ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંઘના તત્કાલીન મીડિયા સલાહકાર સંજય બારુ એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં અનુપમ ખેર મનમોહનસિંઘની ભૂમિકા ભજવશે. બારુએ મનમોહન પર ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર : ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહનસિંઘ’ નામથી પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે મનમોહનના પ્રથમ કાર્યકાળની ખાસ્સી ટીકા કરી છે. વળી, એ પુસ્તક ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં જ તેમણે પ્રસિદ્ધ કર્યું હતું. બારુની આ ફિલ્મ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અગાઉ ડિસેમ્બર ૨૦૧૮માં રિલીઝ થશે. ફિલ્મના નિર્દેશક ગુટ્ટેએ કહ્યું કે મનમોહનસિંઘની ભૂમિકાને અનુપમ ખેર સારી રીતે ન્યાય આપી શકશે. મનમોહનના સમયમાં પીએમઓમાં ખરેખર શું ચાલી રહ્યું હતું તે આ ફિલ્મમાં બતાવાશે. નિર્માતા સુનિલ બોહરાએ કહ્યું હતું કે, આ ફિલ્મ રિચર્ડ એટનબરોની ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘ગાંધી’ કરતાં પણ વધારે હાઈ પોલિટિકલ ડ્રામા હશે. નેશનલ એવોર્ડ વિનર ડિરેક્ટર હંસલ મહેતાએ આ ફિલ્મની પટકથા લખી છે. નિર્દેશક વિજય રત્નાકર ગુટ્ટેની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મની અનુપમ ખેર સિવાયની સ્ટારકાસ્ટ હજી નક્કી નથી. આ ફિલ્મ પરનું રિસર્ચ પૂરું થઈ ગયું છે. ઓડિશન અંતિમ તબક્કામાં છે. બોહરાએ અગાઉ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અને ‘સહાબ બીવી ઔર ગેંગસ્ટર’ જેવી ફિલ્મો બનાવી છે.

