ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ગાંધીજીનો અભ્યાસ ફરજિયાત

Thursday 01st June 2017 06:10 EDT
 
 

 

લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરતા ઈતિહાસના વિદ્યાર્થીઓએ હવે નોન-બ્રિટિશ અને નોન-યુરોપિયન વિષયો પરનું પેપર આપવું પડશે. વિદ્યાર્થીઓએ માર્ટિન લ્યુથર કિંગ અને મહાત્મા ગાંધીનો પ્રભાવ જેવા સંખ્યાબંધ વિષયોનો ફરજિયાત અભ્યાસ કરવો પડશે. યુનિવર્સિટીઓમાં શ્વેત ઈતિહાસને વધુ મહત્ત્વ અપાતું હોવાના વિરોધમાં અભિયાન ચલાવતા લોકોએ આ પગલાને આવકાર્યું હતું.

આ ફેરફાર વિદ્યાર્થીઓની 'Rhodes must fall' અથવા UCL ના ‘ Why is my curriculum white? જેવા અભિયાનોને લીધે કરાયો હોવાનું વ્યાપકપણે મનાય છે. પરંતુ, બાહ્ય દબાણને લીધે આ ફેરફાર ન કરાયો હોવાનું ઓક્સફર્ડ યુનિવર્સિટીએ જણાવ્યું હતું.

SOAS યુનિવર્સિટી ઓફ લંડનના આફ્રિકાના ઈતિહાસના સિનિયર લેક્ચરર મેરી રોડેટે આ ફેરફાર જરૂરી હોવાનું સૂચવ્યું હતું. યુનિવર્સિટી ઓફ સસેક્સના સાઉથ એશિયન હીસ્ટ્રીના પ્રોફેસર વિનિતા દામોદરને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને હવે અન્ય વિષયો ભણવાની ફરજ પડશે અને અન્ય યુનિવર્સિટીઓએ પણ તેનું અનુકરણ કરવું જોઈએ. સ્કૂલોએ પણ અભ્યાસક્રમનું વિસ્તરણ કરવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અશ્વેત શિક્ષણવિદોને જોબમાં રાખવા તથા અભ્યાસક્રમમાં અશ્વેતો અને મહિલાઓની રચનાઓનો સમાવેશ કરવામાં યુનિવર્સિટીઓ સક્રિય થાય તે મહત્ત્વનું છે.

યુનિવર્સિટીઓમાં ઓછી સંખ્યામાં અશ્વેત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બદલ ઓક્સફર્ડ સહિતની યુનિવર્સિટીઓની ભારે ટીકા થઈ રહી છે. હકીકતે, પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરને પણ ૨૦૧૪માં માત્ર ૨૭ અશ્વેત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બદલ કડક આલોચના કરી હતી.


comments powered by Disqus