વર્ષેદહાડે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતાં અને ક્રિકેટવિશ્વમાં નાણાંનાં જોરે આગવું સ્થાન ધરાવતા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના વહીવટમાં પારદર્શક્તા વધે તે દિવસો દૂર નથી. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ચાર સભ્યોની સમિતિએ બોર્ડનો કાર્યભાર સંભાળ્યો છે. ભારતીય ક્રિકેટના વહીવટને પારદર્શક બનાવવા સુપ્રીમ કોર્ટે વર્ષોથી બોર્ડના વહીવટી તંત્ર પર અડીંગો જમાવી બેઠેલા નેતાઓને કાયદાની તાકાતનું ભાન કરાવી દીધું છે.
કોર્ટે ક્રિકેટ બોર્ડનો વહીવટ પારદર્શક બનાવવા માટે દોઢેક વર્ષ પૂર્વે નિવૃત્ત જસ્ટિસ લોઢાના અધ્યક્ષપદે સમિતિ રચીને તેની પાસે સૂચનો માંગ્યા હતા. લોઢા સમિતિએ સુચનો આપતા કોર્ટે તેનો અમલ કરવા બીસીસીઆઇને જણાવ્યું, પણ પોતાનો દબદબો ઘટી રહ્યો હોવાથી હોદ્દેદારોએ મહિનાઓ સુધી વાત ટલ્લે ચઢાવ્યા કરી. આખરે સર્વોચ્ચ અદાલતે બોર્ડના પ્રમુખ અનુરાગ ઠાકુર અને સેક્રેટરી અજય શિર્કેની હકાલપટ્ટી કરીને ઘરે બેસાડી દીધા. એટલું જ નહીં, હોદ્દેદારો આ આંચકામાંથી બહાર આવે તે પહેલાં તો કોર્ટે ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (‘કેગ’) વિનોદ રાયના અધ્યક્ષપદે ચાર સભ્યોની સમિતિ રચીને તેને બોર્ડનું સુકાન સોંપી દીધું છે. સમિતિના અન્ય સભ્યોમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ડાયના એદલજી, જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહા અને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફાયનાન્સ કંપનીના વડા વિક્રમ લિમિયે છે. સમિતિમાં રાયની નિયુક્તિ ધ્યાન ખેંચે તેવી છે. વિનોદ રાયે તેમના ‘કેગ’ તરીકેના કાર્યકાળમાં જ યુપીએ સરકારનું બહુચર્ચિત કોલ બ્લોક ફાળવણી કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. નખશીખ પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા રાયને બીસીસીઆઇનું સુકાન સોંપાતા વહીવટ પારદર્શક બનાવવાનો સર્વોચ્ચ અદાલતનો ઇરાદો સાકાર થાય તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. ભારતીય ક્રિકેટના વહીવટમાંથી રાજકારણીઓથી માંડીને અમલદારોને દૂર કરવાના મામલે કોર્ટ એટલી મક્કમ છે કે તેણે આ વહીવટી સમિતિમાં રમતગમત સચિવને સ્થાન આપવાની ભારત સરકારની ભલામણ પણ ફગાવી છે. આમ ક્રિકેટને અધિકારીઓથી માંડીને પદાધિકારીઓની ચુંગાલથી મુક્ત રાખવાના મુદ્દે કોર્ટ સ્પષ્ટ છે. અલબત્ત, રાયના નેતૃત્વ હેઠળની વહીવટી સમિતિ સામે પણ લોઢા સમિતિના સૂચનો લાગુ કરવાનો પડકાર તો છે જ. જોકે મક્કમ ઇરાદો હશે તો તેઓ આ પડકાર ઓળંગીને પણ ભારતીય ક્રિકેટને એક નવી જ દિશામાં દોરી જશે તેમાં બેમત નથી.
