‘પ્રેમ’શબ્દ નહીં, અનુભૂતિ છે

જ્યોત્સના શાહ Wednesday 08th February 2017 06:41 EST
 
 

૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન - સંત વેલેન્ટાઈનની પુણ્યતિથિ છે. પરંતુ એ દિવસ પ્રેમીઑનો છે. એ દિવસે પ્રિયતમ કે પ્રિયતમા પોતાની અંદર ધરબી રાખેલ પ્રેમને અભિવ્યક્ત કરવાની પહેલ કરે છે. આ દિવસે પ્રેમી કે પ્રેમિકાના મુખેથી ‘આઈ લવ યુ... આઈ લાઈક યુ’ (હું તને પ્રેમ કરું છું, તું મને ગમે છે) શબ્દો સાંભળવા આતુર હોય છે. અને પોતાની આ ઈચ્છા ફળીભૂત થતા જે તે પ્રેમીને પોતાનો પ્રેમી દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ હોવાની અનુભૂતિ કરે છે. પ્રેમનો આ ઉત્સવ દુનિયાભરના પ્રેમીઓ પોત-પોતાની આગવી રીતે ઊજવશે. પોતાના પ્રિય પાત્રની સાથે ભેટની આપ-લે કરશે અને લાલ ગુલાબ આપી પોતાનો પ્રેમ વ્યક્ત કરશે. લાલ ગુલાબનું પણ મહત્વ અનેરૂં છે. એની સુંદરતા અને સુગંધ બન્ને આકર્ષણ ઉભા કરે એવા ગુણો ધરાવે છે. પ્રેમ એટલે શબ્દોની સિમા બહારની સંવેદનાથી ભરપૂર લાગણી.
ઘડીભર વિચારીએ કે આ પ્રેમની વ્યાખ્યા શું? આ સવાલના જવાબમાં પ્રેમ વ્યક્ત કરવા લાખો શાયરીઓ, કરોડો કવિતાઓ, સંખ્યાબંધ વાર્તાઓ મળશે અને એ વાંચવાની તેમજ ફિલ્મો જોવાની મજા આવશે પરંતુ શું ખરેખર એમાંથી પ્રેમનો જવાબ મળે છે ખરો? આપણું બોલિવૂડ તો પ્રેમ રસથી ભરપૂર છે. બોલિવૂડના પ્રેમગીતો પણ લોકજીભે ચઢી ગયા છે.
‘સો સાલ પહેલે મુજે તુમસે પ્યાર થા, આજ ભી હૈ ઔર કલ ભી રહેગા’જેવા ગીતો વર્ષો થયા છતાં આજે ય આપણે ગણગણીએ છીએ. પ્રેમ જાત અનુભવ કરવાની બાબત છે? “પ્રેમ" એ શબ્દ નથી. અભિવ્યક્તિ છે. ગમે તેટલી કવિતાઓ કે વાર્તાઓ વાંચીએ કે ફિલ્મી ગીતો ગણગણીએ એથી પ્રેમ સમજાય નહીં!! એના મિલનની મદહોશીની ઠંડક અને વિરહની તડપન બે ય એકસાથે માણવી પડે, અનુભવવી પડે. પ્રેમ પક્ષી છે. એ મુક્તિ ચાહે છે. એને પંખીની જેમ આકાશમાં વિહરવું ગમે છે. પ્રેમ લખવાનો નહીં, અનુભવવાનો વિષય છે. પ્રેમની કબૂલાત એ પ્રેમાવસ્થાની કદાચ સૌથી રોમાંચકારી ઘટના છે. માંહી પડ્યા તે મહાસુખ માણે..જેવું અને પ્રેમમાં દાઝ્યા તો જિંદગી દોઝખ!
ઈશ્વરે પૃથ્વી પર આદમને ઉતાર્યા અને એની પાંસળીઓના હાડકામાંથી ઈવ બનાવી. કહેવાય છે કે એ બંનેએ એક પ્રતિબંધિત ફળ ખાધું અને પછી પ્રેમના પ્રશ્નોની પરંપરા સર્જાઈ. આ વર્ષો જૂની પ્રેમકથા એટલી હીટ થઈ કે આજ સુધી એ ઘરે-ઘરે ભજવાય છે. સિનેમાના પડદા પર કે રંગીન પૃષ્ઠો વચ્ચેની કિતાબોમાં લખાયેલી પ્રેમકથા સૌના દિલને સ્પર્શી જાય છે. લયલા-મજનુ, હીર-રાંઝા, દેવદાસ-પારો જેવા પ્રેમીઓની કરુણ કથા આપણે હજી આજે પણ યાદ કરીએ છીએ. કારણ શું? કેટલાયને એમાં સ્વાનુભવની ઝાંખી થાય છે.
સંત કબીરદાસે સાચે જ કહ્યું છે,
‘પોથી પઢ પઢ જગ મુઆ, ભયા ન પંડિત કોય,
ઢાઈ અક્ષર પ્રેમ કે, પઢે સો પંડિત હોય...’
પોથી વાંચવાથી પંડિત નથી થવાતું, પરંતુ પ્રેમરૂપી પારસમણિના સ્પર્શથી પંડિત બની શકાય છે,એ જ અનુભવની કિતાબ ઉઘાડી શકે. આ અઢી અક્ષર વાંચવા કે સમજવા કોઈ કિતાબ કે જોડણીકોશ કામ ન આવે, અઢી અક્ષરનો આ શબ્દ મહાકાવ્ય જેવો ગહન વિષય છે.
પ્રેમ અઢી અક્ષરનો કેમ છે? કારણ કે કોઈપણ પ્રેમ ક્યારેય પૂર્ણ નથી હોતો. પ્રેમમાં તૃપ્તિ હોતી જ નથી. ગમે તેટલો મધુરો પણ અધૂરો છે!!! જીવનના સૌથી મધુર એવા ટોપ ટેન શબ્દોની યાદીમાં પ્રેમ અવ્વલ નંબરે આવે! પ્રેમ એ પ્રત્યેક માણસને કુદરત તરફથી મળેલ અદભૂત ભેટ છે. માનવનો પૃથ્વી પર ઉદભવ થયો એ સાથે જ પ્રેમનો પણ ઉદભવ થયો. એ સનાતન છે. અનિવાર્ય છે. એના વિનાનું જીવન નિરસ, શુષ્ક બની જાય છે. દરેક વ્યક્તિ પ્રેમ ઝખે છૈ. આ સંબંધોમાં બાળક અને માનો પ્રેમ સૌથી શ્રેષ્ઠ છે.
જીવનના વિવિધ સ્તરે વિવિધ સંબંધોમાં પ્રેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. પ્રેમના પાયા પર જ સંબંધોની ઈમારત ઊભી થાય છે. પ્રેમના અંકુર એકવાર રોપાઈ જાય પછી એ પાંગરતો જ જાય છે. જો એને યોગ્ય પોષણ મળે તો!!! આ પ્રેમી પંખીડા પૂરતો સિમિત ન રાખતા આપણા માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર સૌ કોઈને પ્રેમના બંધનથી બાંધીએ. એમને પણ ‘વેલેન્ટાઈન ડે’ની શુભ-કામના પાઠવીએ તો અજુગતું નથી. વેલેન્ટાઇન એટલે તમારૂં પ્રિય પાત્ર.પછી એ કોઇપણ હોઇ શકે.
આ અઢી અક્ષરના પ્રેમને સમર્પિત એવી પ્રેમ દિવાની મીરાં જ લખી શકે કે,
‘મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ...’
મીરાના હૃદયમાં કૃષ્ણ પ્રેમની ઘેલછા હતી એટલે જ એ મેવાડનું મહારાણી પદ છોડી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ. મીરાનાં દિવ્ય પ્રેમના પરિણામે આપણે સુંદર પદો પામી શક્યા. પ્રેમ એક શક્તિ છે. પ્રેમ એક ઊર્જા છે. આ પ્રેમના પર્વે પ્રેમને એક સીમામાં બાંધવાને બદલે મુક્ત રીતે વિહરવા દઈએ અને પ્રેમની અનુભૂતિ કરીએ. પ્રેમ એટલે પ્રેમ એનો કોઈ વિકલ્પ નહીં.
કવિ ગુલઝારે લખ્યું છે " સિર્ફ અહેસાસ હૈ, રૂહ સે મહસૂસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો, કોઈ નામ ન દો"
વેલેન્ટાઈનના આ પર્વે પ્રેમનો માર્મિક સંદેશ યત્ર-તત્ર-સર્વત્ર પહોંચાડી ચાર અક્ષરના અંગ્રેજી શબ્દ LOVEની કદર કરતા શીખીએ. પ્રેમનું આ પર્વ એક દિવસ નહિ, રોજ રોજ ઉજવીએ!! આજના યુગમાં પ્રેમના વાવેતર કરવાની ખુબ જ આવશ્યકતા છે.
સૌ વાચકમિત્રો, સ્નેહીજનોને વેલેન્ટાઈન ડેની શુભ-કામના. પ્રેમ સર્વત્ર વ્યાપો.


comments powered by Disqus