હિંદી ગીત અને વીડિયો દ્વારા ભારતીય કોમ્યુનિટીને રીઝવવાનો મેનો પ્રયાસ

Friday 02nd June 2017 05:40 EDT
 
 

લંડનઃ હાલની સામાન્ય ચૂંટણીમાં યુકેમાં રહેતા ૧.૨ મિલિયન ભારતીયોને પોતાના પક્ષ તરફ આકર્ષવા માટે કન્ઝર્વેટિવ પાર્ટીએ હિંદી ગીત ‘થેરેસા કે સાથ’, સાડી પરિધાન કરેલા થેરેસા મેના ફોટા તથા નવેમ્બર,૨૦૧૬માં ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના થેરેસા મેના ફોટા સાથેનો વીડિયો જાહેર કર્યો હતો.

પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરન અહીં રહેતા ભારતીય સમુદાયમાં પ્રિય હતા અને ભારતીયોએ તેમને ૨૦૧૫ની ચૂંટણી જીતવામાં મદદ કરી હતી. થેરેસા મેના ચૂંટણી પ્રચારમાં અત્યાર સુધી બ્રિટનના મુખ્યપ્રવાહ પર જ ધ્યાન અપાયું હતું. પરંતુ, ભારતીયો ટોરીને મત આપે તે માટે છેલ્લી ઘડીએ આ વીડિયો રજૂ કરાયો હતો.

મે ૨૦૧૫ની ચૂંટણી પહેલા પક્ષના તત્કાલીન વડા ડેવિડ કેમરનનો ભારતીય કોમ્યુનિટી સાથેનો આવો જ હિંદી વીડિયો જાહેર કરાયો હતો. તે વખતે કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક પોસ્ટરોમાં તેમજ ૨૦૧૬માં લંડનના મેયરપદની ચૂંટણીના પોસ્ટરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચમક્યા હતા.

ક્નઝર્વેટિવ પાર્ટીના અત્યારના વીડિયોમાં થેરેસ મે સાડી પહેરેલા અને બેંગલુરુના સોમેશ્વરા મંદિરમાં આરતીમાં ભાગ લેતા દર્શાવાયા છે. તેમને ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે દીવાળી સમારોહમાં ભાગ લેતા, સલવાર કમીઝ પરિધાન કરીને લંડનના મંદિરની મુલાકાત લેતા અને ભારતને લગતા અન્ય કાર્યક્રમોમાં ભાગ લેતા દર્શાવાયા છે.

ગીતના શબ્દોમાં ૨૦૧૫ની ચૂંટણી વખતે સમર્થન બદલ ભારતીય કોમ્યુનિટી આભાર માનવામાં આવ્યો છે. તે સમયે પરંપરાગત રીતે લેબર પાર્ટીને મત આપતા ભારતીય કોમ્યુનિટીના મોટાભાગના સભ્યો કન્ઝર્વેટિવ પાર્ટી તરફ વળ્યા હતા.

૨૦૧૫ના હિંદી વીડિયોનું શીર્ષક ‘નીલા આસમાં’ ( આકાશ વાદળી [ કન્ઝર્વેટિવ પાર્ટીનો રંગ ] છે.) હાલના રાજકીય ગીતના વીડિયોનું શીર્ષક ‘થેરેસા કે સાથ’ છે.

‘દોસ્તોં, ધન્યવાદ, શુક્રિયા, મહેરબાની

આજ ફિર સમય આયા હૈ, સાથ નિભાને કા

પીછલે સમય જો સાથ નિભાયા, ઉસકા ભી સલામ

દોસ્તોં, ધન્યવાદ, શુક્રિયા, મહેરબાની

થેરેસા મે કા સાથ નિભાના, કન્ઝર્વેટિવ કો હી જીતાના

પાંચ સાલ થેરેસા મે કે સાથ, યહી હૈ વતન કી શાન

થેરેસા મે કા દો સબ સાથ, સ્થિર રહેગી બ્રિટિશ સરકાર

આયેગી સબ કે જીવનમેં ઉન્નતિ ઔર વિકાસ

સુખ દુઃખમેં રહેગા થેરેસા મે કા સાથ

દોસ્તોં, ધન્યવાદ, શુક્રિયા, મહેરબાની’


comments powered by Disqus