બ્રિટનમાં ૨૧ જૂનનો દિવસ છેલ્લાં ૪૦ વર્ષમાં સૌથી ગરમ રહેતા બેરિસ્ટરો અને જજોને તેમના પરંપરાગત ગાઉન અને વિગ્સ ઉતારી દેવાની છૂટ અપાઈ હતી. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવાયા હતા. વેસ્ટ લંડનના હિથરોમાં બુધવારે ગરમીનો પારો બપોરે ૪ સુધીમાં ૯૪.૧ ફેરનહીટ (૩૪.૫ ડિગ્રી સે.) પર પહોંચી ગયો હતો. મેટ ઓફિસના જણાવ્યા મુજબ ૨૮ જૂન, ૧૯૭૬ના રોજ સાઉધમ્પટનમાં ૯૬ ફેરનહીટ (૩૫.૬ ડિગ્રી સે.) તાપમાન નોંધાયુ હતું.
• લગ્નજીવનનું સરેરાશ આયુષ્ય ૭થી વધીને ૧૧ વર્ષ થયું
ડિવોર્સના પ્રમાણમાં સતત ઘટાડા સાથે લગ્નજીવનના સરેરાશ આયુષ્યમાં વધારો થઇ રહ્યો હોવાનું તાજેતરના આંકડામાં જણાયું હતું. તેથી અગાઉ જાણીતા ‘સેવન યર ઈચ’ શબ્દપ્રયોગને હવે બદલીને ‘૧૧ યર સ્ક્રેચ’ કરવાનો સમય આવી ગયો છે. ‘૮૦ના દાયકાના મધ્યભાગમાં ખૂબ નીચે ગયા બાદ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં લગ્નોનું સરેરાશ આયુષ્ય ૧૧.૯ વર્ષ હતું. અગાઉ ૧૯૭૨માં તે થોડા સમય માટે ૧૨.૨ વર્ષ હતું. અગાઉ સૌથી ઓછું ૭ વર્ષનું આયુષ્ય ક્યારેય ન હતું. ૧૯૮૫માં લગ્નજીવનનું સરેરાશ આયુષ્ય ૮.૯ વર્ષ હતું.
• સ્ટાફની અછત નિવારવા NHS ભારતથી નર્સો લાવશે
યુરોપિયન યુનિયનથી આવેલી નર્સો પાછી જતી રહેતા હોસ્પિટલોમાં સ્ટાફની સર્જાયેલી અછતના સંજોગોમાં NHS ભારતથી નર્સો લાવવા વિચારી રહ્યું છે. સ્પેશિયાલિસ્ટ NHS ટ્રેનિંગના બદલામાં બે વર્ષ સુધી બ્રિટનમાં કામ કરી શકે તેવી નર્સો માટે NHSના વડા ભારતની હોસ્પિટલ ચેઈન સાથે વાટાઘાટો કરી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં ૪૦ હજાર નર્સની જગ્યા ખાલી છે અને NHS જે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે પૈકી સ્ટાફની અછત એક છે.
• નાની બાળકીઓને ટાર્ગેટ બનાવતા પ્લાસ્ટિક સર્જરી એપ્સ અને ગેમ્સ
યંગ માર્કેટ કબજે કરવા માટે કોસ્મેટિક સર્જરી એપ્સ હલકી કક્ષાની પદ્ધતિ અજમાવી રહ્યા હોવાની ચેતવણી નટફિલ્ડ કાઉન્સિલ ઓન બાયોએથિક્સે આપી છે. તેમાં પણ નવ વર્ષ સુધીની બાળકીઓને ટાર્ગેટ બનાવાય છે. તબીબી કારણો સિવાય ૧૮થી નીચેની કિશોરીઓને ફિલર્સ કે બોટોક્સ મેળવવા પર અથવા પ્લાસ્ટિક સર્જરી કરાવવા પર અને આવા વિચારોને પ્રોત્સાહન આપતી ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની નટફિલ્ડે ભલામણ કરી હતી.
• બ્રિટિશ પરિવારોએ ૫ બિલિયન પાઉન્ડ ઈનહેરિટન્સ ટેક્સ ચૂકવ્યો
બ્રિટિશ પરિવારોએ પહેલી વખત આ વર્ષે સૌથી વધુ ૫ બિલિયન અબજ પાઉન્ડનો ઈનહેરિટન્સ ટેક્સ ચૂકવ્યો છે. સાઉથમાં મકાનોના ભાવમાં ભારે ઉછાળાને લીધે વિક્રમ સંખ્યામાં મધ્યમ વર્ગના પરિવારો આ ટેક્સ ચૂકવવાની ફરજ પડી છે. ગયા વર્ષે ૪.૭ બિલિયન પાઉન્ડના ચૂકવાયેલા ટેક્સની સામે આ વર્ષે ૯ ટકાનો વધારો થયો હતો.
• કાલ્પનિક વિલા કૌભાંડથી ટુરિસ્ટ સાથે ઠગાઈ
કેટલીક બોગસ ટ્રાવેલ વેબસાઈટ્સ ગૂગલને પણ એવી રીતે ભરમાવે છે કે જાણે તે સાચી અને યોગ્ય હોય તેવું લાગે. દર વર્ષે લગભગ ૬ હજાર બ્રિટિશ લોકો આવી વેબસાઈટ્સની કાલ્પનિક હોલિડેઝ દ્વારા ઠગાઈનો ભોગ બને છે. લક્ઝરી એકોમોડેશનના ચોરેલા ફોટા આ વેબસાઈટ પર મૂકીને ટુરિસ્ટને છેતરવામાં આવે છે. દસથી વધુ કંપનીઓ આવા ૧૦ હજાર ફોટાનો ઉપયોગ કરતી ઝડપાઈ હતી. એક્શન ફ્રોડ સમક્ષ ૨૦૧૬માં ઠગાઈના ૫,૮૨૬ કેસ આવ્યા હતા, જે ૨૦૧૫ કરતા ૨૦ ટકા વધુ હતા. સહેલાણીઓએ કુલ ૭.૨ મિલિયન પાઉન્ડ ગુમાવ્યા હતા.
