સર વિન્સ કેબલ ટોરી સરકારને સમર્થન માટે કોઈ સમજૂતી કરવાની લીબ ડેમના સભ્યોને મંજૂરી આપશે નહીં. કેબલે જણાવ્યું હતું કે તેઓ ટોરીની માનસિકતાનો અનુભવ છે અને તેઓ ફરીથી તેનો શિકાર બનવા માગતા નથી. તાજેતરમાં એવી અટકળો હતી કે DUP સાથેની વાટાઘાટો નિષ્ફળ જશે તો કન્ઝર્વેટિવ પાર્ટી સમર્થન માટે લીબ ડેમના ૧૨ સાંસદો સાથે વાતચીત કરશે.
• વ્યાજદરમાં વધારાથી મતભેદો ઉભા થઈ શકે
બેંક ઓફ ઈંગ્લેન્ડના ચીફ ઈકોનોમિસ્ટ એન્ડી હાલ્ડેને જણાવ્યું હતું કે ફુગાવાના દરને નિયંત્રણમાં લેવા અને પાછળથી વ્યાજદરમાં મોટા વધારાને અટકાવવા માટે આ વર્ષે વ્યાજદરમાં વધારો કરવો પડશે. આ ફેરફારના મુદ્દે બેંકની કમિટિના સભ્યોમાં મતભેદ સર્જાય તેવું બની શકે. જોકે, બેંકના ગવર્નર માર્ક કાર્ની નિર્ણાયક મત ધરાવે છે.
• યુકે માઈગ્રન્ટ્સને પરત મોકલવા ૭૫ મિલિયન પાઉન્ડ ખર્ચશે
નાઈજીરીયા, ઈજિપ્ત અને લીબિયા થઈને હોર્ન ઓફ આફ્રિકાથી યુરોપ આવવાનો પ્રયાસ કરતા આફ્રિકન માઈગ્રન્ટ્સને માનવતાના ધોરણે મદદ માટે બ્રિટન ૭૫ મિલિયન પાઉન્ડ ખર્ચશે. તેમને ભોજન, પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા ઉપરાંત વિચાર બદલીને સ્વદેશ પરત ફરવા માગતા લોકોને પણ યુકે તેના નાણા ચૂકવશે.
• વિદ્યાર્થી સાથે સેક્સ બદલ મહિલા ટીચર પર પ્રતિબંધ
બ્રેડફર્ડની ટોંગ હાઈ સ્કૂલની ૩૫ વર્ષીય મહિલા ટીચર અમીના નઝમ ખાન પર એક વિદ્યાર્થી સાથે જાતીય સંબંધને લીધે તે ક્લાસમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. તેણે વિદ્યાર્થીને પોતાના નગ્ન ફોટા મોકલ્યા હતા અને જાતીય સંબંધ માટે વૈભવી હોટલનો રૂમ બુક કરાવ્યો હતો. ત્યાર પછી તેણે તે વિદ્યાર્થી સાથેનો સંબંધ અચાનક કાપી નાખ્યો હતો અને ફોટા તથા મેસેજીસ ડીલીટ કરવા જણાવ્યું હતું. જોકે, તે વિદ્યાર્થીએ બીજા ટીચરને તેમના સંબંધની વાત કરી દીધી હતી.
• સ્તનપાન કરાવતી મહિલાઓનું આરોગ્ય પાછલી જીંદગીમાં સ્વસ્થ
સ્તનપાન માત્ર બાળકો માટે જ લાભકારક નથી. તેનાથી મહિલાઓને પણ જીવનના પાછળના વર્ષોમાં સ્ટ્રોક અથવા હૃદયરોગ આવતો અટકી શકે તેમ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ચાઈનીઝ એકેડેમી ફોર મેડિકલ સાયન્સે ૩ લાખ જેટલી આધેડ મહિલાઓના આઠ વર્ષ સુધી કરેલા અભ્યાસમાં જણાયું હતું. અગાઉના અભ્યાસોમાં જણાયું હતું કે પ્રસૂતિ પછી મહિલાને વજનમાં ઘટાડો, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને ગ્લુકોઝના લેવલમાં ઘટાડા જેવા ટૂંકા ગાળાના ફાયદા થાય છે. પરંતુ લાંબા ગાળાના લાભ વિશે કોઈ અભ્યાસ કરાયો ન હતો.
• બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે
બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટના ફીટીંગ્સને લીધે ઈલેક્ટ્રીક સિગ્નલો અવરોધાતા બ્રેસ્ટ કેન્સરનું નિદાન થઈ શકતું નથી. તેના લીધે તેવી મહિલાઓને હાર્ટ એટેક આવવાનું જોખમ ખૂબ વધુ રહેતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. કાર્ડિયાક બીમારીના નિદાન માટે કરાતા રુટિન ટેસ્ટ બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ સર્જરી કરાવેલી મહિલાઓ માટે ઓછા આધારભૂત હોય છે. યુકેમાં દર વર્ષે લગભગ ૨૫ હજાર મહિલા બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવે છે.
