત આવીને તેણે ઇન્દ્રાદેવી નામ ધારણ કર્યું. નૃત્યના તેણે અનેક શો દેશવિદેશમાં કર્યાં. ઇન્દ્રાદેવીએ ‘શેરે અરબ’ નામની ફિલ્મમાં પૃથ્વીરાજકપૂર સાથે અભિનય પણ કર્યો હતો. એ સમયે ભારતમાં મૈસૂરના રાજ પરિવારના સાંનિધ્યમાં એક યોગ પાઠશાળા ચાલતી હતી. તેમાં આધુનિક યોગના પિતા તરીકે વિખ્યાત તિરુમલઇ કૃષ્ણમાચાર્ય શિક્ષક હતા. તેઓ વિખ્યાત યોગગુરુ કે એસ આયંગરના પણ ગુરુ હતા. ઇન્દ્રાદેવીએ મૈસૂર રાજની ભલામણથી તિરુમલઇ પાસે એક વર્ષ સુધી યોગની તાલીમ લીધી હતી.
ચેકોસ્લોવેકિયામાં રહેતા ઇન્દ્રાદેવીના પતિ ચીન રહેવા આવતા તેઓ પણ ચીન ગયા હતા. ઇન્દ્રાદેવીએ ચીનમાં ચ્યાંગ કાઇશેક જેવા અનેક પ્રતિષ્ઠિત ધનિકોને યોગનું શિક્ષણ આપ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇન્દ્રાદેવી ચીનથી ભારત પાછા ફર્યા અને ‘યોગ ફોર યુ’ નામનું પુસ્તક લખ્યું હતું.
યહૂદી મેનુહિન પણ તેમના શિષ્ય
ઇન્દ્રાદેવી પતિના અવસાન પછી યોગ ટીચર તરીકે અમેરિકા આવ્યા હતા. એ સમયે હોલિવૂડની ગ્રેટાગાર્બો અને ગ્લોરિયા જેવી અનેક અભિનેત્રીઓને યોગ શીખવ્યો હતો. હોલિવૂડના અનેક કલાકારો તેમની પાસે યોગ શીખવા આવતા હતા. જેમાં વાયોલિન વાદક અને ઓરક્રેસ્ટા કન્ડકટર યહૂદી મેનુહિન પણ તેમના શિષ્ય બન્યા હતા. ૧૯૬૦માં ઇન્દ્રાદેવી (યેવ્ગેનિયા પીટરસન)એ પોતાના મૂળ વતન રશિયા આવી સામ્યવાદી શાસકોને યોગા વિશે સમજ આપી હતી. જોકે રશિયાના સામ્યવાદી શાસકોને યોગમાં ઓછો રસ હતો. ૧૯૮૨માં તેમણે રશિયા છોડીને બાકીનું જીવન આર્જન્ટિનામાં વિતાવ્યું હતું. ૨૦૦૨માં બ્યૂનસઆયર્સમાં ૧૦૨ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.

