લંડનઃ બર્મિંગહામમાં અગાઉ પોલીસે આઠ જેહાદીઓને ઝડપી લઈને તેમની હુમલાની યોજના નિષ્ફળ બનાવી હતી. તેમની યોજના સફળ થઈ હોત તો માન્ચેસ્ટર હુમલામાં થયું તેમ સંખ્યાબંધ નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા હોત અને ઈજાગ્રસ્ત થયા હોત. આ આઠેયની સામે બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી અને આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ તેમને ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.
૨૯ વર્ષીય ઝાહિદ હુસૈનને આલમ રોકના તેના ઘરે પ્રેશર કૂકર બોમ્બ બનાવીને ત્રાસવાદી પ્રવૃત્તિની તૈયારી બદલ ગુનેગાર ઠેરવાયો હતો. તેણે કૂકરમાં છરા ભર્યા હતા અને તહેવારો વખતે રોશની કરવા માટેની સાધનસામગ્રીમાંથી ‘ઈમ્પ્રોવાઈઝ્ડ ઈગ્નાઈટર્સ’ બનાવ્યા હતા.
નેસ્બી ડ્રાઈવના બીજા આતંકવાદી હુસૈન પાસેથી ‘ગેરિલા વોરફેર’ના પુસ્તકો અને બોમ્બ બનાવવાની રીતની હાથે લખેલી નોટ્સ મળી આવી હતી. પરંતુ, તેના વિશેનો આખરી નિર્ણય પાછળથી લેવાશે.
અગાઉની ઘટનાઓમાં, પોલીસ અને સિક્યુરીટી સર્વિસીસને હમઝા અલી (૨૦) જેવા અન્ય જેહાદીઓને ઓળખીને બહાર લાવવામાં સફળતા મળી હતી. અલીએ ૨૦૧૫માં તુર્કી જવાનો પ્રયાસ કર્યો હતો. સોલિહુલના હોકલી હિથમાં પેઈન્ટ-બોલિંગ સેન્ટરમાં તાલીમ અપાઈ હતી.
કોવેન્ટ્રી રોડના અલી એહમદ (૨૭)ને સ્મોલ હિથ પાર્કમાં બોમ્બ હુમલાના શકમંદ મોહમ્મદ આબ્રિનીને ૩ હજાર પાઉન્ડ પહોંચાડવામાં તેની ભૂમિકા બદલ આઠ વર્ષની જેલ થઈ હતી.
તે જ વર્ષે બર્મિંગહામ સિટી યુનિવર્સિટીના બે ૨૨ વર્ષીય વિદ્યાર્થી યુસુફ સરવર અને બેરોજગાર મોહમ્મ્દ એહમદને તેમની ટ્રાયલના પહેલા જ દિવસે આતંકવાદના આરોપસર દોષિત ઠેરવાયા હતા.
સિક્યુરિટી સર્વિસીસે આઈએસઆઈએસના પ્રચારક જુનૈદ હુસૈનને અને દાયેશ પ્રચારકની ભાળ મેળવી હતી. પરંતુ તે બન્ને અથડામણમાં માર્યા ગયા હતા.
૨૦૧૩માં રીંગલીડર ઈરફાન નાસીરની ધરપકડ કરાઈ હતી અને તેને આજીવન કેદની સજા થઈ હતી. છૂટવા માટે તેને ઓછામાં ઓછી ૧૮ વર્ષની સજા ભોગવવાની હતી.

