કોમી બિરાદરીનું એક ઉત્તમ ઉદાહરણ
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે સોમવારે આપ સહુ સમક્ષ, પરોક્ષ રીતે, આ એકપક્ષી સંવાદ થઇ રહ્યો છે ત્યારે ઇસ્લામના ઉપાસકોનું ઇદ-ઉલ-ફિત્રનું પાવક પર્વ મનાવાય રહ્યું છે. આ પર્વે વર્ષોથી મારા કેટલાક નિકટના મિત્રો સાથે રૂબરૂ કે ફોન પર ઇદ મુબારકની આપ-લેનો શિરસ્તો રહ્યો છે. આજે સવારે મારા કોલેજ કાળના મિત્ર લોર્ડ આદમ પટેલના બ્લેકબર્ન સ્થિત નિવાસસ્થાને ફોન કર્યો. ઇદ પર્વની શુભકામનાઓ પાઠવી. આ જ પ્રમાણે મોહમ્મદભાઇ સુલેમાનભાઇ પીરભાઇને પણ ફોન કર્યો. બીજા પણ થોડાક મિત્રોને પણ મેં યાદ કર્યા. આ બધા જ મિત્રો દિવાળીના સપરમા ટાણે મને પણ યાદ કરતા હોય છે. પરસ્પરના સ્નેહ-આદર થકી જ મજબૂત સંબંધોનો સેતુ રચાતો હોય છે ને?!
યોગાનુયોગ ગઇકાલે - રવિવારે હિન્દુઓનું અતિ પવિત્ર અષાઢી બીજનું પર્વ ઉજવાયું. હિન્દુ ભાવિકો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મન મૂકીને મહાલ્યા. અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજીના મંદિરેથી નીકળેલી ૧૪૦મી રથયાત્રામાં માનવમહેરામણ ઉમટ્યો હતો તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. યાત્રાના ૧૮ કિલોમીટરથી વધુ લાંબા રૂટ પર અઢીથી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ ઉમટવા છતાં પોલીસને હસ્તક્ષેપ કરવો પડે તેવી નાનીસરખી પણ અપ્રિય ઘટના બની નથી. અમદાવાદ ઉપરાંત ગુજરાતના નાનકડા ગામ, નગરથી માંડીને સુરત, વડોદરા જેવા મહાનગરોમાં રથયાત્રાનું પર્વ રંગેચંગે શાંતિપૂર્વક ઉજવાયું. લંડનમાં ગયા રવિવારે ઇસ્કોન દ્વારા રથયાત્રા યોજાઇ હતી, જેનો અહેવાલ આપ સહુએ એશિયન વોઇસના ૨૪ જૂન ૨૦૧૭ના અંકમાં વાંચ્યો હશે.
વાચક મિત્રો, એક નાનકડી આડ વાત કરું તો... મને જગન્નાથજીની નગરચર્યા સાથે સંકળાયેલી ધાર્મિક ભાવના બહુ જ પસંદ છે. જરા કલ્પના તો કરો કે, આખું વર્ષ મંદિરમાં બેસીને પોતાના ભક્તને દર્શન આપતા જગતના નાથ આ દિવસે ખુદ મંદિરમાંથી બહાર નીકળે છે. અને મોટા ભાઇ બલભદ્ર તથા બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે, જેથી ભક્તજનોના ખબરઅંતર જાણી શકાય, તેમના દુખદર્દ નિવારી શકાય. ભગવાન ભક્તના આંગણે પહોંચે તે વાત જ બહુ રોમાંચક છે, ખરુંને?!
રથયાત્રાના બીજા જ દિવસે મુસ્લિમ બિરાદરીએ ઇદનું પર્વ શાનદાર રીતે ઉજવ્યું. ઇદની નમાઝ પઢ્યા બાદ મુસ્લિમ બિરાદરોએ નાત-જાતના ભેદભાવ ભૂલી સહુ કોઇને મુબારકબાદી પાઠવી. નરેન્દ્ર મોદીએ પણ રવિવારે ‘મન કી બાત’ કરતાં મુસ્લિમ સમુદાયને ઇદ મુબારકની શુભકામનાઓ વ્યક્ત કરી. મોહમ્મદભાઇએ ફોન પરની વાતચીત દરમિયાન સહજપણે જ જણાવ્યું કે હિન્દુ-મુસ્લિમ સમુદાયના - રથયાત્રા અને ઇદના તહેવારો સુખરૂપ સંપન્ન થાય તે માટે બારડોલીમાં સત્તાવાળાઓએ તમામ સમુદાયના અગ્રણીઓ સાથે શાંતિબેઠક યોજીને કોમી એખલાસ જળવાય રહે તે મુદ્દે ચર્ચા કરી હતી. આ બન્ને પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ ગયાનો તેમણે આનંદ વ્યક્ત કર્યો.
વાચક મિત્રો, મને જાણ છે ત્યાં સુધી આવી બેઠક અમદાવાદમાં પણ યોજાય છે, વડોદરામાં પણ યોજાય છે અને સુરતમાં પણ યોજાય છે. ગુજરાતના મોટા ભાગના નાના-મોટા નગરોમાં સત્તાધિશો દ્વારા આવી બેઠકો યોજાતી હોય છે. ચેતતા નર સદા સુખીના ન્યાયે સત્તાધિશો ભલે આવી બેઠકો યોજતા હોય, પરંતુ મને તો લાગે છે કે આવી બેઠકો હવે ઔપચારિક્તા જ બની રહેતી હશે. વીતેલા વર્ષોમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચેના સંબંધમાં સહઅસ્તિત્વની, કોમી એખલાસની ભાવનામાં જે વધારો થયો છે તે જોઇ-જાણી-અનુભવીને હું આ લખવા પ્રેરાયો છું.
અલબત્ત, મને એ પણ યાદ છે કે ક્યા કારણસર આ પ્રકારની બેઠક યોજવાની ‘પ્રથા’ શરૂ થઇ હતી. આ પ્રથાના મૂળમાં ૧૯૬૯ની કોમી હિંસાની કમનસીબ અને દુઃખદ ઘટના છે. તે વેળા અમદાવાદના જગન્નાથજીના મંદિરેથી પરંપરાગત રથયાત્રા નીકળી હતી. યાત્રા તેના નિયત માર્ગેથી પસાર થઇ રહી હતી ત્યારે કેટલાક માથાભારે અને ભાનભૂલેલા મુસ્લિમ તત્વોએ હિચકારો હુમલો કરીને કોમી હિંસાનો પલિતો ચાંપ્યો હતો. આખું શહેર હિંસાની આગમાં હોમાઇ ગયું. છેલ્લા ૧૦૦ વર્ષના આ સૌથી ગંભીર રમખાણો હતા. રાજ્યભરમાં તનાવનો માહોલ પ્રસરી ગયો હતો. થોડાક કલાકો પહેલાં જે સમુદાયો સાથે-સાથે હતા તે સામે-સામે થઇ ગયા હતા. લોકો એકમેકને શંકાની નજરે નિહાળતાં થઇ ગયા હતા. સદનસીબે, સમયના વીતવા સાથે, તમામ સમુદાયે આ તોફાનોમાંથી બોધપાઠ લીધો છે. હવે આ માહોલ, આ આશંકા, આ તનાવ ભૂતકાળ બન્યા છે.
મારા મનમાં આજે પણ આ ઘટના અંકિત હોવાનું કારણ છે તેની સાથે સંકળાયેલા બે પ્રસંગો. કોમી હિંસાનો હુતાશન વતનને ભડકે બાળી રહ્યો હતો ત્યારે મેં અહીં - લંડનમાં કોલેજકાળના મિત્ર મરહુમ મોહમ્મદ ખાન, સ્વ. જગદીશ પટેલ વગેરે મિત્રો સાથે મળીને શાંતિકૂચનું આયોજન કર્યું હતું. આ કૂચ બેવડા ઉદ્દેશથી યોજાઇ હતી. એક તો અત્રેના આપણા બ્રિટિશ ગુજરાતી સમુદાય વચ્ચેનો ભાઇચારો અતૂટ, અકબંધ જળવાય રહે. તેને લગારેય ઉની આંચ ન આવે. અને બીજો ઉદ્દેશ, ગુજરાતમાં વસતાં સંબંધિત સમુદાયો અને સત્તાવાળાઓને સહઅસ્તિત્વ અને શાંતિનો સંદેશ પાઠવવાનો હતો.
માનસપટ પર અમીટ છાપ ધરાવતો બીજો પ્રસંગ મારા સંન્યાસી પિતાશ્રી સાથે સંકળાયેલો છે. કોમી હિંસાના આ હુતાશન દરમિયાન વડોદરાના શિયાપુરા વિસ્તારમાં આવેલી નાની મસ્જિદ પર હુમલો કરવા તોફાની ટોળું એકત્ર થઇ રહ્યું હોવાની તેમને જાણ થઇ. તરત જ ભગવાધારી સ્વામીજી ત્રિશુળ લઇને સજ્જ થઇ ગયા. ના, બાપલ્યા... હુમલાખોરો સાથે જોડાવા નહીં, મુસ્લિમ બિરાદરોની આસ્થાના કેન્દ્રનું રક્ષણ કરવા. તેઓ કોઇ પણ ભોગે મસ્જિદનું રક્ષણ કરવા દૃઢ નિશ્ચયી હતા. મસ્જિદ આગળ જ ત્રિશુળ લઇને ઉભા રહી ગયા અને હુમલાના ઇરાદે સજ્જ થઇને આવેલા તોફાનીઓને ખુલ્લો પડકાર ફેંક્યો કે તમારે મસ્જિદ તોડવી હોય તો મારા દેહ પરથી આગળ વધવું પડશે. વિચારીને આગળ વધજો... એક ભગવાધારી સંન્યાસીનો અન્ય ધર્મ પ્રત્યેનો આ આદર, આ સન્માન નિહાળીને તોફાની તત્વો ત્યાંથી રવાના થઇ ગયા. આજે પણ આ નાની મસ્જિદ અડીખમ ઉભી છે. વડોદરાની મુલાકાત વેળા જ્યારે પણ આ મસ્જિદ નિહાળું છું ત્યારે એક દૂબળા-સરખા માનવીનો હિમાલય જેવો અડગ નિર્ધાર યાદ આવી જાય છે અને માથું શ્રદ્ધાથી નમી જાય છે.
વાચક મિત્રો, રખે માની લેતા કે હું (વાતની) આડી લાઇને ચડી ગયો છું. આ વાતો સહેતુક કરી છે. કોમી એખલાસનું એક સુંદર ઉદાહરણ રજૂ કરવા માગું છું. મોહમ્મદભાઇ પીરભાઇએ તાજેતરમાં મને એક સુંદર પુસ્તિકા મોકલી છે. આમ તો આ પુસ્તિકા ૧૦૮ પાનમાં ફેલાયેલો બે ટ્રસ્ટનો વાર્ષિક અહેવાલ છે, પરંતુ તે આંકડાઓની માયાજાળથી સવિશેષ છે. ‘૨૦૧૬-૧૭ના વર્ષનો વાર્ષિક અહેવાલ’ વાંચતા સમજાય છે કે યુનાઇટેડ ફેમિલીસ મેમોરિયલ અસ્લાફ ચેરિટેબલ ટ્રસ્ટ-વેસ્મા અને અમૃતલાલ દેસાઇ જનરલ હોસ્પિટલ-વેસ્મા સાથે મળીને આરોગ્ય ક્ષેત્રે કેવી પાયાની સેવા કરી રહ્યા છે. સામાન્યતઃ આપણે સહુ આવા વાર્ષિક અહેવાલમાં હિસાબના લેખાજોખાં પર નજર ફેરવતાં હોઇએ છીએ, પરંતુ હું અહેવાલનું દરેક પાન વાંચી ગયો છું.
અહેવાલના પ્રારંભે જ અસ્લાફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી હારુન અહમદ સઇદ દિલેરનું નિવેદન છે. તેના પ્રારંભે જ મોહમ્મદ સાહેબના કથનનો ઉલ્લેખ છે તો સર્વ-જનની સુખાકારી વાંછતા સંસ્કૃત શ્લોકનો પણ ઉલ્લેખ છે. આ સાથેના બોક્સમાં તે અક્ષરસઃ રજૂ કર્યા છે. કેટલી ઉમદા ભાવના!
સંસ્થાઓ વિશે સંક્ષિપ્તમાં વાત કરું તો, વેસ્માની અમૃતલાલ દેસાઇ જનરલ હોસ્પિટલને એક સુંદર આરોગ્યલક્ષી સંસ્થા ગણી શકાય. શ્રી વેસ્મા વિભાગ વૈદકીય રાહત મંડળે વર્ષોઅગાઉ યુનાઇટેડ ફેમિલીસ મેમોરિયલ અસ્લાફ ચેરિટેબલ ટ્રસ્ટને પોતાની સહયોગી સંસ્થા તરીકે સ્વીકારીને અમૃતલાલ દેસાઇ જનરલ હોસ્પિટલના સંચાલનની જવાબદારી સોંપી. આ વહીવટી હસ્તાંતરણને આજે દસકો વીતી ગયો છે, અને વર્ષોના વીતવા સાથે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિનો વડલો વિસ્તરતો રહ્યો છે.
૧૫ ઓગસ્ટ ૨૦૦૮થી હોસ્પિટલ સુવિધાનો પુનઃ પ્રારંભ થયો. આજે આ હોસ્પિટલ ચોવીસેય કલાક સર્વ પ્રકારની આરોગ્ય સેવા પૂરી પાડે છે. આ વિસ્તારના હજારો દર્દીઓ અહીં સારવાર સુવિધા મેળવી રહ્યા છે. સ્વાભાવિક છે કે હોસ્પિટલનો સંચાલન ખર્ચ ખૂબ ઊંચો આવે છે. ગયા વર્ષે હોસ્પિટલના સંચાલન પેટે લગભગ ૧,૩૫,૨૦,૪૧૯ રૂપિયાનો ખર્ચ થયો હતો. પણ ઉદારમનના દાતાઓના સહયોગથી સરસ કામ થઇ રહ્યું છે. આ હોસ્પિટલના ટ્રસ્ટી મંડળમાં મુસ્લિમ બિરાદરો પણ છે, તો હિન્દુ ભાઇઓ પણ ખરા. દર્દીઓની સેવામાં નિષ્ણાત અને અનુભવી તબીબોનો કાફલો છે, જેમાં બહુમતી હિન્દુ છે.
પુસ્તિકામાં પ્રકાશિત દાતાઓની યાદી પર નજર ફેરવતાં જણાય છે કે મોટા ભાગના સખાવતી હિન્દુઓ છે તો મુસ્લિમો પણ કંઇ પાછળ નથી. અને હા, એક હકીકત તરફ ખાસ ધ્યાન દોરવું રહ્યું કે આ વિસ્તારની મોટા ભાગની વસ્તી બિન-હિન્દુ હોવાથી દર્દીઓમાં તેમની બહુમતી સહજ છે. એક બીજું પણ પાસું નોંધનીય છે. પુસ્તિકામાં વર્ષ દરમિયાન બ્લડ ડોનેશનમાં યોગદાન આપનારા ૧૧૧ રક્તદાતાઓના નામની યાદી તેમના બ્લડ ગ્રૂપ સાથે પ્રકાશિત થઇ છે. આ યાદીમાં મોટા ભાગના હિન્દુઓ છે, તો સાથોસાથ મુસ્લિમ પણ છે અને પારસી નામ પણ જોવા મળે છે. આ યાદી વાંચીને મને સહેજ વિચાર આવી ગયો કે આજે દુનિયામાં કેટલાક કટ્ટરવાદીઓ ધર્મના નામે બીજાનું લોહી વહાવી રહ્યા છે ત્યારે અહીં લોકો નાત-જાત-કોમને કોરાણે મૂકીને કોઇ ‘અજાણ્યા’ માટે પોતાનું લોહી ‘વહાવી’ રહ્યા છે. કોઇ તબીબી ઇમરજન્સી વેળા કે કોઇ દુર્ઘટના વેળા કે કોઇ સર્જરી વેળા દર્દીને લોહીની જરૂર પડતી હશે ત્યારે તેને નાત-જાત-કોમનું લેબલ જોઇને તે કંઇ લોહી ચઢાવાતું નથી. હિન્દુ-મુસ્લિમ-શીખ-ઇસાઇ... આપણા સહુના લોહીનો રંગ લાલ જ છે, તો પછી ધર્માંધ પરિબળો બીજાના લોહીના તરસ્યા શા માટે છે? મને તો આજ સુધી આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી.
ખેર... કેટલા ગામના લોકો અહીં સારવાર લઇ રહ્યા છે તથા નાની મોટી રકમ દાનમાં આપે છે તેની યાદી પર નજર ફેરવશો તો તમને આ હોસ્પિટલનું મહત્ત્વ સમજાશે. વેસ્મા, ઓસણા, દાભેલ (નવી નગરી), કાળાકાછા, સીમલક, ઇટાળવા, સુરત, બલેશ્વર, ઇસરોલી, તેલાડા, નવા માખીંગા, તરાજ, નવસારી, નસીલપોર, ભટ્ટાઇ, કફલેથા, લાજપોર (નાનાવાડો), મેલધરા, વાંકાનેર, મરોલી, મલેકપોર, બારડોલી, માણેકપોર-ટંકોલી, અમદાવાદ, સામરોદ, વાલોડ, પોંસરા, ઉન, ચલથાણ, સડોદરા, મલાવી, કછોલી, તાડીયા... આ તો એક ઝલકમાત્ર છે.
યંત્રના સંચાલન માટે ઈંધણ અનિવાર્ય છે તેમ તંત્રના સંચાલન માટે નાણાં. આ આરોગ્ય સંસ્થા સરસ રીતે લોકોની સેવા કરી રહી છે એમ કહીએ ત્યારે દાતાઓના યોગદાનનો ઉલ્લેખ ન કરીએ તો વાત અધૂરી જ રહી જાય. પુસ્તિકામાં દાતાઓની યાદી પ્રસિદ્ધ થઇ છે, જેમાં કિશોરચંદ્ર ધીરજલાલ દેસાઇ તરફથી અપાયેલી રૂ. ૨.૫ લાખની માતબર સખાવતનો ઉલ્લેખ છે તો આ જ યાદીમાં તમને ૫૦ રૂપિયાનું યોગદાન આપીને પોતાની ભાવના વ્યક્ત કરનાર દાતાનું નામ પણ વાંચવા મળશે.
જનસેવા એ જ પ્રભુસેવા એવું તો આપણે બાળપણથી સાંભળતા રહ્યા છીએ, પણ તેનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો અમૃતલાલ દેસાઇ જનરલ હોસ્પિટલની કામગીરી પર નજર ફેરવવી રહી. રોગીની સારવારનું પૂણ્યશાળી કામ અહીં થાય છે. આપણા શાસ્ત્રો-ગ્રંથોમાં એક યા બીજા પ્રકારે વસુધૈવ કુટુંબકમનો વિચાર રજૂ થયો છે. આ વિચાર સાકાર કરે છે વેસ્માનું આ આરોગ્ય ધામ. આપણે કોમી એખલાસને બદલે અવારનવાર કંકાસના સમાચાર વાંચીને ત્રાસ અનુભવીએ છીએ, પરંતુ આ સંસ્થાનો અહેવાલ આપણને ગૌરવની અનુભૂતિ કરાવે છે.
સદભાગ્યે છેલ્લા ૧૫ વર્ષમાં ગુજરાતમાં અને ૩ વર્ષથી ભારતમાં કોઇ ગંભીર રક્તપાત કે કોમી હિંસાની ઘટના બની નથી. ભૂતકાળમાં રમખાણો હજારો માનવજિંદગીને ભરખી ગયા છે. લાખોને લોહીલુહાણ કરી ચૂક્યા છે. માલમિલકતને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. અફસોસની વાત તો એ છે કે ગુજરાતમાં ભૂતકાળમાં થયેલા દંગલોની તપાસ દરમિયાન મોટા ભાગના કિસ્સામાં રાજકીય પક્ષો (સત્તાધારી)ની સંડોવણી ખુલ્લી પડી હતી. આ બધું જોતાં આપણે તો ઇશ્વરને એટલી જ પ્રાર્થના કરી શકીએ કે અંગત સ્વાર્થ માટે માણસ-માણસને લડાવી મારતા રાજકીય પક્ષો અને તેના નેતાઓને સદબુદ્ધિ આપે, અને આપણા સહુમાં માનવતા જળવાય રહે, માનવીય મૂલ્યોમાં શ્રદ્ધા ટકી રહે.
ભારતની વિવિધતામાં એકતા
થોડાક સમય પહેલાં વિવિધ ધર્મના ચેપ્લીનની એક બેઠકમાં હાજરી આપવાનો મહામૂલો અવસર મને સાંપડ્યો. મુખ્યત્વે એશિયન વસ્તી અને એશિયન વિસ્તારોમાં આવેલી જેલો સાથે સંકળાયેલા ચેપ્લીનનો આ સેમિનાર હતો. ઈંગ્લેન્ડમાં કાર્યરત ચેપ્લીનમાં હિન્દુ ચેપ્લીનની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી છે, પરંતુ મુસ્લિમ ચેપ્લીન સારી સંખ્યામાં જોવા મળે છે. આંકડાઓના આધારે સરખામણી કરવી હોય તો કહી શકાય કે ઇંગ્લેન્ડની જેલોમાં હિન્દુ કેદીઓની સંખ્યા માંડ અડધો ટકો હશે જ્યારે મુસ્લિમ બંદીવાનની સંખ્યા પાંચમા ભાગની છે. સેમિનારમાં જેલ ઓથોરિટીના પ્રવક્તાએ એક બહુ જ સરસ વાત કરી.
તેમનું કહેવું હતું કે દુનિયામાં ચારેબાજુ ધર્મના નામે ધીંગાણું ખેલાઇ રહ્યું છે, આતંકવાદ ફેલાઇ રહ્યો છે, હિંસા આચરાઇ રહી છે. આમાં દર વર્ષે લાખો મુસ્લિમ જિંદગીનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. પરંતુ વરવી વાસ્તવિક્તા તો એ છે કે આ મુસ્લિમોને મારનાર પણ મહદઅંશે મુસ્લિમ જ છે. ભારત જેવા પ્રમાણમાં વિશાળ દેશમાં અનેક સમસ્યાઓ અને વિરોધાભાસો હોવા છતાં શાંતિમય સહઅસ્તિત્વ વધુ જોવા મળી રહ્યું છે. વાચક મિત્રો, આ છે આપણું ભારત. વિવિધતામાં એકતાની તાકાત ધરાવતો દેશ.
હું બહુ જવાબદારીપૂર્વક આજના પવિત્ર દિવસે સંક્ષિપ્તમાં એટલું જ કહેવા માગું છું કે વેસ્મા ગામની એક પ્રેરણાદાયી અને પ્રાણવાન ગણાય તેવી હોસ્પિટલની વાત કરવાનો મને અવસર મળ્યો તે માટે વર્ષોજૂના મિત્ર અને વાચક મોહમ્મદભાઇ પીરભાઇનો હું ખૂબ આભારી છું.
આપ સહુ વાચક મિત્રોને ઇદ મુબારક, જય જગન્નાથ...
નાણાં રોકો, પાસપોર્ટ મેળવો
કેટલાક દેશો પોતાને ત્યાં મૂડીરોકાણ કરનાર વ્યક્તિને નાગરિકત્વ આપે છે. આવા દેશોની યાદીમાં યુરોપિયન યુનિયન (ઇયુ)ના સભ્ય એવા પોર્ટુગલ અને સાયપ્રસ મોખરાનું સ્થાન ધરાવે છે. પોર્ટુગલમાં નિયમ છે કે જો કોઇ વ્યક્તિ તે દેશમાં પાંચ લાખ યુરોની પ્રોપર્ટી ખરીદે તો તેને દેશમાં પરમેનન્ટ રેસિડેન્સીનો અધિકાર મળે છે. સાયપ્રસમાં બે મિલિયન યુરોનું પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ કરનાર નાગરિક્તા મેળવે છે. આ જ પ્રમાણે દૂર પૂર્વમાં પેસિફિક મહાસાગરમાં આવેલા વાનઆટુ નામના ટાપુ પર વ્યક્તિ છ લાખ ડોલરનું મૂડીરોકાણ કરીને કોઇ પણ વ્યક્તિ નાગરિક્તા મેળવી શકે છે.
દારૂ-જુગારનું દૂષણ
દસ દિવસમાં જગવિખ્યાત વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સમયે જ બ્રિટિશ રેન્કીંગમાં ત્રીજું સ્થાન ધરાવતા ટેનિસ ખેલાડી દાન ઇવાન્સ માટે મોંકાણના સમાચાર આવ્યા છે. ખૂબ જ આશાસ્પદ ભાવિ ધરાવતા, પરંતુ એક ‘ભૂલ’ના કારણે વિવાદાસ્પદ બની ગયેલા ઇવાન્સે ગયા શુક્રવારે કબૂલ્યું છે તે ગયા એપ્રિલમાં લેવાયેલા ડ્રગ્સ ટેસ્ટમાં ફેઇલ થયો છે. બ્લડટેસ્ટ દરમિયાન તેના લોહીમાં પ્રતિબંધિત ડ્રગ્સની હાજરી જણાઇ હોવાથી તેને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા સામે કામચલાઉ પ્રતિબંધ ફરમાવાયો છે.
ઇવાન્સ તો એક ઉદાહરણ માત્ર છે કે ડ્રગ્સનું વ્યસન એક પ્રતિભાશાળી ખેલાડી કે વ્યક્તિની કારકિર્દી કે જિંદગી પર કેવો કાળો દાગ લગાવી દે છે. જે તે વ્યક્તિની ગાડી કોઇ વ્યસન કે કુટેવના કારણે જિંદગીના પાટા પરથી ઉતરી જાય છે ત્યારે તેનું કર્યું કારવ્યું ધૂળધાણી થઇ જાય છે. વર્ષોની જહેમત બાદ ઉભી કરેલી કારકિર્દી પળભરમાં જમીનદોસ્ત થઇ જાય છે. અને જ્યારે આવું થાય છે ત્યારે કડવી વાસ્તવિક્તાનો સામનો કરવો બહુ કઠિન બની રહે છે.
તાજેતરમાં એક મનોચિકિત્સકની મુલાકાત લેવાનો મને મોકો મળ્યો. આ દરમિયાન તેમણે બહુ જ રસપ્રદ વાત કરી કે ઘણા લોકો જાણીબૂઝીને ઊલમાંથી ચૂલમાં પડતા હોય છે. જ્યારે આપણે જાણીએ જ છીએ કે ડ્રગ્સ, જુગાર, આલ્કોહોલ કે પછી તેના જેવી અન્ય કોઇ ચીજવસ્તુનું વ્યસન આપણા માટે, આપણા પરિવાર માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે તો પછી તેનાથી દૂર જ રહેવું જોઇએ. તેમણે (પ્રોફેશનલ એથિક્સનું બાકાયદા પાલન કરતાં - વ્યક્તિની ઓળખ જાહેર ન થાય તે રીતે) કેટલાક કિસ્સાની વાતો પણ કરી. તેમની આ બધી વાતો સાંભળીને મને એટલું તો સમજાયું કે ડ્રગ્સ, કેસિનો, આલ્કોહોલ, સ્મોકિંગ જેવી કોઇ પણ બાબતનું ગમેતેવું વ્યસન કેમ ન હોય, વ્યક્તિ દૃઢ નિર્ધાર કરે તો તેમાંથી સાંગોપાંગ બહાર નીકળી જ શકે છે. આ માટે શું કરવું જોઇએ? વ્યસનની આ નાગચૂડમાંથી કઇ રીતે નીકળી શકાય તે સમજાવતાં તેમણે કેટલાક સૂચનો પણ કર્યા... પરંતુ આ અંગેની વધુ વાત આગામી અંકમાં. (ક્રમશઃ)

