લંડનઃ મુંબઈના રેડલાઈટ એરિયાની સેક્સવર્કરોની કૂખે જન્મેલી દીકરીઓને ઘર, શિક્ષણ અને તાલીમ પૂરી પાડીને તેમને સામાજિક પરિવર્તનના પ્રતિનિધિ બનાવીને તેમના સશક્તિકરણ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા ‘ક્રાંતિ’ના સભ્યો હાલ યુકેની મુલાકાતે છે. સંસ્થા દ્વારા ભારતીય સમાજમાં મહિલાઓના મૂલ્યોને નવી વ્યાખ્યા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. BAPS ચેરિટીએ શનિવાર તા.૨૪ જૂને BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તેમનું સ્વાગત કર્યું હતું.
BAPS ચેરિટી તેમના ભોજન અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઉઠાવીને તેમની પ્રેરણાદાયક પ્રવૃત્તિ અને કાર્યક્રમો વિશે જાગૃતિ ફેલાવીને ‘ક્રાંતિ’ની સમર ટૂરને મદદ કરી રહી છે. BAPS ચેરિટીએ તેના સભ્યો માટે ખાસ લંડન ટૂરનું આયોજન કર્યું છે.
સંસ્થાની યુવતીઓએ શનિવારે સ્વામિનારાયણ સ્કૂલમાં ૨૦૦ પ્રેક્ષકો સમક્ષ ‘ક્રાંતિ’નું નાટક ‘લાલ બત્તી એક્સપ્રેસ’ રજૂ કર્યું હતું. તેની થીમ છોકરીઓએ તેમના જીવનમાં વેઠેલી ભૂતકાળ અને વર્તમાનની યાતનાઓ, અસલામતી, ભેદભાવ, હિંસા અને દુઃખ તેમજ સારા ભવિષ્ય માટે તેમને જે પરિવર્તનની આશા છે તેના નિરુપણ સાથેની ટ્રેન યાત્રા પર આધારિત છે.
અપમાન, ગરિમા અને ઉલ્લાસિત વૃત્તિને રજૂ કરતા તેમના અભિનયથી પ્રેક્ષકો લાગણીશીલ બની ગયા હતા. ખાસ કરીને તો પોતાની તથા પરિવારની તેમજ આ સમસ્યાઓની અસર પામેલા અન્ય તમામ લોકોનું જીવન સુધારવા માટેની તેમની પ્રતિબદ્ધતાથી સૌ કોઈ પ્રભાવિત થયું હતું.
‘ક્રાંતિ’ના સ્થાપક રોબિન ચૌરસિયાએ જણાવ્યું હતું કે આ મહિલાઓ અને તેમના પરિવારો રોજ જે અત્યાચાર વેઠે છે તેમાંથી એકાદમાં પણ સુધારો થાય તો અમારા પ્રયાસો લેખે લાગશે. એક સમાજ તરીકે સૌએ સાથે મળીને આપણને જે મુદ્દા ન ગમતા હોય તેની ચર્ચા નહીં કરવાનું વલણ દૂર કરવાની જરૂર છે.
BAPS ચેરિટીના વોલન્ટિયર આરાધના પટેલે જણાવ્યું હતું કે તેમના અભિનયથી સૌ કોઈ ભાવવિભોર બની ગયા હતા. કલાકાર દ્વારા રજૂ કરાયેલો પ્રત્યેક સંવાદ તેમનો પોતાનો વ્યક્તિગત અનુભવ હતો. તેની સમજથી સેક્સ વર્કરોના બાળકો જે મુશ્કેલીભર્યું જીવન જીવે છે તેનાથી પ્રેક્ષકો વાકેફ થયા હતા. પોતાના કે પોતાના પરિવારના જીવનમાં જ નહીં પરંતુ, તેમના જેવી પરિસ્થિતિમાં જીવતા અન્ય લોકોનું જીવન સુધારવા માટેની તેમની કૃતનિશ્ચયતા અને શક્તિનો સૌને આ પાત્રો દ્વારા પરીચય થયો.
‘ક્રાંતિ’ના યુકેમાં અન્ય નાટ્યપ્રયોગોની માહિતી www.facebook.com/Kranti2017UK પરથી મેળવી શકાશે. સેક્સ વર્કરોની પુત્રીઓ સાથેના ‘ક્રાંતિ’ના કાર્યને મદદરૂપ થવા ડોનેશન અને સહયોગ આપવા www.globalgiving.org/microprojects/kranti2017uk વેબસાઈટ જોવી.

