માન્ચેસ્ટર હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સામુહિક પ્રાર્થનાસભા યોજાઈ

Thursday 01st June 2017 07:39 EDT
 
 

લંડનઃ તાજેતરમાં માન્ચેસ્ટર ખાતે થયેલા હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે સોમવારને ૨૯ મેએ સાંજે શ્રી સનાતન મંદિર, વેમથ સ્ટ્રીટ ખાતે સામુહિક પ્રાર્થના સભા યોજાઈ હતી. પ્રાર્થના સભામાં કીથ વાઝ MP, કાઉન્સિલર રશ્મિકાંત જોશી (મેયર), કાઉન્સિલર મંજુલા સુદ, કાઉન્સિલર ચૌહાણ, કાઉન્સિલર ગોહિલ મંદિરના પ્રથમ મહિલા પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન આચાર્ય તેમજ વિવિધ ધર્મના વડા અને હિંદુ કોમ્યુનિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાર્થના કરી હતી અને ન્યાય અને શાંતિના મહત્ત્વ વિશે જણાવ્યું હતું.

શ્રીમતી વિભૂતિબેન આચાર્યએ જણાવ્યું હતું,‘ હિંદુઓ તરીકે અહિંસાનો સિદ્ધાંત આપણા ધર્મનું કેન્દ્ર છે અને આ પ્રકારના જંગાલિયતભર્યા કૃત્યોને આપણે સાંખી લઈશું નહીં.’ તેમણે એટલે સુધી કહ્યું હતું કે આપણા પવિત્ર ધર્મગ્રંથો આતંકવાદના આવા કૃત્યોનો સંગઠિત થઈને મક્કમપણે સામનો કરવાનું અને આવા કાયરતાપૂર્ણ કૃત્યો માટે જવાબદાર લોકોને અદાલત સુધી લઈ જવાનું સૂચવે છે તે આપણી જાતને આપણે યાદ કરાવવું જોઈએ. તેમણે જણાવ્યું હતું,‘ હું એક શિક્ષક તરીકે યુવાનો સાથે કામ કરું છું અને યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરથી ગ્રેજ્યુએટ થયેલી છું. હું ખાસ કરીને જે લોકોને મારા વિશાળ પરિવારના એક ભાગ રૂપ માનું છું તેમના માટે મને ખૂબ દુઃખ થાય છે. આ હુમલાનો ભોગ બનેલા દરેકને માટે હું પ્રાર્થના કરું છું.’

કીથ વાઝે જણાવ્યું હતું કે આંતરધર્મી સંબંધોને મજબૂતપણે જાળવી રાખીને તથા વિકાસ કરીને કોમ્યુનિટીમાં વધુ એકતા અને સંવાદિતા લાવવામાં શ્રી સનાતન મંદિર છેલ્લાં ૪૦ વર્ષથી ઉત્કૃષ્ઠ કાર્ય કરી રહ્યું છે. અશાંતિના સમયમાં સંગઠિતતા જાળવી રાખવાનો સંદેશો ફેલાવવામાં તે મોખરે હોય છે.

શોક સંદેશા માટેની પુસ્તિકામાં ઘણાં લોકોએ તેમનો સંદેશો લખ્યો હતો, જે માન્ચેસ્ટરના મેયરને મોકલી અપાશે.


comments powered by Disqus