લંડનઃ ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન એલિસ્ટર કૂકે કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. સોમવારે ઇસીબીએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. વીતેલા વર્ષના અંત ભાગમાં ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડનો ૦-૪થી કારમો પરાજય થયો હતો જેને કારણે પણ કૂક પર કેપ્ટનશિપ છોડવાનું દબાણ વધી ગયું હતું. કૂકે પદ છોડતાં હવે જો રૂટને ટેસ્ટ ટીમની કમાન સોંપાય તેવી શક્યતા છે.
કૂકે ઇંગ્લેન્ડ તરફથી ૫૯ ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી હતી જ્યારે ધોની ૬૦ ટેસ્ટમાં ભારતનું સુકાન સંભાળી ચૂક્યો છે. આમ, બે ટેસ્ટ માટે કૂક ધોનીનો રેકોર્ડ તોડવાનું ચૂક્યો હતો. કૂકે વર્ષ ૨૦૧૨માં ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી કૂકે ૫૯ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી હતી. તેની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડે એશિઝ જીતી હતી તેમ જ ભારત અને સાઉથ આફ્રિકા સામે પણ સિરીઝ જીતી હતી.
છેલ્લા કેટલાક સમયથી ઇંગ્લેન્ડને કૂકની કેપ્ટનશિપ હેઠળ સતત હારનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને કારણે તેની પર કેપ્ટનશિપ છોડવાનું દબાણ હતું. છેલ્લી સાત ટેસ્ટ પૈકી ઇંગ્લેન્ડે એકમાં જીત અને પાંચમાં હાર મેળવી હતી. એક મેચ ડ્રો રહી હતી. તેમાં પણ ભારત સામે ૦-૪થી સિરીઝ ગુમાવ્યા બાદ કેપ્ટનશિપ છોડવા અંગે સતત દબાણ વધી રહ્યું હતું.
કૂકે કહ્યું કે, છેલ્લા સાડા ચાર વર્ષથી ઇંગ્લેન્ડ ટીમનો કેપ્ટન તો જે મારા માટે ઘણી ગૌરવની બાબત છે. કેપ્ટનશિપ છોડવું આકરો નિર્ણય હતો પરંતુ હું જાણું છું કે પદ છોડવાનો આ યોગ્ય સમય છે. ભારતપ્રવાસ બાદ મેં ઘણો વિચાર કર્યા બાદ ઇસીબી ચેરમેન કોલિન ગ્રેવ્સ સાથે રાજીનામા અંગે ચર્ચા કરી હતી.
ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક ટેસ્ટમાં કેપ્ટનશિપ
કૂક ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ ધરાવે છે. કૂકે ૫૯ ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી હતી જે પૈકી ૨૪માં જીત, ૧૩માં હાર અને ૨૨ મેચ ડ્રો થઈ હતી. કૂકની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડે આઠ સિરીઝ જીતી હતી જ્યારે ચાર સિરીઝ ગુમાવી છે.

