ન્યૂ યોર્કઃ અમેરિકન વિજ્ઞાનીઓએ તમામ પ્રકારના કેન્સરની માહિતી મેળવવા માટે યુનિવર્સલ કેન્સર ટેસ્ટની શોધ કરી છે. જેનું નામ લિક્વિડ બાયોપ્સી ટેસ્ટ છે. તેમાં બ્લડ ટેસ્ટના માધ્યમથી વ્યક્તિમાં ટ્યુમરનાં લક્ષણોની ૧૦ વર્ષ પહેલાં જાણ થઈ જાય છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે ટેસ્ટમાં દર્દીઓને તેમની સારવાર કરાવવામાં સરળતા રહેશે. તેનાથી દર વર્ષે દુનિયામાં હજારો લોકોનું જીવન બચાવી શકાય છે. સાથે કેન્સરથી થનારા મૃત્યુમાં પણ ઘટાડો આવશે. અત્યારે લિક્વિડ બાયોપ્સી ટેસ્ટની કિંમત બહુ ઊંચી છે. જોકે, સંશોધકોનું કહેવું છે કે દુનિયામાં ટેક્નિક આવ્યા બાદ તેની કિંમત દસમા ભાગની થઈ જશે.
ગયા સપ્તાહે શિકાગોમાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી વર્લ્ડ કેન્સર કોન્ફરન્સમાં બાયોપ્સી ટેસ્ટનાં બધાં પરિણામો એકદમ સાચા રહ્યા છે. અહીં જણાવાયું કે ટેસ્ટ દ્વારા કોઈ પણ પ્રકારના ટ્યુમરની ૯૦ ટકા સાચી માહિતી મેળવની શકાય છે. અગાઉ ન્યૂ યોર્કના મેમોરિયલ સલોન કેટરિંગ કેન્સર સેન્ટરે પણ બાયોપ્સી ટેસ્ટથી ૧૬૧ દર્દીઓમાં બ્રેસ્ટ કેન્સરની ઓળખ કરી છે. બીજી બાજુ, અમેરિકન કંપની ગ્રેલની ટેસ્ટને ૨૦૧૯ સુધી બજારમાં લાવવાની યોજના છે. કામ માટે ગ્રેલને માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અને અમેઝોનના સ્થાપક જેફ બેઝોસે અંદાજે પાંચ બિલિયન રૂપિયાની આર્થિક મદદ આપવાનો નિર્ણય કર્યો છે.
સંશોધકોના જણાવ્યા મુજબ ટેસ્ટમાં દર્દીને માત્ર બ્લડ સેમ્પલ આપવાનું હોય છે, જેને ઉચ્ચ પ્રકારની તપાસ માટે પ્રયોગશાળામાં એક મશીનમાંથી પસાર કરવામાં આવે છે. મશીન લોહીને સ્કેન કરે છે. જો તેમાં કોઈ પણ ડીએનએમાં ટ્યુમરનાં લક્ષણો મળે છે તો તે તેને તુરંત પકડી લે છે. આ પ્રક્રિયાને સીટી ડીએનએ પણ કહે છે. તેનાથી જાણવા મળે છે કે શરીરમાં ટ્યુમર કેવી રીતે વૃદ્ધિ કરે છે અને કેવી રીતે કેન્સર બને છે. બાયોપ્સી ટેસ્ટ વિશ્વભરમાં આગામી બે વર્ષમાં ઉપલબ્ધ થઈ જશે.
કેન્સરથી થતાં મૃત્યુ ઘટશે
બાયોપ્સી ટેસ્ટના મુખ્ય સંશોધક પ્રો. બર્ટ બોગેસ્ટેઈન કહે છે કે તેનાથી દુનિયામાં કેન્સરથી થતાં મૃત્યુમાં ૪૫ ટકા ઘટાડો થશે.
સંશોધકોમાં સામેલ મેલબોર્નના ડોક્ટર પીટર ગિબ્સ કહે છે કે બાયોપ્સી ટેસ્ટની ખાસિયત લોકોને સલામતી આપવાની છે. તેની મદદથી લોકો ઝડપથી સારવાર કરાવીને સાજા થઈ શકે છે. સાથે કોલેસ્ટ્રોલ, બ્લડ શુગર ચેકઅપ પણ કરાવી શકે છે.

