અશક્યને શક્ય બનાવતું સામર્થ્ય

સી. બી. પટેલ Tuesday 07th March 2017 14:44 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, અમેરિકન્સ તો શું વિશ્વભરના લોકો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બાબતમાં તેઓ શું શું કરશે કે શું શું નહીં કરે તે અંગે નાનીમોટી અમૂંઝણ, ચિંતા સેવી રહ્યા છે. ઘરઆંગણે બ્રિટનમાં પણ ‘બ્રેક્ઝિટ’ની વ્યથા કંઇ ઓછી નથી હં... વડા પ્રધાન સુશ્રી થેરેસા મે વિરાંગનાની જેમ દેશમાં કે અન્યત્ર ઝઝૂમી રહ્યાં છે. અમેરિકા જઇ આવ્યા. ચીનના પ્રવાસે જવાની તૈયારી કરી રહ્યા છે. ભારત સાથેના સારા સંબંધોને વધુ ઘનિષ્ઠ ગાઢ બનાવવા માટે માટે સતત સક્રિય છે. અને તેમાં વળી, હાઉસ ઓફ કોમન્સે તો વડા પ્રધાનને યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ લોર્ડસની ઉમરાવ સભામાં બધો મામલો સલવાણો છે.
દેશ-દેશાવરની વાત ચાલે છે તો આપણે ભારતમાં પ્રવર્તમાન રાજકીય સિનારિયો પર પણ એક નજર ફેરવી જ લઇએ. આ અંક લવાજમી ગ્રાહકોના કરકમળમાં સાદર થશે ત્યારે સંભવ છે કે ભારતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો જાહેર થઇ ચૂક્યા હશે. વિશ્વના કંઇકેટલાય રાજકારણીઓ કે સમાચાર માધ્યમો ચાંપતી નજરે રાહ જોઇ રહ્યા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પક્ષને કેવો, કેટલો અને ક્યાં વિજય સાંપડશે.
ચાર રાજ્યો - પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરની કુલ વસ્તી માંડ ચારેક કરોડની હશે. અને એકલા ઉત્તર પ્રદેશની વસ્તીની વાત કરો તો અડધમાં રામ અને અડધમાં ગામ નહીં, પણ પાંચ ગણી (૨૦ કરોડ) જેટલી વસ્તી ઉત્તર પ્રદેશમાં વસે છે. અન્ય રાજ્યોના મુકાબલે જનસંખ્યા ભલે ઘણી વધારે હોય, પરંતુ સુખાકારી ઘણી ઓછી છે તે પણ હકીકત છે. પ્રદેશની પ્રગતિ તો જાણે અળસિયાની ઝડપે થઇ રહી છે. આવા ભારતના સૌથી મોટા રાજ્યને ‘ઉત્તમ’ પ્રદેશ બનાવવા માટે નરેન્દ્રભાઇ મોદીએ બીડું ઝડપ્યું છે. તેમણે ત્યાંની ચૂંટણીમાં સાચે જ મન મૂકીને ઝૂકાવ્યું છે. એક મરણિયો એકસોને ભારે... તે શબ્દો અહીં સહેતુક વાપરતો નથી કારણ કે નરેન્દ્ર મોદી વિજયપતાકા લહેરાવ્યા બાદ જીવતેજીવ ઉત્તર પ્રદેશને ઉજળું ભવિષ્ય એનાયત કરવા આતુર છે.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૩૦-૩૫ વર્ષથી સમાજવાદી પક્ષ (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) વારાફરતી ચૂંટણી જીતીને રાજ કરતા રહ્યા છે. એક અર્થમાં કહીએ તો આ શાસકોએ ખાધું-પીધું ને તારાજ જ કર્યું છે એવું ચિત્ર વિકાસના તમામ પરિમાણોના આંકડા પરથી ઉપસી રહ્યું છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની કુલ ૮૦ બેઠકોમાંથી ભાજપે ૭૧ બેઠકો કબ્જે કરી હતી. ઉત્તર પ્રદેશમાં ભાજપનો આ વિક્રમજનક દેખાવ હતો. આ જ્વલંત દેખાવ સાથે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ૩૦ વર્ષ બાદ કોઇ એક પક્ષની મજબૂત સરકારની રચના કરી. આ વાતને બે વર્ષ અને ૧૦ મહિનાના વ્હાણા વીતી ગયા. એક હકીકતનો ભાગ્યે જ ઇન્કાર થઇ શકે કે સર્વ ક્ષેત્રે, દરેક તબક્કે અને દરેક સ્તરે વિકાસ કરવા માટેની અભૂતપૂર્વ આકૃતિ મોદી સરકાર કંડારી શકી છે. આકૃતિમાંથી આકારને સાકાર કરવો તેનું પાછું આગવું વિજ્ઞાન છે.
દૃઢ નિર્ધાર, આયોજન, સાધન... બધું હાથવગું હોય તો ય નક્કર ઇરાદાને અમલી બનાવવા માટે અમુક સમય પણ જોઇએ જ. ગર્ભાધાન બાદ માનવશરીરના વિકાસને પણ નવ મહિના લાગે છે જ્યારે આ તો સમગ્ર દેશ - પ્રદેશના વિકાસની વાત છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીના જીવન અને કાર્ય પર નજર નાખીએ તો સ્પષ્ટ જણાય છે કે આ આદમીમાં અશક્યને શક્ય બનાવવાનું સામર્થ્ય સમાયેલું છે. હવે તો નરેન્દ્ર મોદી વિશેના પુષ્કળ પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે. અને બધા જ પુસ્તકો એક અવાજ કહે છે કે આ વ્યક્તિ સંભવ - અસંભવ વચ્ચે અટવાયા વિના લક્ષ્યાંક પ્રતિ આગેકૂચ કરવા માટે પ્રતિબદ્ધ છે. તો આવો, વાચક મિત્રો... આપણે સહુ સ્વામી કૃપાલાનંદજીની સદાબહાર રચના ‘હતાશને...’માંથી કેટલીક પંક્તિઓ મમળાવી લઇએ...

આઘેથી તું તિમિરદલને દેખતાં હામ છોડી -
શાને બેઠો રુદન કરતો મસ્તકે હાથ ઠોકી?

ભૂતે ભાળી નયન થકવે નિર્બલો ભાગ્ય જોતાં,
ત્યારે પેલા નર સબલ તો કાર્યમાં મગ્ન રે’તાં.

નીચી આંખે ચરણતલના કંટકો શેં નિહાળે?
ના જોતા ઘા સમર-રમતા શૂર તો કોઇ કાળે.

વાળંદના વ્યવસાયની વ્યથા

યુરોપિયન યુનિયનના ૨૮ દેશોમાં વાળંદોના વ્યાવસાયિક સંગઠનનું નામ છે The UNI Europa Services Union. બેલ્જિયમના બ્રસેલ્સમાં વડી કચેરી છે. યુનિયનમાં ૧૦ લાખ સભ્ય છે. સંગઠનના એક મહામંત્રી ઓલિવર રોથિગ (Oliver Roethig)એ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં વાળંદ બંધુઓના વ્યવસાય સાથે સંકળાયેલા હેલ્થ એન્ડ સેફ્ટી (આરોગ્ય અને સલામતી) સંબંધિત કેટલીક અગત્યની બાબતોની તેમજ વાજબી ગણાય તેવી માગણીઓ રજૂ કરવામાં આવી છે.
અન્ય વ્યવસાયોના મુકાબલે વાળંદોને તેમના જ કેશકલાપ કાર્યાલયોમાં રોગ થવાનું જોખમ વધારે હોય છે. એક અભ્યાસ અનુસાર વાળ કાપવાની કામગીરી દરમિયાન વાળંદ ભાઇઓને (અને બહેનોને પણ)- સામાન્ય લોકોની સરખામણીએ - સ્કીન ડિસીઝ (ચર્મરોગ) થવાનું જોખમ દસ ગણું હોય છે જ્યારે કાતર, મશીનરી ચલાવવા તેમજ કસ્ટમરનું માથું ઊંચું કરવું, નીચું કરવું, આડુંઅવળું કરવું વગેરે જેવી કામગીરીના કારણે સ્નાયુઓમાં નાનીમોટી ખેંચ-તાણ-જકડન જેવી તકલીફો થઇ જવાનું જોખમ - અન્ય વ્યવસાયીઓના મુકાબલે - પાંચ ગણું હોય છે. જોકે આમ તો દરેકને - પ્રવૃત્તિમાં હોય કે ન હોય - નાનીમોટી શારીરિક સમસ્યા તો સહજ છે. જોકે વ્યવસાય સાથે સંકળાયેલી સમસ્યાઓ ઇંગ્લીશમાં એક શબ્દ છે - Occupational hazard - વ્યાવસાયિક જોખમ.
આપણા માથા પરનો ભાર ઓછો કરવાની મહત્ત્વની ફરજ નિભાવતા વાળંદબંધુઓની વ્યથા સાચે જ ગંભીરતાથી લેવાની જરૂર છે. ચાલો આપણે આ વાતને બીજી રીતે જોઇએ... તન-મનની તંદુરસ્તી હોય, પરિવારની સુખાકારી હોય, નોકરી-ધંધાની માવજત હોય, જાહેરજીવનની જવાબદારી હોય કે નિવૃત્તિકાળની કાળજી... આમ જોઇએ તો આ દરેક પ્રવૃત્તિમાં, દરેક તબક્કે ઓછાવત્તા અંશે ચિંતા, સાવચેતી, સહીસલામતીને લક્ષમાં લેવા જ રહ્યા. સંભવ - અસંભવની શક્યતા એ પણ એક પ્રકારે વિચાર કહો તો વિચાર, અને અજંપો કહો તો અજંપો છે.
અશક્યને શક્યમાં પલટાવવા માટે તીવ્ર અભિલાષાની સાથે જ ઝિંદાદીલી, ધગશ, ધીરજ તેમજ સમયસૂચકતા આવશ્યક છે. મંગળવારે પૂરી થયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સજ્જડ હાર આપી. જાણે કે પ્રથમ ટેસ્ટમાં મળેલી શિકસ્તનો જડબાતોડ જવાબ આપ્યો છે.
આ મેચમાં ગુજરાતી ખેલાડીઓએ સવિશેષ અનુદાન આપ્યું છે. બીજી ઇનિંગમાં ભારતના ૧૭૬ રનમાં આપણા કાઠિયાવાડી ચેતેશ્વર પૂજારાએ ૯૨ રન ફટકારીને ભારતીય ખેલાડીઓના આત્મવિશ્વાસમાં ઉમેરો કર્યો હતો.
તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના જુદા જુદા ફોર્મેટમાં ગુજરાતી ખેલાડીઓએ સારું એવું કાઠું કાઢ્યું છે. ચેતેશ્વર પૂજારા (રાજકોટ), રવીન્દ્ર જાડેજા (જામનગર), જસપ્રિત બુમરાહ (અમદાવાદ), અક્ષર પટેલ (અમદાવાદ), હાર્દિક પંડ્યા (વડોદરા) ટીમ ઇંડિયાના ઝમકદાર દેખાવમાં પ્રશંસનીય પ્રદાન આપી રહ્યા છે તે હકીકત આપણા સહુ ગુજરાતીઓ માટે બહુ ગૌરવપ્રદ બાબત ગણી શકાય.

•••

આપણે અભિગમ બદલવો રહ્યો...

દેશ અને દુનિયાની વાતો તો ઘણી કરી, એક નાનકડો અંગત અનુભવ પણ ટાંકવા જેવો લાગે છે. તાજેતરમાં હાઉસ ઓફ કોમન્સમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના આપણા પીડિત પંડિત પરિવારો વિશે એક સભા યોજાઇ હતી. રૂમ નંબર ૧૨ની દરેક બેઠક ભરાઇ ગઇ હતી. મારે પણ આ મુદ્દે કંઇક બોલવાનું હતું. સભા બાદ એક યુવાન દંપતી મારી સાથે વાતે વળગ્યું. બહેનની ઉંમર આશરે ૩૨-૩૫ વર્ષ અને ભાઇ તેમનાથી એકાદ-બે વર્ષ મોટા હશે. આપણાથી કંઇ તેમની ઉંમર થોડી પૂછાય?! ડોગરા પરિવારના આ દંપતી દસેક વર્ષથી યુકેમાં વસવાટ કરે છે. વ્યવસાયી છે. સાધનસંપન્ન છે. અમે ભારતની, બ્રિટનની, રાજકારણની, જમ્મુ-કાશ્મીરની ઘણી બધી વાતો કરી. નામ-ઠામ-કામ-કારકિર્દી બધી વાતો થઇ. અમારી વાતો પૂરી થઇ જ રહી હતી કે બહેને મને કહ્યું કે ‘મને ગમ્યું કે તમે એક પ્રશ્ન પૂછ્યો નહીં.’ મેં સહજપણે ઉત્સુક્તાથી પૂછ્યું કે ક્યો પ્રશ્ન? મેં વળી ક્યો પ્રશ્ન પૂછવાનું ટાળ્યું છે... બહેને કહ્યું કે અમારે કેટલા સંતાન છે એ તમે ન પૂછ્યું...
આ પ્રશ્ન મેં નથી પૂછ્યો તેમાં નોંધપાત્ર શું છે? તો બહેને બહુ સહજતાથી કહ્યું કે અમે જ્યારે પણ અમારા પરિવારજનોને, કે ભારતીયો કે એશિયનોને મળીએ છીએ. વાતચીત કરીએ છીએ અને તેઓને ખબર પડે કે અમારા લગ્નને સાતેક વર્ષ થઇ ગયા છે તો તરત જ તેઓ પૂછે કે સંતાનો કેટલા છે? અમે જવાબ આપીએ કે એક પણ નહીં... તો બીજો પ્રશ્ન આવેઃ કેમ નથી? આ પછી મારે તેમને કહેવું પડે છે કે અમે NCBC છીએ. અમે No child by choiceમાં માનીએ છીએ. અમે બન્ને સંતાન વગરના જીવનમાં સંપૂર્ણ સુખ સમજીએ છીએ. અમે અમારો તમામ સમય, સાધન, શક્તિ, સમાજસેવામાં ફાળવીએ છીએ.
વાચક મિત્રો, સાચું કહું તો મને આ દંપતીનો અભિગમ ગમી ગયો. આપણે (વાંચો કે મોટા ભાગના ભારતીયો) બીજાના વ્યક્તિગત જીવનમાં ડોકિયું કરતાં રહેવાની મનોદશા ધરાવીએ છીએ. એક તરફ આપણે ત્યાં સંતાનસુખની ઝંખનામાં...

ખોળાનો ખૂંદનાર દ્યો ને, રન્નાદે
લીંપ્યું ને ગૂપ્યું મારું આંગણું
પગલીનો પાડનાર દ્યોને રન્નાદે!

... જેવા લોકગીતો ગવાય છે, માતાની આરાધના થાય છે તો બીજી તરફ આવા પણ દંપતી છે જેઓ સ્વેચ્છાએ નિસંતાન રહીને સમાજસેવા કરવાનો અભિગમ ધરાવે છે.
વાચક મિત્રો, આ બહેનની વાત સાંભળ્યા પછી બહુ નમ્રભાવે એક સૂચન કર્યા વગર રહી શકતો નથીઃ સામેની વ્યક્તિને પ્રશ્ન અવશ્ય પૂછો, પણ એવા પ્રશ્ન પૂછવાની તાલાવેલી ટાળો કે જેનો જવાબ
આપવાનું સામેની વ્યક્તિ માટે બિનજરૂરી રીતે પીડાદાયક બની જાય...

•••

માતૃવંદનાનો અનોખો અવસર

જીવમાત્રને માતા હોય છે. વ્યક્તિના જન્મ અગાઉ અને જન્મ બાદ જે જતન માતા કરે છે તેને હું માનવજાતની એક અવર્ણનીય સેવા માનું છું. માતૃત્વ એ કોઇ પણ માદાનું આગવું અનુદાન છે. આગવો અધિકાર પણ ગણી શકાય. ભારતીય સંસ્કારમાં વૈદિક કાળ કે તેના પણ અગાઉથી માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃનું સૂત્ર ગાજતું રહ્યું છે. આ સૂત્ર માત્ર ઠાલા શબ્દો નથી. તે સાચે જ સમજીને, વિચારીને ઉભય પક્ષના વ્યવહારમાં સાર્થક કરીએ તો ભયો ભયો... પશ્ચિમ જગતમાં દર વર્ષે મધર્સ ડે ઉજવાય છે. આ વર્ષે ૨૬ માર્ચે આ શુભ દિવસ આવી રહ્યો છે.
માતૃવંદના કાર્યક્રમના આયોજનના ઉપક્રમે આપણા સહુના જાણીતા અને માનીતા ગાયિકા માયાબહેન દીપકને ખાસ ભારતથી અત્રે આવવા નિમંત્રણ આપ્યું. પૂર્વનિર્ધારિત આયોજનોમાં વ્યસ્તતા છતાં પણ અમારી લાગણી અને આ પ્રસ્તાવની અગત્યતા સમજીને માયાબહેન આવતા સપ્તાહે ચાર અઠવાડિયા માટે અત્રે પધારી રહ્યા છે. શબ્દ, સ્વર, સંગીત, ઊર્મીશીલતા, સામેલગીરી સાથે સામૂહિક સ્વરૂપે માતૃવંદના એ અંતરમાં ડોકિયું કરવાનો અકસીર અવસર ગણાય. ભાઇશ્રી કમલ રાવ, કોકિલાબહેન તેમજ મારા અન્ય સાથીદારો, આમંત્રિત મહેમાનો માટે ૨૮ માર્ચના રોજ ભારતીય વિદ્યાભવન ઉપરાંત વધુને વધુ સ્થળે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવા આતુર છે અને સમગ્ર આયોજનને રંગેચંગે પાર પાડવા માટે ખૂબ પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. આ અંગેની માહિતી આપ છેલ્લા કેટલાક સપ્તાહના ગુજરાત સમાચારમાં વાંચતા રહ્યા છો અને આ સપ્તાહે પણ અંકમાં અન્યત્ર આ માહિતી સાદર કરવામાં આવી છે. મારા માતૃશ્રી ૧૩ વર્ષ પૂર્વે સ્વર્ગે સિધાવ્યા, પણ સાચે જ હું જે કંઇ છું, મારી હસ્તી કે મારી સૃષ્ટિ છે એ સંપૂર્ણપણે મારા માતૃશ્રીની દેણ છે. માતૃદેવો ભવઃ... (ક્રમશઃ)

•••


comments powered by Disqus