જવાહરલાલ તેમના પ્રશંસક હતા. લેખનનાં વિવિધ સ્વરૂપો પર ખોસલાએ હાથ અજમાવ્યો હતો. તપાસપંચોની કારવાઈમાં ભારે કુશળ હતા. નેતાજી સુભાષચંદ્ર તો તેમને ૧૯૨૦માં ઇંગ્લેન્ડમાં મળેલા. સુભાષબાબુ ભારતીય મિત્રો સાથે વાત કરી રહ્યા હતા કે આઈ.સી.એસ થઈને બ્રિટિશ સરકારની નોકરી કરવી એ તો દેશદ્રોહ છે. ખોસલા ત્યારે એ બેઠકની પાસેથી પસાર થતા હતા, તેમણે કહ્યું કે ભારતીયો અંગ્રેજોની જગ્યા લે તેમાં કોઈ દેશદ્રોહ નથી.
સુભાષબાબુએ બધાની હાજરીમાં આ બ્રિટિશ-પ્રેમી ભારતીય સામે ધિક્કારની નજરે જોયું એ નજર ખોસલા આખી જિંદગી ભૂલી ના શક્યા! (વી. એન. દત્ત, Did Netaji actully die in 1945? ધ ટ્રિબ્યુન, ૧૯ ઓગસ્ટ, ૨૦૦૧)
ખોસલા-પંચના પ્રારંભે જ ચમક ઝરી. અમિય બોઝ અને સુરેશ બોઝે - બન્ને નેતાજીના પરિવારના સભ્યો - શાહનવાઝખાનના સાક્ષી હોવાથી, ગુસ્સાભેર જણાવ્યુંઃ ‘હા, તમે દેશના ગદ્દાર છો!’ તપાસ-પંચના દિવસો લંબાતા ગયા. ખોસલાએ તો ઇન્દિરાજીનું જીવનચરિત્ર ઉપરાંત નેતાજી વિષેની પોતાની તપાસનું યે પુસ્તક લખી નાખ્યું! ૧૯૭૪ના જૂન સુધીમાં તપાસપંચનો અહેવાલ તૈયાર થઈ ગયો. કેન્દ્ર સરકારને પસંદ પડે તેવો અહેવાલ હતોઃ ખરેખર વિમાની-દુર્ઘટના થઈ હતી અને તેમાં જ નેતાજીનું મૃત્યુ થયું હતું!
પત્યું!
એવું પણ પ્રમાણપત્ર ખોસલાએ એમાં આપ્યું કે જવાહરલાલે નેતાજીની સચ્ચાઈ છૂપાવવા કોઈ કોશિશ કરી નહોતી...
સપ્ટેમ્બર, ૧૯૭૪ના સંસદ સમક્ષ અહેવાલ પ્રસ્તૂત કરાયો. સમર ગુહાએ પોતાની જગ્યાએ ઊભા થઈને તે ફાડી નાખ્યો. વિપક્ષ પણ ગુસ્સામાં હતો. ‘સુભાષની જાપાનથી મદદ લઈને ભારતમાં પ્રવેશવાની યોજના જાપાનના હાથમાં વેંચાઈ જવાની યોજના હતી.’ (‘Report of the one man commison of Inquiry into the disapperance of Netaji, 1974)’ ‘જાપાનીઓ શરૂઆતથી જ પોતાના હાથમાં કઠપૂતળાં તરીકે ઉપયોગ કરવા માગતા હતા. જાપાન કહે એટલું તેઓ કરે. એટલે રાસબિહારી બોઝ અને મોહનસિંહની જે સ્થિતિ થઈ તેવું જ (સુભાષનું) થયું.’ (અહેવાલ)
ખોસલાએ આવાં નિષ્કર્ષમાં આધાર લીધો પંડિત જવાહરલાલનો. વડા પ્રધાને શાહનવાઝ ખાનનાં પુસ્તકની પ્રસ્તાવના લખી હતી તેમાં જે રીતે વર્ણન કર્યું તે ખોસલાને આ અહેવાલમાં કામ આવ્યું. ‘જાપાન કંઈ ભારતની આઝાદી માટે આઇએનએને મદદ કરી રહ્યું નહોતું, તેને તો દક્ષિણ પૂર્વ એશિયા પર મિત્ર રાષ્ટ્રોની વિરુદ્ધમાં અસરકારક ઉપયોગ કરવો હતો આઝાદ ફોજનો.’
બ્રિટિશ-પ્રેમી ન્યાયમૂર્તિની આ જાપાન સામેની કૃતજ્ઞતા!
બીજી તરફ ટોકિયોમાં જ્યારે યુદ્ધ-અપરાધીઓનો મુકદમો બ્રિટિશરો ચલાવી રહ્યા હતા ત્યારે ત્યાં પીંજરામાં પૂર્વ જાપાની વડા પ્રધાન હિદેકી તોજો અને બીજા અફસરો બેઠા હતા. મિત્ર રાષ્ટ્રો તરફથી ન્યાયાલયે યુદ્ધ અપરાધીઓની નામાવલિ જાહેર કરી, તેમાં જ્યારે ‘નેતાજી સુભાષચંદ્ર’ નામ બોલાયું ત્યારે-
ત્યારે વડા પ્રધાન તોજો સહિત બધા જ યુદ્ધ અપરાધીઓ નેતાજીના સન્માનરૂપે ઊભા થઈ ગયા! મસ્તક ઝૂકાવ્યું! અને આ ભારતીય અંગ્રેજ પોતાના અહેવાલમાં નેતાજી અને જાપાનને ભાંડી રહ્યો હતો! અરે, યુદ્ધ પૂરું થયા પછી પણ જાપાન સરકારે જણાવ્યું હતુંઃ ‘કોઈ પણ પ્રકારની અવસરવાદિતા વિના, એક ‘આધ્યાત્મિક બંધન’’ સાથે નેતાજી, તમે નિપ્પોન (જાપાન) સરકારને સહયોગ અને નૈતિક તાકાત પૂરી પાડી તેને અમે સલામ કરીએ છીએ.’ (નેતાજી ઇન્કવાયરી રિપોર્ટ, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ૧૯૯૮)
ખોસલાને માટે એ પણ એક ઉપયોગિતાવાદી અવસર રહ્યો કે પાકિસ્તાનથી હબીબુર રહેમાને અગાઉ આપેલા નિવેદનથી વધુ કશું કહેવું નહોતું તેવી સૂચના આવી અને તાઈવાન સાથે રાજનયિક સંબંધ ન હોવાથી ત્યાં જઈ શકાય નહીં એમ ભારત સરકારે જણાવી દીધું. અટલ બિહારી વાજપેયી સહિતના ૨૮ સાંસદોના હસ્તાક્ષર સાથે સમરગુહાએ વડા પ્રધાનને જણાવ્યું કે તાઈવાન અગાઉ ઘણા અધિકારીઓ જઈ આવ્યા છે તો પછી તપાસ-પંચને મોકલવામાં શો વાંધો છે?
વાંધો હતો જ. તાઇવાનમાં ઉપલબ્ધ ફાઈલોમાં એ ‘સત્ય’ને નકારવામાં આવે કે ‘૧૯૪૫ની ૧૮ ઓગસ્ટે વિમાની દુર્ઘટના થઈ જ નહોતી અને નેતાજી તેમાં મૃત્યુ પામ્યા નહોતા, તો શું થાય?
સમર ગુહાએ વડા પ્રધાનને કહ્યુંઃ રાજનયિક સંબંધો નથી તો ઇન્ટેલિજન્સ વિભાગના ગુપ્ત સંબંધો કેમ છે?
૧૯૮૫નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ઇઝરાયેલથી શસ્ત્રો અને સૂચનાઓ આવ્યાં એ તાઈવાનના માધ્યમથી આવ્યાં હતાં...
ખોસલા આ અટપટી વ્યૂહરચનામાં ફસાઈ ગયા. સમર ગુહા તો તાઇવાન પણ જઈ આવ્યા. ખુદ ખોસલાએ અહેવાલમાં લખવું પડ્યું કે તાઇપેઇના સ્મશાને ગયા અને હરીન શાહનાં પુસ્તકમાં (પાન. નં. ૯૯) છપાયેલી તસવીર બતાવીને પૂછવામાં આવ્યું કે આમાં બતાવાયેલી વ્યક્તિને - તારા પિતાને - જાણો છો? પેલાએ ઘસીને ના પાડી દીધી.
પણ ખોસલાને સમર ગુહાની વાતને બદલી નાખવી હતી એટલે જે ‘સાક્ષી’ઓને તપાસ્યા તે ‘અનુકૂળ’ હતા તેવું જ આલેખન કર્યું! ગુહાનું કોણ સાંભળે? સમર ગુહાએ પોતાનાં પુસ્તકમાં લખ્યું છેઃ ‘૧૯૪૪માં આ જગ્યાએ એક વિમાની અકસ્માત થયો હતો તેનો સાક્ષી વાઇ. આર. સેંગ હતો, તેના સાથીદારોએ જ તે કાટમાળને સાફ કર્યો હતો. પણ વધુ પૂછપરછ કરતાં, તે પોતાના સાથીદારો સાથે છૂમંતર થઈ ગયો! ખરી વાત એ છે કે કમિટીના રિપોર્ટમાં વિમાન-દુર્ઘટનાની જે તસવીરો આપવામાં આવી હતી તે તો ૧૯૪૪ની એક ઘટનાની હતી!’
સંસદમાં ખોસલા-અહેવાલની ચર્ચા થાય તે પહેલાં ૧૯૭૫ની ૨૬ જૂને આંતરિક કટોકટી અને પ્રિસેન્સરશિપ લાદવામાં આવ્યાં. વિપક્ષી નેતાઓ - સમર ગુહા સમેત - ‘મીસા’ હેઠળ કારાગારમાં બંધ કરાયા.
દરમિયાન વિશ્વના ખૂણે કેટલાક સમાચારો તો આવતા જ રહ્યા. ‘ટ્રાન્સફર ઓફ પાવર’ના દસ્તાવેજોમાં એક વિભાગનું તો શીર્ષક જ હતુંઃ ‘યુદ્ધોત્તર ચરણ, લેબર સરકાર અને નવાં કાર્યો, ઓગસ્ટ ૧, ૧૯૪૫થી માર્ચ ૨૨, ૧૯૪૬.’
આમાં એક વિસ્ફોટક નોંધ સર ફ્રાન્સિસ મૂડીની હતી. બ્રિટિશ સરકારનો તે ગૃહમંત્રી હતો અને તેણે નેતાજી વિશેની સૂચના અને નિર્દેશ અંગત સચિવ સર ઈવાન મેરેડિથ જેન્કિન્સને આપ્યાં.
શું લખ્યું હતું, મૂડીએ? ‘ગૃહ ખાતાં માટે આગામી દિવસોમાં બેહદ જટિલ અને મહત્ત્વપૂર્ણ સવાલોમાંનો એક હશે - સુભાષચંદ્ર બોઝ.’
શું તેમને ભારત પાછા લાવવામાં આવે?
શું યુદ્ધ અપરાધી તરીકે સજા કરવામાં આવે?
આ તમામમાં સૌથી આસાન રસ્તો એ છે કે સુભાષ બોઝને તેમના હાલ પર છોડી દેવામાં આવે. તેમને ‘છોડાવવા’ની માગણી પર દબાણ કરવામાં ન આવે. પરિસ્થિતિ એવી પણ ઊભી થઈ શકે છે કે રશિયનો તેમનું સ્વાગત કરે - અને રાજકીય રીતે એ જ રસ્તો ઉપયુક્ત રહે. પણ કેટલાક સુરક્ષા અધિકારીઓ એવું વિચારે છે કે બોઝની રશિયામાં ઉપસ્થિતિ સૌથી વધુ ખતરનાક હાલત પેદા કરી શકે છે એટલે તે વિકલ્પ ઠીક નથી. (ટોપ સિક્રેટ અને ક્લોઝર ટુ નં. ૫૭, ટ્રાન્સફર ઓફ પાવ વોલ્યુમ ૬, લંડન)
એક બીજી સામગ્રી સમર ગુહાએ સંસદમાં પ્રસ્તુત કરી. ૨૫ ઓક્ટોબર, ૧૯૪૫ના તત્કાલીન વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીના પ્રમુખપદે એક બેઠક ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં થઈ. તેની નોંધમાં જણાવાયું કે વિશ્વમાં આપણા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વિદ્રોહી સુભાષચંદ્ર બોઝ છે.
ગૃહમંત્રી ચરણસિંહ કોઈ નિર્ણય ન લઈ શક્યા એટલે ગુહા સીધા વડા પ્રધાન મોરારજીભાઈને મળ્યા. ખુદ રાષ્ટ્રપતિ સંજીવ રેડ્ડીએ સંસદના સેન્ટ્રલ હોલમાં નેતાજીનું ચિત્ર ખૂલ્યું મૂકતાં કહ્યુંઃ ‘કેટલાક લોકો માને છે કે નેતાજી જીવિત છે. કાશ, આ વાત પર હું વિશ્વાસ કરી શકું. જો તે જીવિત છે તો કોઈ એક દિવસે ભલે, આપણી વચ્ચે આવશે.’
દરમિયાન ભારતના પૂર્વ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને ઇંગ્લેન્ડમાં ભારતના રાજદૂત એન.જી.ગોરે એ પત્ર લખ્યો, ‘તમે તો ૧૯૪૦ના દશકમાં ભારત અને બર્મા મોરચાની તમામ પરિસ્થિતિના સાક્ષી છો.’ લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયરની ‘ફ્રિડમ એટ મિડ નાઇટ’માં માઉન્ટબેટનની પ્રતિભા વધુ તેજસ્વી લાગે તેવી લેખિની હતી. ખુદ માઉન્ટબેટન તમામ દસ્તાવેજો ચકાસીને આ લેખકોને મદદ કરતા.
-તો બર્મા મોરચે બ્રિટિશ જપાન અને આઝાદ ફોજના જંગના એ દિવસોમાં નેતાજી સુભાષ સિંગાપુરથી નિકળ્યા ત્યારે તેમનું ભવિષ્ય કેવું સરજાયું તે પણ આ ‘બ્રિટિશ દંતકથાના મહાપુરુષ’ને ખબર ન હોય એવું કેમ બને?
ગોરેએ તદ્દન સ્પષ્ટ ભાષામાં લખ્યુંઃ ‘તમને એવું લાગશે કે દટાયેલાં મડદાંને ઉખેળવાનો અર્થ શો? હું કહીશ કે તેનો અર્થ છે. કારણ કે ભારતમાં આજે ય આશંકા છે કે બોઝે રશિયામાં શરણાગતિ લીધાની હકીકતથી તમે, રશિયન સરકાર અને નેહરુ ત્રણે વાકેફ હતા. છતાં તમે આ વિશે ચૂપ રહ્યા છો. કારણ કે બ્રિટન તેનો જૂના મિત્ર (રશિયા)ને નારાજ કરવા માગતું નથી અને જવાહરલાલ તેમના પ્રતિસ્પર્ધીને ઇચ્છતા નહોતા. (ધી સ્ટેટ્સમેન, ૯ માર્ચ, ૧૯૭૮).’
માઉન્ટબેટને ચતુરાઈપૂર્વક જવાબ આપ્યોઃ ‘મારા દસ્તાવેજી સંગ્રહમાં સુભાષચંદ્ર બોઝના આધિકારિક મૃક્યુ વિષે કોઈ દસ્તાવેજ નથી.’
સમર ગુહાનો પડકાર અસામાન્ય હતો. ‘નેતાજીઃ ડેડ ઓર એલાઇવ?’ પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું હતું, ‘મારી પાસે તેમના જીવિત હોવાની મહત્ત્વ વિગતો છે.’
ખોસલાનાં પુસ્તકમાં નેતાજીની બદનામીનો ઉકરડો હતો તેમની સામે નેતાજીના ભત્રીજા દ્વિજેન્દ્રનાથ બોઝે બદનક્ષીનો દાવો કર્યો તો આ સેવાનિવૃત્ત હાઇકોર્ટ ન્યાયાધિશે કોલકાતાના ન્યાયાલયમાં પોતાની ભૂલ સ્વીકારવી પડી.
સમરગુહા-મોરારજી મુલાકાત પણ રસપ્રદ હતી.
મોરારજીભાઈઃ પણ હું અગાઉની સરકારનો નિર્ણય કંઈ રીતે બદલાવી શકું? તમે વારંવાર કહી રહ્યા છો કે સુભાષબાબુ જીવતા છે, જીવતા છે. જો ૧૯૪૬માં તેઓ દેશમાં પાછા ફર્યા હોત તેમનું સ્થાન કોઈ બીજાનું રહ્યું ન હોત. ન નેહરુ, ન નેહરુ પરિવારના સભ્યનું!’
૨૮, ઓગસ્ટ, ૧૯૭૮ સંસદમાં મોરારજીભાઈએ કહ્યુંઃ હું ભલે મારા મિત્ર સમર ગુહાથી અલગ વિચારતો હોઉં, પણ તેમની નિષ્ઠા પર મને ક્યારેય આશંકા નથી. જે ઇમાનદારીથી તેઓ આ મુદ્દાને આગળ ચલાવે છે તે વખાણવાલાયક છે... પણ, આપણે તથ્યો પર પણ ધ્યાન આપવું પડશે અને તે પ્રમાણે ચાલવું પડશે.
દરમિયાન સમર ગુહા તો એક પછી એક વિસ્ફોટ સર્જતા રહ્યા. રાજસ્થાન ઉચ્ચ અદાલતમાં નંદલાલ શર્માની અરજી પર વિચાર આગળ ચાલ્યો. સરકારોને અદાલતે નોટિસ મોકલી, છ મહિના મુદત આપી. ૧૯૮૩માં સમર ગુહાનાં પુસ્તકનું લોકાર્પણ વડા પ્રધાન મોરારજીભાઈએ કર્યું. સમર ગુહા સંસદમાં પ્રસ્તાવ તેમના કહેવાથી પાછો ખેંચ્યો હતો તેનું મોરારજીભાઈને સ્મરણ હતું. તેમણે એ સમારોહમાં કહ્યુંઃ ‘હું એ વિવાદમાં પડવા માગતો નથી કે નેતાજી જાવતા છે યા નહીં. હા, મેં સાંભળ્યું છે કે તેમણે સંન્યાસ લીધો છે..’
ઘટનાઓ કાચબાગતિથી ચાલતી રહી.
૧૯૯૨માં કેન્દ્રની કોંગ્રેસ સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝને ‘ભારત રત્ન’થી નવાજિત કરવાની ઘોષણા કરી. પુત્રી અનિતા પફે જવાબ આપ્યોઃ મારા પિતાને તો આ સન્માન ઘણા વર્ષો પૂર્વે - સૌથી પહેલાં - આપવું જોઈતું હતું.
બોઝ પરિવારે તે પરત કર્યુંઃ ૧૯૯૩માં સુપ્રીમ કોર્ટમાં પ. બંગાળથી એક અપીલ દાખલ થઈ, ચાર વર્ષ ચાલી. તેમાં બિજાન ઘોષે જણાવ્યું હતું કે નેતાજી જીવંત હોય તો સ-સમ્માન પાછા લાવવામાં આવે અને મૃત્યુ પામ્યા હોય તો સ્થાન, પરિસ્થિતિ, અંતિમ સંસ્કારની સંપૂર્ણ વિગતો આપવામાં આવે.
આનો ચુકાદો ૧૯૯૭માં આવ્યો. તેમાં આ મુદ્દા પર મતભેદ છે એટલું સ્વીકારવામાં આવ્યું.
એક વિસ્ફોટ બંગભૂમિ પર થયો.
ડો. પૂર્વી રોય.
જાદવપુર યુનિવર્સિટીનાં અધ્યાપક. સામ્યવાદી નેતા સ્વ. કલ્યાણ શંકર રાયનાં પત્ની અને રશિયન ભાષાનાં વિદ્વાન. તેમણે રશિયન મિત્ર નિષ્ણાતો સાથે મળીને રશિયાના દસ્તાવેજો ફંફોસ્યા. ‘નેતાજી ઇન રશિયા’ પુસ્તકમાં તેમની અપાર જહેમત પ્રકટ થઈ.
ફોરવર્ડ બ્લોકના નેતા ચિત્તા બસુ, જયંત રાય અને તત્કાલીન રશિયન અકાદમી ઓફ નેચરલ સાયન્સના વડા - જે પૂર્વ સૈનિક અફસર પણ રહીં ચૂક્યા હતા તે - એલેક્ઝાન્ડર કોલેસ્નિકોવે કેટલીક વર્ગીકૃત ફાઈલોના આધારે કહ્યું કે નેતાજીનાં રશિયામાં હોવા વિશે સોવિયેત પોલિટ બ્યૂરોના સભ્યો - વોરોશિલોવ, વિશુન્સ્કી, મિકોયાન અને મોલોટોવની વચ્ચે પણ એક મુદ્દા પર ચર્ચા થઈ હતી. મુદ્દો એ હતો કે નેતાજીને સોવિયેત યુનિયનમાં રહેવા દેવા જોઈએ કે નહીં?
સૂચન એ હતું કે ભારત સરકારે આ તમામ દસ્તાવેજો ચકાસવા જોઈએ.
કોલેસ્નિકોવે તો રશિયન અખબારમાં લેખ પણ લખ્યો. તેમણે તેમાં કહ્યું કે આ પ્રશ્ન ભારત-રશિયન સંબંધોનું સૌથી મહત્ત્વનું રહસ્ય-બિંદુ છે.
પૂર્વી રોયે આ ‘દસ્તાવેજી લડાઈ’ અવિરત જારી રાખી. પોતે રશિયા જઈને સંશોધન કરવાની તૈયારી દર્શાવી.
અદાલતોમાં એક પછી એક યાચિકાઓ.
સંસદમાં ચર્ચા.
નિવેદનો. પત્રો. સભાઓ.
એપ્રિલ ૧૯૯૮માં અદાલતે જણાવ્યું કે રેંકોજી દેવળમાં રહેલાં અસ્થિ નેતાજીનાં છે કે નહીં તેની પૂરી તપાસ સરકારે કરવી જોઈએ અને જરૂર પડે તો એક વધુ તપાસ પંચની નિયુક્તિ કરવામાં આવે.
૧૯૯૮માં અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા.
માર્ચ ૧૯૯૯માં કેન્દ્ર સરકારે એક વધુ તપાસ પંચ નિયુક્ત કર્યું. તેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ મનોજકુમાર મુખર્જીનું નામ ઘોષિત કરાયું.
અંગ્રેજી અખબારો - સ્ટેટ્સમેન, ટેલિગ્રાફ, જેએનયુના અધ્યાપકો, દિલ્હી યુનિ.ના ‘ઇતિહાસકાર’ વગેરેએ આ પંચને સમય અને નાણાંની બરબાદી ગણાવ્યું.
પણ, જસ્ટિસ મુખરજીએ આ તપાસપંચમાં - સરકારી વિભાગોની ભારે અડચણ વચ્ચે - જેટલી સુવિધા પ્રાપ્ત થઈ અને જેવો સહકાર મળ્યો તેના આધારે - એક ઐતિહાસિક તથ્ય પ્રસ્તુત કર્યું જે નેહરુ-ઇન્દિરાકાલીન તપાસપંચોએ કર્યું નહોતું.
જસ્ટિસ મુખરજીએ અદષ્ટ ડંકાની ટોચ પર ઘોષિત કર્યું - અને પૂરતાં પ્રમાણો સાથે - કે.
૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ની કોઈ વિમાની દુર્ઘટના જ થઈ નહોતી અને તેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું નહોતું.
જસ્ટીસ મુખરજી તપાસપંચની વિગતે વિચારણા કરવા જેવી રહી.
આ અહેવાલ કુલ ત્રણ ગ્રંથોમાં છે. પ્રથમ ગ્રંથમાં ૩૦૩ પાનાંમાં વિગતો અને પરિશિષ્ટ છે. બીજા ભાગમાં ૩૨૯ પાનાં અને ત્રીજામાં બીજાં ૧૯૫ પાનાં છે.
(ક્રમશઃ)

