શું આઈસક્રીમથી હૃદયરોગ મટી શકે છે?

Wednesday 08th February 2017 06:36 EST
 
 

લંડનઃ તબીબો હવે દર્દીઓને હૃદયરોગનાં જોખમ સામે અસંભવિત તબીબી સલાહ આપશે. વધુ આઈસક્રીમ ખાઓ... વૈજ્ઞાનિકોએ હૃદયને માફક આવે તેવા આઈસક્રીમની એક જાત વિકસાવી છે. આ આઇસક્રીમ દર્દીની રક્તકોશિકાઓમાં રક્તના પ્રવાહને વધારીને હૃદયની કોશિકાઓ પરનો તણાવ ઘટાડે છે. તેઓ અનુમાન કરે છે કે ઉપચારની આ રીત - જે પોલિફિનોલ નામનાં આરોગ્યવર્ધક રસાયણોથી ભરપૂર છે તે - દર્દીને હૃદયરોગના હુમલાથી અને હૃદયના આઘાતથી બચાવવામાં અગત્યની ભૂમિકા ભજવી શકશે.
અભ્યાસમાં જણાયું છે કે પોલિફિનોલ એ આહારમાં જોવા મળતું એક પ્રકારનું એન્ટિઓક્સિડન્ટ છે અને તે રેડ વાઈન અને ડાર્ક ચોકલેટથી લઈ સૂકા મેવાઓમાં હોય છે. તે રક્તકોશિકાઓ પર લાભદાયી અસરો કરે છે. સંશોધકોને ઉચ્ચ માત્રામાં પોલિફિનોલથી ભરપૂર આઈસક્રીમ બનાવવાનો વિચાર આવ્યો છે કારણ કે તે ગ્રાહકોને વધારે આકર્ષે છે. આ ઉપરાંત અભ્યાસ સૂચવે છે કે તેમાં રહેલ રસાયણો નિમ્ન તાપમાને પણ લાંબા સમય સુધી ટકી રહે છે.
કોકો પાઉડર, અખરોટનું એકસ્ટ્રેક્ટ અને ગ્રીન ટી - આ તમામ પોલિફિનોલથી ભરપુર છે. યુનિવર્સિટી ઓફ રોમના સંશોધકોએ આ ખાદ્ય પદાર્થોને ભરપૂર માત્રા સાથે આઈસ્ક્રીમમાં ભેળવીને ૧૫ સ્વયંસેવકોને ખાવા આપ્યાં. આ જૂથે પહેલાં સાદો આઈસક્રીમ ખાધો હતો. તેની સાથે સરખામણી કરતાં આ આઈસક્રીમ ખાધા પછી તેમનામાં નાઈટ્રિક ઓકસાઈડની માત્રા વધારે જોવા મળી હતી. જે રક્તકોશિકાઓ તંદુરસ્ત રાખે છે અને રક્તપ્રવાહ તેમજ શારીરિક જોમમાં સુધારો કરે છે.
‘ન્યુટ્રિશન જર્નલ’માં અભ્યાસનાં પરિણામો જાહરે કરતાં વૈજ્ઞાનિકો કહે છે કે, આમ તો આ અભ્યાસ બહુ નાનો હતો પણ તેનાં હકારાત્મક પરિણામોએ ઉત્સાહ વધાર્યો છે. હૃદયરોગથી બ્રિટનમાં વર્ષ લગભગ ૭૩,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. જોકે બ્રિટસ હાર્ટ ફાઉન્ડેશનના ટ્રેસી પાર્કર ચેતવણી આપી હતી કે એન્ટિઓક્સિડન્ટ આઇસક્રીમનો દરરોજનો એક ડોઝ આરોગ્ય માટે લાભકારક છે, તેની વધુ માત્રા બિનસ્વાસ્થ્યપ્રદ આહાર બની શકે છે.


comments powered by Disqus