સામાજિક પ્રસંગોને માણવા પુરુષો માટે આલ્કોહોલ જરૂરી

Tuesday 06th June 2017 10:44 EDT
 
 

પિટર્સબર્ગઃ દરેકે પબમાં પુરુષોનાં એવા જૂથને જોયું હશે જેમાં પુરુષો વાત પૂરી કર્યા પછી શાંતિથી પોતાનાં બિયરનાં ગ્લાસને નિહાળતા હોય છે. થોડુંક ડ્રિન્ક લીધા પછી પરસ્પર વખાણ કરીને એકબીજાને બેસ્ટ ફ્રેન્ડ ગણાવતા આ એકસમાન પુરુષોને જોઈને તેમની પત્નીઓને કદાચ નવાઈ લાગતી હશે. જોકે હવે વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું છે કે સામાજિક પ્રસંગોને માણવા માટે પુરુષો માટે આલ્કોહોલ જરૂરી છે, જ્યારે સ્ત્રીઓ પોતાની રીતે આનંદ માણવા સક્ષમ છે અને તે પરસ્પરનાં સંબંધોથી ખુશ હોય છે. આવા પ્રસંગે પુરુષોને ભેગા કરવા આલ્કોહોલ જરૂરી છે.
પિટ્સબર્ગ યુનિવર્સિટીનાં એક અભ્યાસમાં જણાયું હતું કે થોડું ડ્રિન્ક લીધા પછી પુરુષો એકબીજા સાથે મોટેથી વાતો કરતા હતાં. આવું પુરુષોનાં શારીરિક બંધારણને લીધે થાય છે જે માણસને વધુ પડતો શરમાળ અને લાગણીશીલ બનાવે છે. સરળતાથી ઉપલબ્ધ એવો આલ્કોહોલ પુરુષોનાં મગજમાં ફેરફારો કરે છે જેને લીધે તેઓના શરમ-સંકોચ દૂર થાય છે અને અન્ય સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરવામાં સક્ષમ બને છે.
‘બિહેવિયર રિસર્ચ એન્ડ થેરપી’ જર્નલમાં પ્રકાશિત થયેલ આ સંશોધનનું તારણ છે કે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો આલ્કોહોલમાંથી વધારે સામાજિક વળતર મેળવે છે. અભ્યાસનાં મુખ્ય લેખક ડો. માઇકલ સેટ્ટી જણાવે છે કે ડ્રિન્ક લીધા પછી પુરુષો ઝડપથી એકબીજા સામે સ્માઇલ કરે છે અને તેને લીધે જૂથની અંદર તેમનું અતડાપણું ઓછું થાય છે. આલ્કોહોલ ખાસ કરીને પુરુષોને સ્માઇલમાં મદદ કરે છે. સ્ત્રીઓ કરતાં પુરુષોને આલ્કોહોલની વધારે જરૂર છે, કારણ કે સ્ત્રીઓ જ્યારે શાંત હોય છે ત્યારે આ પ્રકારની લાગણીઓનો અનુભવ કરતી જ હોય છે.
ઇલિનોઇ યુનિવર્સિટીનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કેથેરિન જણાવે છે કે પુરુષો સ્ત્રીઓ કરતાં ઓછી આત્મીયતા અને નિકટતાં સામાજિક સંબંધોમાં અનુભવે છે તેનાં પુરાવા નહિવત છે પણ પૌરુષત્વ વિશેનાં સામાજિક વિચારો અને લૈંગિક માપદંડો તેમને સામાજિક પ્રસંગોમાં હૂંફ અને લાગણીઓ વ્યક્ત કરવા માટે મજબૂર બનાવે છે. જોકે આલ્કોહોલ નિશ્ચિતરૂપે સામાજિક માપદંડને અનુરૂપ વર્તન-વ્યવહારને સીમિત કરે છે. અભ્યાસમાં જોવા મળ્યું છે કે આલ્કોહોલ વાસ્તવમાં લોકોને એકબીજાની સમકક્ષ બનાવે છે જેના લીધે તેઓ પોતાનાં વાસ્તવિક સ્માઇલની પરસ્પર આપલે કરી શકે છે જે તેમની આંખો સુધી પહોંચે છે.


comments powered by Disqus