હોલિકોત્સવ એટલે કે હોળી ફાગણ સુદ પૂનમને દિવસે (આ વર્ષે ૧૨ માર્ચ) ઉજવવામાં આવે છે. આ ઉત્સવ બે દિવસનો હોય છે. પ્રથમ દિવસે સંધ્યા કાળે હોળી પ્રગટાવાય છે તો પછીના દિવસે રંગોત્સવનું પર્વ ધુળેટી મનાવાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં વૈવિધ્યપૂર્ણ ઉત્સવોની હારમાળા છે. હોળીનો ઉત્સવ રંગોના ઉત્સવ તરીકે પણ જાણીતો છે. આ ઉત્સવ સમાજના નાના-મોટા તમામ ઉંમરના અને વર્ગના લોકો હળીમળીને ઉજવે છે.
હોળીનો ઉત્સવ ઉજવવા પાછળ પણ પ્રસિદ્ધ પૌરાણિક કથા રહેલી છે. હિરણ્યકશિપુ નામનો અસુર તેના નામ જેવા ગુણો ધરાવતો હતો. તે હિરણ્ય એટલે કે સોનું અર્થાત્ ભોગવિલાસમાં જ રાચતો હતો. તેની રાક્ષસીવૃત્તિઓને કારણે તમામ લોકો તેનાથી ત્રસ્ત હતા. આ દૈત્યરાજે એક કાળ ચોઘડિયે વસંતોત્સવ માટે મનાઈ ફરમાવી હતી. તે ભક્તિનો કટ્ટર વિરોધી હતો અને ભગવાનનું નામ લેનારને સખત દંડ ફટકારતો હતો. તે પોતાની જાતને ભગવાન માનતો હતો અને અન્ય પાસે પણ બળજબરીથી મનાવડાવતો હતો. તે પ્રજા પર ત્રાસ ગુજારતો હતો. લોકો ભગવાનનું નામ લેતા પણ ડરતાં હતાં. જેમ દુર્ગંધયુક્ત કાદવમાં કમળ ખીલે તેમ હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. પુત્ર પ્રહલાદ બોલતા શીખ્યો ત્યારથી ભગવાન વિષ્ણુના નામનું રટણ કરવા લાગ્યો. વ્યવહારમાં ક્રૂર હિરણ્યકશિપુએ પ્રેમ દર્શાવીને પ્રહલાદને કહ્યું ઃ ‘બેટા! તું પ્રભુ-નામસ્મરણ, પૂજા-પાઠ વગેરે ત્યજી દે, મને એ પસંદ નથી. મેં સમગ્ર રાજ્યમાં પ્રભુનું નામ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.’
પ્રહલાદે પ્રત્યુત્તર આપતા કહ્યું ઃ ‘પિતાજી! આ માનવદેહ તો ક્ષણભંગુર છે. મૃત્યુ નિશ્ચિત છે, તેથી નામ-સ્મરણ કે પૂજા-પાઠ કરવા બદલ મને મૃત્યુ મળશે તો પણ સહર્ષ સ્વીકારી લઈશ, પણ પ્રભુનું નામ નહીં જ મૂકું.’ હિરણ્યકશિપુમાંનો પિતા પરાજ્ય પામ્યો. લાખ પ્રયત્નો છતાં તેણે ભગવાનનું નામ રટવાનું ન છોડ્યું. તે ભગવાનનું નામ ન લે તે માટે કરેલા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. પ્રહલાદે ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી નહીં. દૈત્યરાજ ક્રૂર સ્વરૂપે બહાર આવ્યો કારણ કે પિતાની કાકલૂદીભરી વાણી પુત્રે કાને ન ધરી. આથી તેને મારવા માટે હિરણ્યકશિપુએ ઘણાં પ્રયત્ન કર્યા.
તેણે પ્રહલાદને ઊંચા કિલ્લા પરથી નીચે ફેંકી દેવા હુકમ કર્યો, પરંતુ પ્રભુએ પ્રહલાદને ફુલની જેમ ઊંચકી લીધો. ખોરાકમાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારવા કોશિશ કરી, પણ એ ઝેર અમૃતમાં ફેરવાઈ ગયું. હાથીના પગ તળે કચડી નાખવા પ્રબંધ કર્યો, પણ હાથીએ તેને ઊંચકીને પોતાની ગરદન પર બેસાડી દીધો. બધા જ પ્રયત્નો નિષ્ફળ નિવડતાં હિરણ્યકશિપુ વ્યગ્રતા અને હતાશાની ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયો ત્યારે, પ્રહલાદની ફોઈ હોલિકાએ તેને મારવા માટેનું બીડું ઝડપ્યું. તેને શિવજીનું એવું વરદાન હતું કે તેને સાક્ષાત અગ્નિ પણ બાળી શકશે નહીં. વિષ્ણુભક્ત પ્રહલાદનો નાશ કરવા માટે તેને પોતાના ખોળામાં લઈને છાણાં-લાકડાં ગોઠવીને બનાવેલી હોળી પર બેસી ગઈ અને હોળીને આગ લગાવવા કહ્યું. હોલિકાનું દહન થયું અને વિષ્ણુભક્ત પ્રહલાદ હેમખેમ રહ્યો.
અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભગવાન શંકરે હોલિકાને વરદાન આપ્યું હતું કે તે રોગથી ન મરે, શસ્ત્રથી ન મરે, દિવસે કે રાત્રે ન મરે તો પછી આ આપેલું વરદાન શા માટે એળે ગયું?
આનો ઉત્તર એ છે કે હોલિકાની ભક્તિ નિષ્કામ નહીં, પણ સકામ ભક્તિ હતી. સકામ ભક્તિ એટલે કોઈ મનોકામનાની પરિતૃપ્તિના આશય સાથે કરાયેલી ભક્તિ. આથી હોલિકાનું માગીને મેળવેલું ઇચ્છિત વરદાન એળે ગયું. દિવસે કે રાત્રે નહિ, પરંતુ સંધ્યાકાળે પ્રગટાવેલી જ્વાળા હોલિકાને ભરખી ગઈ. ભગવાન શંકરે અનિચ્છાએ આપેલું સકામ ભક્તિનું ફળ આપમેળે વિનાશને વરી ગયું.
વિષ્ણુભક્ત પ્રહલાદનો નાશ ઇચ્છતી હોલિકા એક ઇશ્વરવિરોધી તત્ત્વ હોવા છતાં પણ આપણે શા માટે તેનું પૂજન કરીએ છીએ? પ્રશ્નનો ઉત્તર સાવ સરળ છે. જે દિવસે હોલિકા પ્રહલાદને બાળવાની હતી તે દિવસે લોકોએ પોતાના ઘરે અગ્નિ પ્રગટાવીને પ્રાર્થના કરી હતી કે તે પ્રહલાદને ન બાળે કારણ કે પ્રહલાદ તેનો ઉદ્ધારક હતો. અગ્નિદેવે લોકોની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને પ્રહલાદને બદલે હોલિકાનો નાશ કર્યો.
આખરે અનિષ્ટ પર નિષ્ટનો વિજય થયો તેથી સમાજમાં સૌ સ્મૃતિરૂપે સંધ્યા સમયે હોળી પ્રગટાવે છે. આપણે જ્યારે હોળીની પ્રદક્ષિણા કરીએ છીએ તે ખરેખર તો અગ્નિદેવનું પૂજન છે. આપણે હોળીનું પૂજન કરતા સમયે પ્રાર્થના કરીએ છીએ કે હે અગ્નિદેવ, અમારામાં રહેલ અહં, મોહ, ખોટો ભોગવિલાસ, વિકૃતિ, સ્વાર્થવૃત્તિ વગેરે આસુરી તત્ત્વોને બાળી નાખો અને સદવૃત્તિને બચાવો જેથી અમો પ્રભુ ભક્તિમય બનીને જીવનમાં વૈવિધ્યરંગી રંગોને માણી શકીએ. અગ્નિની હોળીમાં ભક્ત પ્રહલાદ બચી જવાથી અને હોલિકાનો નાશ થવાથી હર્ષઘેલા લોકો રંગોથી એકબીજાને રંગીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે.
હુતાશનીનું વ્રત કરનાર હોળીનું પૂજન કરે છે. ખજૂર, ધાણી, અને દાળિયાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે. નાળિયેર વધેરવામાં આવે છે. હોળી પ્રગટાવવાથી વાતાવરણ વિશુદ્ધ થાય છે. કેસૂડાનાં ફૂલો ઘોળીને તૈયાર કરવામાં આવેલ રંગ કે અબીલ-ગુલાલની છોળો માનવજીવનમાં સંતૃપ્તિ, સંતોષ અને આનંદની લહેરો ભરી શકે છે. યુવાન હૈયાઓ, સગાં-સંબંધીઓ અન્યોન્ય સંબંધોમાં રંગનાં મેઘધનુષ્યો પૂરે છે. આ રંગોત્સવનું પણ અનેરું અને અનોખું સામાજિક મહત્ત્વ છે. આ દિવસે દિયર-ભોજાઈ વચ્ચેના રંગોત્સવને વિશેષ મહત્ત્વ અપાયું છે, જેથી કરીને સાહજિક નૈતિક સ્ખલનને પણ ક્યારેય અવકાશ ન રહે અને પરિતૃપ્તિ કેવળ
પવિત્ર જ બની રહે એ આપણે જોવાનું છે. આ રંગોત્સવ કે હોલિકાત્સવ કલુષિત ન બને એ જોવાનું છે, અનિષ્ટનું દહન કરીને સમાજે નિષ્ટનું જતન કરવાનું છે.

