અઢીસોથી પણ વધુ ફિલ્મોમાં કામ કરનાર અને પાંચ દાયકાની લાંબી અને સફળ કારકિર્દી ધરાવતા ધર્મેન્દ્રને આજે પણ જૈફ વયે ફિલ્મસર્જકો સાઇન કરવા રાજી છે. એક સમયે ગરમ ધરમના નામે લોકપ્રિય થયેલા અભિનેતાએ કારકિર્દીની પ્રથમ હોલિવૂડ ફિલ્મ સાઇન કરી છે.
'ડ્રીમ કેચર'ના નામથી બનનારી આ ફિલ્મમાં ધર્મેન્દ્ર મુખ્ય પાત્રમાં જોવા મળશે. પ્રથમ ઇન્ડો-વેસ્ટન ફિલ્મમાં કામ કરી રહેલા ધર્મેન્દ્ર હાલ સંપૂર્ણ ટીમ સાથે દિલ્હી નજીકના ગુડગાંવમાં શૂટિંગ કરી રહ્યા છે. આ એક ટૂંકી ફિલ્મ હશે જેમાં ધર્મેન્દ્ર પિતાના પાત્રમાં જોવા મળશે.
ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે હું ચેલેન્જથી નહીં પરંતુ મારાથી ચેલેન્જ ડરે છે. હું તો આજે પણ શીખી રહ્યો છું. હું આજે પણ સેટ પર નવોદિતની માફક જ જાઉં છું. દર્શકોને મારો રોલ પસંદ આવશે કે નહીં તે હું કદી વિચારતો નથી, મને જે પાત્ર સારું લાગે તે ભજવવા હું રાજી થઇ જાઉં છું.''
૮૧ વર્ષીય અભિનેતા આજે પણ પાત્ર સાથે અનુભવો કરી રહ્યા છે. તેમનો દાવો છે કે આવનારી પેઢી તેમને આ કારણે યાદ કરશે. તેણે વધુમાં કહ્યું હતું કે હું લોકોનું દિલ જીતવામાં પાવરધો છું ને દર્શકો તરફથી બહુ પ્રેમ મળ્યો છે. હું સ્વયંને ભાગ્યશાળી માનું છું, ભલે ગમે તેટલી પેઢી આવે પરંતુ મને કોઇ ભૂલી શકશે નહીં. 'ડ્રીમ કેચર' એક શોર્ટ ફિલ્મ છે અને તેને શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કારમાં મોકલવાની પણ તૈયારી દર્શાવાઈ છે.

