ભાજપના નેતૃત્વમાં દેશની શાસનધુરા સંભાળી રહેલી એનડીએ સરકારે નોટબંધી બાદ ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. નાણાં પ્રધાન અરુણ જેટલીએ પહેલી ફેબ્રુઆરીના રોજ રેલવે બજેટને આવરી લેતું સામાન્ય અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યું. રેલવે બજેટને સમાવી લેતું અંદાજપત્ર રજૂ થયું હોવાની ઘટના ૯૨ વર્ષ બાદ બની છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી તેમજ ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી)નો અમલ સપ્ટેમ્બર સુધી મુલત્વી રહ્યો હોવાથી બજેટમાં ભલે બહુ મોટી જાહેરાતો કરાઇ ન હોય, પરંતુ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને રાહત જરૂર અપાઇ છે. કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો, ખેડૂતો માટે બજેટમાં વીમા અને કરજની રકમ વધારાઇ છે. એક કરોડ બેઘરોને મકાન, ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ, વીજળી અને રોજગારની દરખાસ્ત રજૂ થઇ છે. જીડીપીના આંકડામાં નોટબંધીની નકારાત્મક અસર સ્પષ્ટ દેખાઇ છે. આથી જ જેટલીએ જે કંઇ પણ જાહેરાતો કરી છે તેમાં નોટબંધીથી સૌથી વધુ પીડાયેલા વર્ગનું વિશેષ ધ્યાન રખાયું છે. હા, મહિલાઓ માટે ખાસ કોઇ જાહેરાત થઇ ન હોવાથી તેમના માટે બજેટ નિરાશાજનક ગણી શકાય. રેલવેમાં સુરક્ષા, વિકાસ અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન અપાયું છે તે સાચું, પરંતુ ટિકિટ ભાડામાં રાહત અને નવી ટ્રેન સેવાની જાહેરાત થઇ નથી તે ખૂંચે તેવું છે. આના પરથી સંકેત મળે છે કે સરકાર વિમાન સેવાની જેમ રેલવે સેવાને પણ ખાનગીકરણ તરફ લઇ જવાનો ઇરાદો ધરાવે છે. સરકારી ખાધમાં ઘટાડાના અંદાજ સાથે મોંઘવારી દર ૬ ટકા કરતાં પણ નીચો રહેવાની આશા વ્યક્ત કરાઇ છે. તો એક સમયે ‘મનરેગા’ (મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી એક્ટ) યોજનાને મનમોહન સિંહ સરકારનો ‘સફેદ હાથી’ ગણાવનાર મોદી સરકારે આ યોજના માટે બજેટમાં સૌથી વધુ ૪૮ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે! પાંચ રાજ્યોમાં ચૂંટણી ચાલતી હોવાથી સરકારે કેટલીક મહત્ત્વની જાહેરાતો ટાળ્યાની પૂરતી શક્યતા છે. જોકે આ મર્યાદા છતાં આર્થિક નિષ્ણાતો બજેટને દેશના વિકાસને વેગ આપનારું ગણાવી રહ્યા છે.
આર્થિક નિષ્ણાતોથી માંડીને આમ જનતામાં સંતુલિત બજેટની ચોમેર ચર્ચા છે, પરંતુ નાણાં પ્રધાને આ બજેટમાં કરેલી બે જોગવાઇને સૌથી ધ્યાનાકર્ષક અને ભ્રષ્ટાચારને ડામવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ગણાવી શકાય. એક તો, અનિયંત્રિત આર્થિક વ્યવહારો પર અંકુશ લાદવા રોકડ લેવડદેવડની મર્યાદા રૂ. ત્રણ લાખ કરાઇ છે. અને બીજું, રાજકીય પક્ષો માટે રોકડ દાન સ્વીકારવાની મર્યાદા ઘટાડીને રૂ. બે હજાર કરાઇ છે. અત્યાર સુધી પક્ષો રૂ. ૨૦ હજાર સુધીનું રોકડ દાન સ્વીકારી શકતા હતા.
પક્ષોને મળતાં દાનની પદ્ધતિમાં ફેરબદલની જરૂરત લાંબા સમયથી વર્તાતી હતી. પક્ષોને મળતાં રોકડ દાન પર અંકુશ મૂકવા ચૂંટણી પંચ પણ એક યા બીજા સમયે ભલામણ કરી ચૂક્યું હતું, અને લોકો પણ ઇચ્છતા હતા કે પક્ષોને મળતાં દાનમાં પારદર્શિતા લાવવી જોઇએ. નવી જોગવાઇ અનુસાર, પક્ષો રૂ. ૨૦૦૦થી વધુ રકમનું દાન ચેક કે ડિજિટલ માધ્યમથી જ સ્વીકારી શકશે. અન્યથા તેઓ ચૂંટણી બોન્ડના માધ્યમથી ફાળો લઇ શકશે. આ બોન્ડ માન્યતાપ્રાપ્ત બેન્કો ઇસ્યુ કરશે. લાંબા સમયથી વાતો ચાલતી રહી છે કે કાળા નાણાંનો મોટો પ્રવાહ દાન સ્વરૂપે પક્ષોની તિજોરીમાં ઠલવાય છે. આમ સરકારે આ પગલાં દ્વારા કાળાં નાણાની સમાપ્તિની દિશામાં નક્કર પગલું માંડ્યું હોવાનું કહી શકાય.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના અહેવાલ પ્રમાણે ભારતમાં રાજકીય પક્ષોને મળતાં દાનમાં પાંચ ગણો વધારો થયો છે, પરંતુ તેના સ્રોત અંગે ખાસ માહિતી જાહેર કરાતી નથી. એક અંદાજ અનુસાર પક્ષોને મળતાં કુલ ભંડોળમાંથી માત્ર ૧૬ ટકાનો સ્રોત જાહેર કરાય છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)નું કહેવું છે કે દરેક પક્ષ જાહેર સંસ્થા છે, અને તે આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) એક્ટના કાર્યક્ષેત્રમાં આવે છે. સીવીસી ભલે આમ માનતું હોય, પરંતુ પક્ષો તેને ગણકારતા નથી.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રસી એન્ડ ઇલેક્ટરોલ આસિસ્ટન્સ (આઇડીઇએ)ના મતે, વિશ્વમાં લગભગ ૬૦ દેશોમાં રાજકીય પક્ષો માટે તેમને ફંડ આપનાર દાતાઓના નામ જાહેર કરવાનું ફરજિયાત છે. તો ૪૫થી વધુ દેશોએ રાજકીય પક્ષોને ગુપ્ત દાન મેળવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ બેમાંથી એક પણ દેશોની યાદીમાં ભારતનું નામ નથી. આજે ભારતનો નાનામાં નાનો આદમી જાણે છે કે દેશના રાજકીય પક્ષોને મળતાં દાનનો મોટો ભાગનો હિસ્સો વણજાહેર સ્રોતોમાંથી આવે છે. ભ્રષ્ટાચારીઓ રાજકીય પક્ષોની કાનૂની જોગવાઇઓનો દુરુપયોગ કરીને કાળું નાણું સફેદ કરે છે.
ચૂંટણી પંચના એક અહેવાલ અનુસાર, દેશમાં ૧૯૦૦ રાજકીય પક્ષો નોંધાયેલા છે, જેમાંથી ફક્ત ૪૦૦ પક્ષો જ તાજેતરના વર્ષોમાં ચૂંટણી લડ્યા છે. અહીં લાખ રૂપિયાનો સવાલ એ છે કે તો બાકીના ૧૫૦૦ પક્ષો કરે છે શું? રાજકીય પક્ષોના હિસાબકિતાબનું ઓડિટ ફરજીયાત કરવામાં આવે તો આ પ્રશ્નનો ‘જવાબ’ મળી જાય તેમ છે. ઓડિટથી રાજકીય પક્ષોના આર્થિક વ્યવહારોમાં તો પારદર્શકતા વધશે જ સાથોસાથ કોઇ પક્ષ શંકાસ્પદ લોકો પાસેથી દાન મેળવતો હશે તો તેનું પગેરું પણ શોધી શકાશે.
નાણાં પ્રધાને લીધેલાં પગલાંને લગભગ તમામ પક્ષોએ એક અવાજે આવકાર્યું છે ત્યારે એવી આશા અસ્થાને નથી કે રાજકીય પક્ષો તેના અમલમાંથી બચવાની છટકબારી શોધવાના બદલે નિષ્ઠાપૂર્વક નિયમ પાળશે.
