શાહી પરિવારનું કોઈ ‘રાજા’ કે ‘રાણી’ બનવા ઈચ્છુક જ નથીઃ પ્રિન્સ હેરી

Wednesday 28th June 2017 06:28 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં રાજાશાહીના ભવિષ્ય અંગે પ્રશ્નાર્થ સર્જે તેવા એક ઈન્ટર્વ્યૂમાં પ્રિન્સ હેરીએ યુએસના મેગેઝિન ‘ન્યૂઝવીક’ને જણાવ્યું છે કે તેમના શાહી ખાનદાનમાંથી કોઈને ‘રાજા’ કે ‘રાણી’ બનવાની તમન્ના નથી. આમ છતાં, બ્રિટન અને અન્ય દેશોને રાજાશાહીના જાદુની જરુરિયાત જણાય છે. પ્રિન્સ હેરી ૧૨ વર્ષના હતા ત્યારે તેમને માતા ડાયેનાના કોફિનની પાછળ ચાલવા આદેશ અપાયો તેની પણ તેમણે ટીકા કરી હતી. પ્રિન્સે કહ્યું હતું કે તેઓ ‘પ્રિન્સ હેરી’ નહિ, બીજી જ વ્યક્તિ બની રહેવા ઈચ્છે છે.

રાજા બનવા પાંચમા ક્રમના વારસદાર ૩૨ વર્ષના પ્રિન્સ હેરી સર્વોચ્ચ પદ હાંસલ કરવાની અનિચ્છા ધરાવે જ છે અને આ બાબત કદી ગુપ્ત રાખી નથી. હવે તેઓ કહી રહ્યા છે કે તેમના પરિવારમાં પ્રિન્સ વિલિયમ સહિત અન્ય કોઈ આવી ઈચ્છા રાખતા નથી. પ્રિન્સે રાજાશાહી વિશે જણાવ્યું હતું કે,‘રોયલ ફેમિલિમાં કિંગ અથવા ક્વીન બનવા ઈચ્છે તેવું કોઈ છે? હું તો માનતો નથી પરંતુ, અમે યોગ્ય સમયે અમારી ફરજો નિભાવતા રહીશું.’ જોકે, તેમણે ઉમેર્યું હતું કે રાજાશાહી એક સારું બળ છે અને ક્વીને ૬૦ કરતા વધુ વર્ષથી જે રચનાત્મક વાતાવરણ સર્જ્યું છે તેને અમે આગળ વધારીશું પરંતુ, તેમનાં પેંગડામાં પગ નાખવાનો પ્રયાસ કરીશું નહિ. અમે બ્રિટિશ રાજાશાહીના આધુનિકીકરણમાં સંકળાયેલા છીએ.’

અમેરિકન એક્ટ્રેસ મેઘન માર્કેલ સાથે ડેટિંગ કરી રહેલા પ્રિન્સે જણાવ્યું હતું કે,‘જો મારા સારા નસીબે બાળકો થશે તો તેઓ પ્રમાણમાં સામાન્ય જીવન જીવે તે માટે હું મક્કમ છું. અને જો હું કિંગ હોઉ તો, મારું શોપિંગ જાતે જ કરવા માગીશ.’


comments powered by Disqus