ગુજરાત અને ગાયઃ કેટલાક નવા અને જૂના બનાવો

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 07th June 2017 06:51 EDT
 
 

ગૌભક્ત શંભુ મહારાજના સુપુત્ર ચૈતન્ય શંભુ મહારાજ પણ ભાગવત કથાકાર છે. તેમણે કેરળમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ યોજેલી ‘બીફ પાર્ટી’ની વિરુદ્ધમાં અડતાલીસ કલાકના ઉપવાસ જાહેર કર્યા એટલે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ત્યાં ધસી ગયા, તોફાન કર્યાં. બીજા દિવસે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવું જોઈએ.

આ મામલો ભારે વિચિત્ર છે. એક સમયે સેક્યુલર વિદ્વાનોએ કહ્યું હતું કે વેદકાળમાં પણ ગૌમાંસ ખવાતું હતું. ત્યારે વેદમૂર્તિ પંડિત સાતવળેકરજી પારડીમાં વેદ-સ્વાધ્યય મંદિર ચલાવતા હતા. તેમને ‘સાધના’ના તંત્રી તરીકે મેં પૂછયું તો વિગતવાર લેખ મોકલ્યો કે વેદકાલીન શબ્દાવલિ અને અન્ય સંશોધન પછી સ્પષ્ટ છે કે તત્કાલીન પ્રજા - રાજા - ઋષિ કોઈ ગૌમાંસભક્ષણ કરતા નહોતા. આ લેખ તે સમયે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ મગનભાઈ દેસાઈની નજરે ચડ્યો તો તેમણે ‘નવજીવન’માં છાપ્યો અને પોતાની નોંધ પણ મુકી હતી.

આપણે ત્યાં બ્રિટિશ અને પશ્ચિમી વિદ્વાનો તેમજ ડાબેરી પ્રગતિશીલ ઇતિહાસકારોનાં ‘આક્રમણ’થી ભારે વિકૃત ઇતિહાસલેખન થયું અને તેનાં પાઠ્યપુસ્તકો નેહરુ-યુગથી ભણાવાતાં રહ્યાં. હવે ઇતિહાસનાં પુનર્લેખનની વાત થાય છે ત્યારે આવા અર્ધદગ્ધ લેખકોને દેશની વિદ્વત્તાનું સત્યાનાશ વાળવાનો અજંપો થાય છે! આને માટે નાનામોટાં નિમિત્તો શોધી શોધીને નિંદા કરવાનું શરૂ થયું છે, તે છપાય પણ છે. ગુજરાત પણ તેમાં બાકાત નથી. ખરેખર તો અ-જાણ તથ્યોને માટે ઇતિહાસનું પુનરાવલોકન અને પુનર્લેખન બન્ને થવાં જોઈએ. પણ, હવે જેમની પાસે સમિતિઓ વગેરેમાં પદ – પ્રતિષ્ઠા - વેતન ખૂંચવાતાં જાય છે તેઓ પોતાના ‘બૌદ્ધિક શોરબકોર’નો આશરો લેવા માંડ્યા છે.

ગાય ‘બિચારુ’ પ્રાણી બની ગયું, આવા સંજોગોમાં! ભગવાન શ્રીકૃષ્ણ ‘ગોપાલક’ તરીકે અરધી જિંદગી મથુરામાં જમુના કિનારે જીવ્યા અને ગાય-ગોવાળિયાને સુરક્ષિત રાખવા માટે ઇન્દ્રનો રોષ વહોરીને ગોવર્ધન પર્વત હેઠળ સૌની રક્ષા કરી એ માત્ર પ્રતિકાત્મક દંતકથા નથી. એક મહાપુરુષ ‘ગોવાળિયો’ બનીને જીવ્યો તે સારગર્ભિત સાંસ્કૃતિક ઘટના છે તે રીતે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ.

રાજવીઓ અને શાસકોને શા માટે ‘ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલક’ ગણવામાં આવતા હતા? કારણ એ છે કે ભારતીય નદીઓના કિનારે વસેલી પ્રજાનો સીધો સંબંધ કૃષિ અને પર્યાવરણ પર આધારિત હતો, તેમાં ગાય કેન્દ્રમાં હતી. એટલે તેને સંસ્કૃતિની જીવનરેખા માનવામાં આવી અને તેની શ્રેષ્ઠતાને કાયમ કરવા માટે ધાર્મિક આસ્થાની સાથે જોડી દેવામાં આવી. આપણે ત્યાં મોટાભાગનાં આશ્રમો - ધાર્મિક સ્થાનોએ ‘ગૌશાળા’ તો હોય જ છે. સૌરાષ્ટ્રમાં પ્રાંસલા ગામે એક સ્વામીજી - ખોટ ખાઈને ય – આ જ કામ કરી રહ્યા છે, એવા બીજાં સ્થાનો પણ છે. એ રીતે સાધુ-સંતોએ પણ ગાયને મહત્ત્વ આપ્યું. તેમાંથી ગોવધબંધીનું જે આંદોલન શરૂ થયું તે આજકાલનું નથી. સ્વતંત્રતા પ્રાપ્તિથી જ શરૂ થઈ ગયું હતું.

૧૯૬૦ના દશકમાં નવી દિલ્હીમાં સંસદ સમક્ષ સાધુ-સંતોએ પ્રચંડ દેખાવો કર્યા ત્યારે થયેલા ગોળીબારમાં સેંકડો સાધુઓની લાશો ઢળી હતી. સાધુ-સંન્યાસીના તો ક્યાં ઠામઠેકાણા કે કુટુંબ હોય? એટલે પોલીસ ચોપડે માત્ર ‘સાધુ’ એટલું લખીને નોંધ કરાઈ હતી. શંકરાચાર્યના ઉપવાસ, કરપાત્રીજીની સ્વામી રામરાજ્ય પરિષદ, હિન્દુ મહાસભા, ભારતીય જનસંઘ, તમામ શંકરાચાર્ય અને વિવિધ મઠ-મંદિરોના મહંતો-આચાર્યો, પછી સ્થાપિત થયેલા વિશ્વ હિન્દુ પરિષદ એમ વિવિધ સંગઠનોએ ગૌવધ – પ્રતિબંધ અને ગૌવંશ સંવર્ધન માટે અહર્નિશ માગણી ચાલુ રાખી. તેના લીધે ઘણાં રાજ્યોમાં તેવો કાયદો પણ આવ્યો છે. ગુજરાત સરકારે પણ તેવો કાયદો બનાવ્યો અને ‘ગૌ-સેવા આયોગ’ સ્થાપિત કર્યો તેના અધ્યક્ષ પૂર્વે કેન્દ્રીય પ્રધાન ડો. વલ્લભ કથીરિયા છે.

શંભુ મહારાજ તો પોતે જ ‘ગૌભક્ત’ તરીકે ખ્યાત હતા. એક પક્ષ પણ બનાવ્યો હતો પણ મુખ્યત્વે જનસંઘ – સ્વતંત્ર પક્ષનું સમર્થન કરતા. ચૈતન્ય શંભુ મહારાજે તેમનો વારસો સંભાળ્યો અને ઉપવાસ પર બેઠા એટલે ‘ગાય આપણાં હાથમાંથી ગઈ’ એવો અજંપો રાજકારણમાં સ્થાપિત થાય તે સ્વાભાવિક છે.

ગાયનું માંસભક્ષણ એ ધાર્મિક – સામાજિક મુદ્દો છે. ભારતમાં પરદેશી આક્રમણ પછી આદિવાસી પ્રજાનું ઇસાઇકરણ થયું તે પછી ગૌમાંસ ખાવાનું શરૂ થયું અને આધુનિક ભોજનના ‘મેનુ’માં તેનો ઉમેરો થયો. સંપન્ન ગણાતા વર્ગે પણ, શ્રીમંતોએ, સ્વાદ અને ફેશન તરીકે મેનુ અપનાવતાં ફાઇવ સ્ટાર હોટેલોમાં તેની વાનગી પીરસાવા લાગી. દુકાળ અને દારૂણતાને કારણે ખેડૂત પણ અમુક અંશે ગાયને કસાઇખાને મોકલતો થયો તે આ ઘટનાનું સૌથી મહત્ત્વનું લક્ષણ છે. ગાય માતા હોવા છતાં ખુલ્લી બજારોમાં રઝળે, પ્લાસ્ટિકનો કચરો ખાઈને જીવે એ સ્થિતિ બદલાવવાનું કામ બહુ થયું જ નહીં એ એક વાસ્તવિકતા છે.

એટલે ગાયની આર્થિકતા - અર્થકારણને મહત્ત્વ આપવાની જે વાત ગાંધીજી - વિનોબાએ કરી હતી તેને ‘પ્રગતિશીલ’ રાજકારણીઓ (જેમાં જવાહરલાલ મુખ્ય નાયક હતા)એ લક્ષમાં લીધી જ નહીં. મુસ્લિમો બધા જ કંઈ ગૌમાંસભક્ષણ કરતા નથી છતાં તેમને નજરમાં રાખીને આ મુદ્દાને ‘કોમવાદી’ ગણાવી દેવાયો. આમાં ગાય તો રઝળતું - રખડતું દયામણું પ્રાણી બની ગઈ!

વાસ્તવમાં દરેક રાજકીય પક્ષોએ તેના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાનો સમાવેશ કરીને - ભલે ૩૩ કરોડ દેવી-દેવતાઓનો તેમાં વાસ હોય તેવું ન માને - પણ ખેતીકેંદ્રી સમાજમાં ગાયનું મહત્ત્વ સમજીને ગૌસંવર્ધનને પ્રાથમિકતા આપવી જોઈએ.

બહુ ઓછા લોકો જાણે છે પણ પ્રખર બૌદ્ધિક નેતા ડો. રામમનોહર લોહિયા, ખેત-અર્થશાસ્ત્રી રાજનેતા ચૌધરી ચરણ સિંહ અને એકાત્મ માનવદર્શનના ઉદ્ગાતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયે ગૌસંવર્ધન – ગૌહત્યા પ્રતિબંધનું મહત્ત્વ સ્વીકાર્યું હતું. જનસંઘ અને ભાજપના ચૂંટણી ઢંઢેરાઓમાં પણ આ મુદ્દો લગભગ દરેક વખતે પ્રસ્તુત કરવામાં આવે છે. બીજા પક્ષોએ પણ તેમ કરવું જોઈએ કેમ કે ગાયના નામે વિખવાદ, વિસંવાદ અને વિતંડાવાદ ભારતનાં હિતમાં નથી જ નથી. સાધુ-સંતો ગાયને રાષ્ટ્રમાતા તરીકે સ્થાપિત કરવાનું સૂચવે તે અતિરેક છે. ભારતીય સંસ્કૃતિમાં એક તો તમામ જીવજંતુપ્રાણીને એક સરખાં ઇશ્વરનો અંશ માનવામાં આવે છે. રાષ્ટ્રની કોઈ માતા કે પિતા કે ભાઈ-ભાભી ના હોઈ શકે, હોય તો તે સંતાન માત્ર હોઈ શકે એટલો વિવેક આપણે જાળવી શકીએ તો સારું.

‘સરસ્વતીચંદ્ર’ની સ્મૃતિ ઊજવણી

લો, ‘સરસ્વતીચંદ્ર’ને એકસો પચીસ વર્ષ થઈ ગયાં! ગોવર્ધનરામ ત્રિપાઠીની આ મહાનવલકથા ગુજરાતી સાહિત્યનો તેજસ્વી સૂર્ય છે. તેમાં વ્યક્તિ, પરિવાર, ઘરસંસાર, ત્યાગ, ફિલસૂફી, ઇતિહાસ, ધર્મ વિચારણા, નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર ઠાંસોઠાંસ ભર્યાં છે. ચાર ભાગમાં ગો. મા. ત્રિ.એ જે કહેવું હતું તે ઠાલવી નાખ્યું છે. ૧૮૮૫થી તેનું લેખન શરૂ થયેલું તે ૧૯૦૨માં ચોથો ભાગ આવ્યો ત્યાં સુધી રહ્યું. ગો.મા. વિદ્વદ્જન હતા. સાક્ષરભૂમિ નડિયાદમાં તેમનું ગોવર્ધન સ્મૃતિ મંદિર ઊભું છે. એમ તો ગુજરાતી સાહિત્ય પરિષદની ઇમારતને ય ‘ગોવર્ધન ભવન’ નામ અપાયેલું છે. સાહિત્ય અકાદમીનાં ‘શબ્દ સૃષ્ટિ’માં અમૃત ગંગર – જેમાં મોટાભાગની ‘સરસ્વતીચંદ્ર’ લખાઈ તે - મુંબઈ અને આ નવલકથા વિશે રસપ્રદ લેખ (જૂન ૨૦૧૭)માં લખ્યો છે તે સૌએ વાંચવા જેવો છે. નડિયાદમાં ગો.મા.ત્રિ., મણિલાલ નભુભાઈ દ્વિવેદી, મનસુખરામ ત્રિપાઠી, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા વિદ્વાનોનો નિવાસ રહ્યો હતો તેની મુલાકાત-સરકીટ પણ છે. સ્વામી વિવેકાનંદ ૧૮૯૨માં અહીં આવ્યા ત્યારે વિદ્વદવર્ય મણિલાલ નભુભાઈ દ્વિવેદીને મળ્યા હતા. મણિલાલ પણ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં જવા માગતા હતા પણ આર્થિક કારણોસર જઈ શક્યા નહોતા.


comments powered by Disqus