કોડીનારઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાના એવા ગામ સરખડીની પ્રતિભાશાળી યુવા ખેલાડી ચેતના વાળા ભારતીય મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન બની છે. સરખડી વર્ષોથી મહિલા વોલીબોલનું હબ રહ્યું છે અને સરખડીમાંથી દેશને અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીઓ મળી છે.
કોડીનારની સોમનાથ એકેડમીમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ચેતનાની સુકાનીમાં ભારતીય મહિલા વોલીબોલ ટીમ ચીનમાં શરૂ થઈ રહેલી પાંચ દેશની બ્રિક્સ વોલીબોલ ટુર્ના.માં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે ચેતનાના કોચ વરજાંગભાઈ વાળાના માર્ગદર્શનમાં સરખડીની અનેક ખેલાડીઓ વોલબોલની રમતમાં રાષ્ટ્રીયકક્ષાએ પહોંચી છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. ખેડૂત મેરામણભાઈ વાળાને ચાર દીકરીઓ અને એક દીકરો છે. જેમાંથી ચાર દીકરીઓ વોલીબોલની ખેલાડી છે. ચેતના અને કિંજલ તો રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ રમે છે. અગાઉ ચેતના અને કિંજલે નેશનલ ચેમ્પિયનશિપમાં સારો દેખાવ કર્યો છે. કિંજલની પણ બ્રિક્સમાં પસંદગી થઈ હતી, પણ પગની ઈજાને લીધે તે આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.

