હિંમતનગરઃ અરવલ્લી જિલ્લાની બે બહેનો પીનલ અને અર્ચના તીરંદાજી ક્ષેત્રે રાષ્ટ્રીયકક્ષાએ અનેક મેડલ જીતી ચૂકી છે, પરંતુ તેની આર્થિક પરિસ્થિતિ અતિ દયનીય છે. તીરંદાજીની પ્રેકટીસ માટે શિક્ષકો સહિતના લોકોએ બંનેને મદદ કરીને રૂ. બે લાખના તીર અને કામઠાં વિદેશથી મંગાવી આપ્યાં છે. આ
આયુધો તેમનાં ઘર કરતાં પણ મોંઘાં છે.
ભિલોડા તાલુકાના નાના કંથારિયા ગામમાં રહેતા અજીત સુવેરાની આ બંને પુત્રીઓએ તાજેતરમાં જ મધ્ય પ્રદેશના ઇંદોરમાં રમાયેલા ૬૬મા શાળાકીય રમતોત્સવમાં ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા છે. હવે આર્ચરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા માટેની બંને બહેનો પ્રેક્ટીસ કરી રહી છે. આ બહેનોનું કૌશલ જોઇને તેની શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઓળખાણના વર્તુળમાંથી ફંડ ઊભું કરવામાં આવ્યું અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બંને ભાગ લઈ શકે તેવો રૂ. બે લાખનો આર્ચરીનો સામાન તેમના માટે વિદેશથી મંગાવવામાં આવ્યો છે. મેડ ઇન કોરિયાના આ આર્ચરીના સામાનથી અર્ચના આંતરરાષ્ટ્રીય રમતમાં ભાગ લેવા માટેની તૈયારીઓ કરી રહી છે. દેશ માટે રમીને મેડલ લાવવાની ઈચ્છા ધરાવતી આ બહેનોને સ્થાનિક ટીચર જ હાલમાં પણ ટ્રેનિંગ આપી રહ્યા છે. પૂરા સમયના કોચ પણ બંનેને મળ્યા નથી.

