બોલિવૂડનો ફેમસ ફિલ્મમેકર કરણ જોહર સાતમી ફેબ્રુઆરીએ સરોગસી ટ્રીટમેન્ટથી જોડિયા બાળકોનો પિતા બન્યો છે. એક પુત્ર અને એક પુત્રીના પિતા કરણે બાળકોનું બર્થ રજિસ્ટ્રેશન ત્રીજી માર્ચે કરાવ્યું છે. આ રજિસ્ટ્રેશનમાં બાળકોના પિતા તરીકે કરણનું નામ છે, પણ માતાના નામનો કોઇ ઉલ્લેખ નથી. કેન્દ્ર સરકારની વેબસાઇટે આ વાતને ટેકો પણ આપ્યો છે. કરણે પિતાના નામ પરથી પુત્રનું નામ યશ અને માતા હીરુના નામ પરથી પુત્રીનું નામ રૂહી રાખ્યું છે. કરણે હરખ કરતાં આ વાત ટ્વિટર પર શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, મારા જીવનમાં રૂહી અને યશનો પ્રવેશ થયો છે. હું સત્તાવાર રીતે હવે બે બાળકોનો પિતા છું. બાળકોનો જન્મદિન સાતમી ફેબ્રુઆરીએ ઊજવાશે. કરણે જણાવ્યું કે, હવે મારા માટે કામથી વધુ મારા બાળકો મહત્ત્વના રહેશે. શાહરુખ ખાન જૂન ૨૦૧૩માં સરોગસી પ્રક્રિયા દ્વારા તેના ત્રીજા સંતાન અબરામનો પિતા બન્યો હતો. આ ઉપરાંત તુષાર કપૂર વર્ષ ૨૦૧૬માં વિના લગ્ને લક્ષ્યનો પિતા બન્યો છે.

