સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૩૯)

- અને શેંકલના હસ્તાક્ષરોમાં લખાયેલો પત્ર, ચંદ્ર બોઝ સ-સ્મિત વાંચતાં રહ્યા...

Thursday 09th February 2017 06:16 EST
 
 

ઈરાક
૨-૧૨-૧૯૩૪
બપોરે કેરો પહોંચી ગયો. સાંજે કરાચી અને મંગળવારે કલકતા. પુરાણા સ્થાનો નિહાળવાની રોમાંચક તક મળી ગઈ.
તું સારી હોઈશ.
તારો
સુભાષ સી. બોઝ

૩૮/૨ એલગિન માર્ગ
૧ વૂડબર્ન પાર્ક
કલકત્તા
તા. ૭-૧૨-૧૯૩૪
પ્રિય શેન્કલ,
કોઈ તકલીફ વિના અહીં ચોથી તારીખે પહોંચી ગયો છું. હા, ઘણો વિલંબ થયો. મારા પહોંચ્યા પૂર્વે - બીજી ડિસેમ્બરે - પિતાજીએ નશ્વર સંસાર છોડ્યો. મારી મા ધીરજ ખોઈ ચૂકી હતી, પણ અમે ભાઈ-બહેનો સાંત્વના આપતાં રહ્યાં. એક પશ્ચિમની વ્યક્તિ માટે અમારી ભાવના સમજવી મુશ્કેલ છે.
એક હિન્દુ પત્નીનું જીવન તેના પતિની સાથે એવી રીતે જોડાયેલું હોય છે કે તેના વિના જીવવું મુશ્કેલ થઈ જાય છે. અમને આશા છે કે જલ્દીથી શોકમાંથી બહાર નીકળશે. બીજી ઘણી આપત્તિઓનો એકસામટો પ્રભાવ પરિવાર પર પડ્યો છે.
મને ખબર નથી કે ભવિષ્યે તને પત્ર લખી શકીશ કે નહીં. ન લખી શકું તો ખરાબ લગાડીશ નહીં. અત્યારે તો હું મારા જ ઘરમાં કેદી જેવો છું. સરકારી home - internment લાગુ છે, માત્ર એક સપ્તાહ માટે માતાની સાથે રહેવાની અનુમતિ આપવામાં આવી છે. મારા પરિવાર સિવાય બહારની કોઈ પણ વ્યક્તિની સાથે વાતચીત, મુલાકાત કરી શકું તેમ નથી, ન બહાર જઈ શકું છું. સપ્તાહ પછી મારું શું થશે તેનીયે મને ખબર નથી. ભવિષ્ય એકદમ અનિશ્ચિત છે. અહીં હું બંદી છું. માનસિક તણાવ ન હોત તો વિમાન યાત્રામાં અધિક આનંદ આવ્યો હોત. પ્રત્યેક સૂર્યોદય સુંદર હતો!
તારો
સુભાષ સી. બોઝ

૩૮/૨ એલગિન રોડ,
વુડબર્ન પાર્ક, કલકત્તા
૨૦-૧૨-૩૪
પ્રિય શેન્કલ,
બીજી ડિસેમ્બરે લખેલો તારો પત્ર ગઈકાલે મળ્યો. સેન્સર કરવામાં વિલંબ થાય છે એટલે આવું બન્યું. ટપાલટિકિટ જોઈ એટલે ખબર પડી કે ત્રીજી તારીખે પોસ્ટ થયો છે, પરંતુ વિયેના પોસ્ટ ઓફિસની તારીખ પાંચમી છે! તે પત્ર ડચ વિમાનમાં કરાચી અને ત્યાંથી કલકત્તા રેલવેમાં આવ્યો. બાકીનો વિલંબ સેન્સરે કર્યો, કેમ કે કરાચીથી કલકત્તા રેલગાડીમાં આવતાં ત્રણ દિવસ જ થાય. જ્યારથી હું અહીં આવ્યો છું ત્યારથી નજરકેદી છું. પોલીસ ઓફિસરો મારા પત્રની ચકાસણી કરે છે પછી જ મારા હાથમાં
આવે છે.
૩૮/૨ એલિગન રોડ પરના નિવાસે (જે મારા ભાઈનું છે) રહું છું. કારણ મારા માતાજી પણ અહીં જ છે. બંને ઘર એકબીજાથી નજીક છે.
અહીં આવ્યા પછી એક પત્ર - એર-મેઈલ દ્વારા તને મોકલ્યો હતો. દસમીની આસપાસ અહીંથી તે રવાના થયો હશે. તેમાં મેં પિતાજીના અવસાન વિશે લખ્યું હતું, મારા પહોંચતા ૪૦ કલાક પહેલાં તેમણે વિદાય લીધી. માતા હજુ શોકસંતપ્ત છે. પચાસ વર્ષના આનંદીત દાંપત્યજીવન પછીનો આ વિરહ તેને માટે અસહ્ય છે, ને તેમાંથી બહાર આવવું મુશ્કેલ છે. વળી, એક હિન્દુ સ્ત્રીને માટે જેનું અસ્તિત્વ પતિની સાથે જોડાયેલું રહ્યું હોય - તેની અનુપસ્થિતિથી જિંદગી અર્થહીન બની જાય છે. ખેર, માતા ધાર્મિક વિચારો ધરાવે છે એટલે આ દુઃખ સહન કરવાની શક્તિ આપોઆપ મેળવી લેશે.
ભારત પાછા ફરતાં વિમાનના કેપ્ટન પાસેથી ખબર પડી કે ડચ વિમાન દરેક ટપાલ માત્ર કરાચી સુધી જ લાવે છે, પણ બ્રિટીશ - ઈમ્પિરિયલ એરલાઈનનું વિમાન ટપાલને સીધી કલકત્તા પહોંચાડે છે. એટલે તારે વિયેનાથી શુક્ર-શનિવારે પત્ર પોસ્ટ કરવો જોઈએ, અને ડચ વિમાનમાં મોકલવો હોય તો સોમ-મંગળવારે, ડચ વિમાનમાં પોસ્ટ કરતી વખતે માત્ર કરાચી સુધીનો એર-મેઈલ ખર્ચ જ આપવો.
વેનિસથી મેં કાર્ડ મોકલ્યું હતું, તે મળ્યું?
મારી સફર વિશે વિસ્તારમાં લખવાની ધીરજ નથી. મને ખબર છે કે સમગ્ર પ્રવાસ વિશે જાણવાની તારી ભારે જિજ્ઞાસા છે. પહેલી સાંજ મેં રોમમાં વિતાવી. એક ખુબસુરત નગર! સવારે નીકળતાં પહેલાં જ તારો તાર મળી ગયો હતો. બીજી રાત્રિ એથેન્સમાં. ત્યાં એક્રોપોલિસ અને ગ્રીસના પુરાતન અવશેષો નિહાળ્યા. પછી કોવેરી આવ્યું. ત્યાં તુતાખામન મ્યુઝિયમ છે, મેં જાતે ત્યાંની તસવીરો પાડી. આ પત્ર સાથે જે ફોટો મોકલ્યો તે પિરામીડનો છે. તેમાં સ્ફિંક્સ પણ નજરે પડશે. પછીની રાત બગદાદમાં, ઈરાકના પાટનગરમાં. ત્યાં ૫૦૦ વર્ષ જૂની મસ્જિદ જોઈ. ત્રીજી તારીખે મેં બગદાદ છોડ્યું અને સાંજે વિમાન કરાચી પહોંચ્યું. ત્યાંથી જોધપુર અને બીજી સવારે કલકત્તા. આ પ્રવાસ રસપ્રદ રહ્યો. મને સૌથી આનંદ આવ્યો પ્રભાતના ચમકતા સૂર્યોદય નિહાળવામાં. વિમાનમાં ચઢતાં-ઉતરતાં થોડો ગભરાટ થયો, પણ પછી લેખનમાં યે કોઈ મુશ્કેલી ન પડી. હા, વિમાનનો ઘરઘરાટ જરૂર પરેશાન કરતો, પણ ખાસ નહીં.
હું અગાઉ લખી ચૂક્યો છું કે વિશાર્ટ (પ્રકાશક) સાથેની સમજૂતિ વિશે ચિંતા કરીશ નહીં. મારી પોતાની (પુસ્તક) પ્રત હતી તેમાં મારા હસ્તાક્ષરની જરૂરત રહેતી નથી.
ત્યાં અત્યારે અધિક ઠંડી પડી રહી છે એ જાણ્યું. અહીં ઠંડી તો છે પણ વધારે નહીં. તારી નજરે પણ નહીં! રાત્રે તાપમાન ૨૨ ડિગ્રી હોય છે પણ અમારી બારી અને બારણાં મોટાભાગે ખુલ્લાં રહે છે.
તારો,
સુભાષચંદ્ર બોઝ

- અને શેંકલના હસ્તાક્ષરોમાં લખાયેલો પત્ર. ચંદ્ર બોઝ તે સ-સ્મિત વાંચતાં રહ્યાઃ
વિયેના
તા. ૧૫-૬-૩૭

પ્રિય બોઝ,
પરમદિવસે તમારો પ્યારો પત્ર મળ્યો. (તે ૨૭ તારીખે લખાયેલો છે) સાથે તસવીર પણ હતી. તેમાં હું તમને ઓળખી શકી નહીં! એટલા માટે કે તમે શરીરે દુર્બળ બની ગયા દેખાઓ છો. તમારે હવે સાવધાની રાખવી પડશે, થોડું વધુ ખાતા રહો, જેથી વજન વધે. નહીં તો મને શરમ આવશે!
હા, હું દરેક સપ્તાહે પત્ર લખતી રહીશ. વધારે નહીં તો થોડીક પંક્તિઓમાં. વિતેલા સપ્તાહે એટલી વ્યસ્ત હતી કે લખી શકી નહીં, તે વાત જરૂર ભૂલી જજો.
તમે જાણો છો કે ડો. બી. સી. રોય હવે વિયેનામાં છે. તેમની સાથે સાળી-ભત્રીજી પણ આવ્યાં છે. તેમની પાર્ટીમાં એક વૃદ્ધ મહિલા, કુમારી હરમાન, એક યુવતી કુમારી હુતી સિંહ (અથવા એવું જ કંઈક નામ) હતાં. તેમને વિયેનાના દૃશ્યો બતાવ્યાં.
અને જરૂરત પડ્યે ડો. રોયને મદદ કરી. પરમ દિવસે ટાઈપ અને અનુવાદ કર્યાં. આ બધા ખૂબ પ્રિય લોકો છે. ડો. રોયે મને પાન અને એલાયચીની મોટી ડબ્બી આપી છે, તે પાન ચાવતાં આ લખી રહી છું. મને આવા મસાલા ખૂબ પસંદ છે. પણ અહીં ક્યાં મળે છે?
ઈશ્વરની કૃપા છે કે તમે હવે સારું થયાનો અહેસાસ કરી રહ્યા છો. એ ખરેખર સારી વાત છે, ખુલ્લી સ્વચ્છ હવામાં એક સુંદર તસવીર પણ પડાવજો. તમે જાણો છો કે આવી તસવીરો મને કેટલી બધી ગમે છે. તમે જે સલાહ-સૂચન કર્યાં તેને માટે ધન્યવાદ. હું યથાશક્ય અમલ કરીશ. માત્ર ફ્રેન્ચ શીખવામાં તકલીફ છે. કેમ કે અહીં મારી આસપાસ કોઈ એવી વ્યક્તિ નથી જે ફ્રેન્ચ બોલતી હોય. પોતે જ - એકલાં બોલવું - તો ઠીક નથી ને!
દેશથી બહાર જઉં ત્યારે નિશ્ચિતપણે પુસ્તકો વાંચું છું. અહીં એવું કરવું મુશ્કેલ છે. ગઈકાલે રાત્રે મોડે સુધી અનુવાદનું કામ કર્યું, એક વાગ્યા સુધી! પછી ન થઈ શક્યું કેમ કે સવારે સાત વાગ્યે ઊઠી જવાનું હતું.
તમારી
શેન્કલ

ચંદ્ર બોઝ એક પત્ર હાથમાં રાખીને વિચારતા રહ્યા, આ પત્રોની દુનિયા પણ કેવી રંગધનુષ જેવી હોય છે. મેઘધનુષના તો સાત જ રંગ હોય, અહીં તેનાથી યે અધિકઃ ઉત્સાહ, અપેક્ષા, આશા, પીડા, આંસુ અને આનંદ... કંઈ જ બાકી ના રહે. દરેક શબ્દમાં - જ્યાંથી લખાતો હોય તે - સ્થાનની ચિત્રાવલિ અંકિત થઈ જાય, આકાશ - સૂરજ - રાત્રિ - સાંજ - ઘર - મેદાન - ટ્રેન - વિમાન - વાદળ - વરસાદ...
અ-દ્વૈતભાવનું ગીત જાણે!
શેન્કલ સાથેના પ્રારંભના પત્રો જાણે કે ભવિષ્યની રંગોળીનો જ સંકેત હતા!
એક પત્રમાં તેમણે શેન્કલને સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાં રહેલી શ્રેષ્ઠ ભારતીય ફિલસૂફીની વાત કરી (તા. ૩૧-૧૨-૧૯૩૪) ‘થોટ્સ ઓફ વેદાંત’ ખરીદ્યાનું નોંધે છે (૨૨-૧-૧૯૩૫) ૨૫ જાન્યુઆરી, ૧૯૩૫નો પત્ર એક સરમુખત્યારના મિલનનો! તે દિવસે રોમમાં મળ્યા બેનિતો મુસોલિની. (‘આ સાંજે સિગ્નોર મુસોલિનીને મળ્યો. મારા પુસ્તકની તેને ભેટ આપી. પુસ્તક પ્રકાશિત થઈ ગયું. મુદ્રણ વગેરે સારાં થયાં છે. પ્રસ્તાવનામાં મેં તારો આભાર માન્યો છે.’) અને પોતાનો જન્મદિવસ ભૂલી ગયાની સ્વીકૃતિ સાથે... ‘તારો ફોન નંબર ભૂલી ગયો નથી.’ બર્લિનથી લખેલા પત્રમાં પોતાનું પ્રકાશિત પુસ્તક ‘ઈન્ડિયન સ્ટ્રગલ’ મંગાવે છે.
૧૭ જાન્યુઆરી, ૧૯૩૬ના પત્રમાં એક સરનામું મોકલે છે શેન્કલનેઃ નાથાલાલ ડી. ઝવેરી, ૨૪ એવન્યુ વાન દેન નેસ્ટ, એન્ટવર્પ (બેલ્જિયમ). આ ગુજરાતી સજ્જને ચંદ્ર બોઝની સાથે જર્મન નાઝી નેતાઓની મુલાકાત કરાવી આપી હતી, તેમના મુંબઈના નિવાસસ્થાને. એન્ટવર્પમાં નાથાલાલ ઝવેરીની સાથે નેપોલિયનની યુદ્ધભૂમિ વોટરલૂ જોવા જાય છે, અને વોટરલૂથી શેન્કલને ઉષ્માભેર અભિનંદનનો તાર પહોંચે છે તેમાં નામો છેઃ સુભાષ સી. બોઝ, કે. ડી. પારેખ, ચંદુલાલ મોહનલાલ, નાથાલાલ ડાહ્યાભાઈ ઝવેરી, બધા ગુજરાતીઓ!
તે વ્યગ્રતાથી પૂછે છે શેન્કલને, ‘But why don't you write to me?’ (તા. ૩૦-૧-૩૬, પારિસ) એ જ પત્રમાં ‘મને આધિકારિક સૂચના મળી છે કે પ્રમુખ ડી. વેલેરા ડબલીન પહોંચતાં મારું સ્વાગત કરશે.’
વોશિંગ્ટનથી લખાયેલા પત્રમાં ‘તબિયત ખરાબ હોવાનું જાણતાં દુઃખ થાય છે અને પછી તારા માટે પત્રકારત્વનું કામ વિચારી રહ્યો છું. શું થઈ શકે તે પછી જણાવીશ. એક પત્રમાં તેં મારા યૌવનના વર્ષોની વાત કરી. પણ હવે હું ક્યાં યુવાન છું?’
‘જર્મનીની આર્થિક દશા ખરેખર ખરાબ છે. લોકો સરકારની ટીકા કરતાં ડરતા નથી...’
‘મને ખુશી થઈ કે તે સિગારેટ પીવાનું ઓછું કરી નાંખ્યું. મારું સ્વાસ્થ્ય તો એકંદરે સારું છું, પણ થકાવટ છે. હા, એન્ટવર્પ અને પારિસમાં મને ભારતીય ભોજન મળ્યું!’
એક પત્રમાં (તા. ૧૧-૨-૩૬, ડબલિન) શેન્કેલના લેખો અને તેના પુરસ્કારની રકમ નક્કી કરાયાની જાણ કરે છે. ‘હિન્દુ’ પત્ર (જેમાં લેખો છાપવાની દરખાસ્ત છે) ‘સ્ટ્રોંગ નેશનાલિસ્ટ નથી, મોડરેટલી નેશનાલિસ્ટ છે.’ એમ કહીને લેખ લખતી વખતે શાનો ખ્યાલ રાખવો તે જણાવે છે. પ્રણયી બોઝનું આ શિક્ષક સ્વરૂપ! ‘કોઈ દેશ વિશે લખવું હોય તો પ્રથમ તેના વિશેનો સામાન્ય પરિચય અને બૌદ્ધિક વાચકને જરૂરી વિચારો લખવા જરૂરી છે. તું ઈન્ડોનેશિયા વિશેના લેખથી શરૂઆત કરજે. તેનો રાજકીય ઈતિહાસ અને પ્રથમ વિશ્વયુદ્ધથી અત્યાર સુધીના પ્રવાહોનું આલેખન કરવું. આને માટે યુગોસ્લાવ પત્રકારોનો સંપર્ક રાખવો જરૂરી છે. (શ્રીમતી ફુલોપ મિલ્લર તને મેક્સિમ કાન્ટ અને બીજા બુદ્ધિજીવી પત્રકારોનો પરિચય કરાવશે) મારી નોંધ પણ મોકલું છું.’
પત્રમાં બોઝ પછીના લેખોના વિષયમાં બલ્ગેરિયા, રોમાનિયા, ગ્રીસ, હંગેરી, તુર્કી, પેલેસ્ટાઈન, સિરિયા, ઇજિપ્ત અને અરેબિયા પસંદ કરીને તેનો અભ્યાસ કરવા માટે ય સૂચવે છે!
સાવ નાની લાગતી વાત પણ સૂચવવાનું તે ચૂકતા નથી. ‘તારું વિઝિટિંગ કાર્ડ આ પ્રમાણે તૈયાર કરાવજે.’
Fraulien E. Schenkl
Special Representative of
'The Hindu' of Madras
India's most popular and influencial daily paper.
Vien XVIII
Ferrogasse
Tel N. R60-2-67
પછી લખે છેઃ ‘અને હા, આ બધું જર્મન ભાષામાં છાપવું’ અને બીજો પત્ર પારિસથી લખ્યો તેમાં ‘પહેલાં લેખ મને મોકલજે. પછી તેને સુધારીને તૈયાર કરીશું. મેં તારા માટે લંડનમાંથી શબ્દકોષ મોકલવા જણાવ્યું છે.’
ઈતિહાસની કેવી પળ પત્રાક્ષરોમાં સમાઈ જતી હશે? શેન્કલને લખેલા પત્રમાં જવાહરલાલ નેહરુ અને રોમા રોલાંને મળવાની વિગતો છે (તા. ૨૨-૨-૧૯૩૬) અને થોડાક દિવસ પછી ૩ માર્ચ, ૧૯૩૬ના શ્રીમતી કમલા નેહરુના અવસાનની નોંધ છે (તેમનું અવસાન ૨૮ ફેબ્રુઆરીએ થયું).
ચોથી માર્ચ, ૧૯૩૬ઃ ‘તારા ૨૨ જાન્યુઆરી, આઠમી, બારમી, પંદરમી, ઓગણીસમી, વીસમી અને પચીસમી ફેબ્રુઆરીના પત્રોનો પ્રત્યુત્તર લખવા બેઠો છું. રુડોલ્ફીનર હાઉસમાં ડો. એલ્વિરાએ ભગિની ભાવ સાથે મારી દરકાર કરી તેનો આભાર અચૂક માનજે... સિરિયા વિશે ત્યાંથી જલાવતન અને જિનિવામાં રહેતા એક નાગરિકનું કાર્ડ મોકલું છું. યહુદીની જેમ અરબ દૃષ્ટિકોણ પણ જાણી લેવો જરૂરી છે...’
અને પછી શેન્કલે પૂછેલા પ્રશ્નો વિશેઃ બોકાર્નોટ્રિટી, સ્ટ્રેસા કોન્ફરન્સ, રોમન પેક્ટ, લિટલ એન્ટેન્ટ, બાલ્કન એન્ટેન્ટ આ બધાંની સમજણ આપતી નોંધ.
શેન્કલના બૌદ્ધિક સંવર્ધનનો સુભાષ બોઝના પત્રો દ્વારા પ્રયોગ જ જાણે!
સ્મૃતિનો ઉજાશ હજુ પથરાયેલો જ રહ્યો, ભલેને બહાર આકાશેથી ગાઢ અંધારું જ વીંટળાયેલું હોય. સ્વાધીન જીવનમાં સુખદુઃખની લકીર તો મૃત્તિકાદીપ સમાન હતી, તેને કોણ ઓલવી શકે તેમ હતું?
ચંદ્ર બોઝ અતીતના વાદળાંઓ વચ્ચે ભ્રમણ કરી રહ્યા હતાં, આ રહી એમિલી શેન્કલ અને નાનકડાં પુષ્પ સરખી પુત્રી અનિતા...
દરેક પત્રમાં તેની સાથેનો સ્નેહસંવાદ -
પાંચમી માર્ચ, ૧૯૩૬ના બોઝે લખ્યુંઃ ‘ટેલિફોન પરની વાતચીતમાં તું ઉત્સાહી જણાઈ.’ અને પછી ‘રફગ્રે બ્રિચીઝ, યુરોપિયન સ્ટાઇલનો કોટ, શ્વેત નહીં પણ રંગીન સ્વેટર, અને ‘બ્રાઉન વૂલન ટેનિસ પેટર્ન શર્ટ’,... આટલું મોકલવાનું યે કહે છે! પૂછે છેઃ મારા બાઈનોક્યુલર ગ્લાસ ક્યાં છે, ખબર છે? અહીં મારી પાસે મળતા નથી. (ક્રમશઃ)


comments powered by Disqus