બોમ્બર આબેદીને દફનાવવાનો માન્ચેસ્ટરની મસ્જિદોનો ઈનકાર

Friday 02nd June 2017 05:48 EDT
 
 

 લંડનઃ માન્ચેસ્ટર હુમલાના આત્મઘાતી બોમ્બર સલમાન આબેદીના મૃતદેહની કોઈ પણ પ્રક્રિયા હાથ ધરવાનો કાઉન્સિલો અને ફ્યુનરલ ડિરેક્ટર્સે ઈનકાર કર્યો છે. હાલ તેનો મૃતદેહ માન્ચેસ્ટર બહારની મોર્ગમાં રખાયો છે. સૂત્રો મુજબ સત્તાવાળાઓ તેમની સત્તાનો ઉપયોગ કરીને માન્ચેસ્ટરમાં તેને દફનાવવાના, અગ્નિદાહ આપવાના અથવા અન્ય કોઈપણ રીતે અંતિમ સંસ્કારને અટકાવવાના તમામ પ્રયાસો કરશે.

અગાઉ, યુકેની તમામ કાઉન્સિલોએ મૂર્સના હત્યારા ઈયાન બ્રેડીના મૃતદેહની કોઈપણ વિધિ કરવાનો ઈનકાર કર્યો હતો તેના થોડા અઠવાડિયા પછી આ નિર્ણય લેવાયો છે. બ્રેડી તેના વતન ગ્લાસગોમાં અંતિમસંસ્કાર થાય તેમ ઈચ્છતો હતો. એક સૂત્રે જણાવ્યું હતું,‘ ઈયાન બ્રેડીની જેમ જ ગ્રેટર માન્ચેસ્ટરમાં આબેદીની દફનવિધિ કે અગ્નિસંસ્કાર ન થાય તે માટે તમામ પ્રયાસ હાથ ધરાયા છે. આબેદીનો મૃતદેહ કોરોનરની પ્રોપર્ટી હોવાનું મનાય છે. ટૂંક સમયમાં જ ઈન્ક્વેસ્ટ હિયરીંગ હાથ ધરવામાં આવશે અને તેના મૃતદેહ વિશેનો આખરી નિર્ણય કોરોનર જ લેશે. તેનો મૃતદેહ ૨૨ મૃતકોના મૃતદેહ જ્યાં રખાયા હતા ત્યાં ક્યારેય રખાયો નથી.


comments powered by Disqus