હેરતભર્યા રાજકીય નાટકનું સસ્પેન્સ

સી. બી. પટેલ Wednesday 09th August 2017 06:51 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારતીય બંધારણ અનુસાર સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની ૨૪૫ બેઠક છે જેમાંથી ૨૩૩ ચૂંટાયેલા સભ્ય છે અને ૧૨ સભ્યને નિયુક્ત કરવામાં આવે છે. રાજ્યસભાના સભ્યની મુદત ૬ વર્ષની હોય છે. ગુજરાત રાજ્યની રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણી આઠ ઓગસ્ટે યોજાઈ હતી અને ભારતીય સમય મુજબ રાત્રે ૯ કલાકે પણ તેની ચૂંટણીની મડાગાંઠ ન ઉકેલાતા એક બેઠક માટે કશ્મકશ જારી રહી છે અને સસ્પેન્સનો અંત આવ્યો નથી. ગુજરાતના વિધાનસભ્યો દ્વારા રાજ્યસભાના ત્રણ સાંસદની ચૂંટણી કરવાની રહે છે. ત્રણ સપ્તાહ અગાઉ વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યબળને ધ્યાનમાં લઈએ તો ભાજપના બે અને કોંગ્રેસના એક ઉમેદવાર ચૂંટાઈ આવે તેવું નિશ્ચિત ગણિત હતું. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીના વરિષ્ઠ રાજકીય સલાહકારોમાં પણ અગ્ર ગણાતા અહમદ પટેલ સતત ચાર ટર્મથી રાજ્યસભાના સભ્ય છે અને પાંચમી ટર્મ માટે તેમની ઉમેદવારીએ મંગળવાર આઠ ઓગસ્ટની ચૂંટણીમાં સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ધારાસભ્યોએ મત તો આપી દીધા છે પરંતુ, પરિણામનો દડો આડો અવળો ફેંકાતા છેક દિલ્હીના નિર્વાચન ભવનમાં પહોંચ્યો છે. 

પરિણામ ગમે તે આવશે પરંતુ, કોંગ્રેસ હવે ભારે મુશ્કેલીમાં છે. શાસક પક્ષ ભાજપ લગભગ તમામ વિરોધ પક્ષોના સાંસદો, ધારાસભ્યો અને અન્ય નેતાઓને આકર્ષી રહ્યો છે.

જો જીતા વો સિકંદર

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અસાધારણ વિજય હાંસલ કર્યા પછી બિહારમાં પણ તે શાસક ગઠબંધનનો સભ્ય બની ગયો છે. સારા અને કાબેલ વહીવટકાર તેમજ પ્રામાણિકતાની સ્વચ્છ છબી ધરાવતા નીતિશકુમાર પોતાના હિતોને માફક આવતું હોય તેમ રાજકીય સંબંધો બાંધવા માટે પંકાયેલા છે. ચાર વર્ષ અગાઉ ૨૦૧૪ની સંસદીય ચૂંટણી માટે પ્રચાર અભિયાનનું સુકાન નરેન્દ્ર મોદીને સોંપી તેમનું રાજકીય કદ વધારાતા નારાજ નીતિશકુમારે ભાજપ સાથે ૨૦ વર્ષનું રાજકીય ગઠબંધન તોડવામાં જરા પણ ખચકાટ અનુભવ્યો ન હતો. તેમણે ભાજપ/જદયુ ગઠબંધન તોડી પોતાના કટ્ટર શસ્ત્રુ રાજદના લાલુપ્રસાદ યાદવ, કોંગ્રેસ અને અન્ય ડાબેરી પક્ષો સાથે હાથ મિલાવી સગવડિયું મહાગઠબંધન રચી બિહારમાં સત્તા હાંસલ કરી હતી. જે ગતિએ રાજકીય આટાપાટા રમાયા હતા અને રંગ બદલાયા હતા તેનાથી તો કાચિંડાઓ પણ શરમાઈ ગયા હોત.
ગત થોડા વર્ષોમાં જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ તેમાં પંજાબના અપવાદ સિવાય ભાજપની સરકારો રચાઈ ત્યારે સમૂળી અલગ જ પરિસ્થિતિ સર્જાઈ હતી. લાલુ પ્રસાદ યાદવના પુત્રો અને અન્ય પરિવારજનો સામે નાણાકીય ભ્રષ્ટાચાર અને બેહિસાબ સંપત્તિના આક્ષેપો થયા અને તેમની સામે એફઆઈઆર ઘડાવાની હતી તે હાલતમાં નીતિશકુમાર રાજદની સાથે રહી શકે તેમ જ ન હતા. બિહારની મહાગઠબંધન સરકારમાં મોટા હોદ્દાઓ ભોગવતા રાજદ સાથે એલાયન્સ ચાલુ રાખવાનું નીતિશકુમારના હિતમાં ન હતું.
નીતિશકુમારે ૨૨ જુલાઈએ રાજદ સાથે છેડો ફાડી મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપી દીધું પરંતુ બીજા જ દિવસે સરકારના નવા પાર્ટનર ભાજપને સાથે બેસાડી મુખ્યપ્રધાન પદના શપથ પણ લઈ લીધા. આ પછી તો સમગ્ર ભારતમાં ભાજપ સાથે જોડાઈ જવા ભારે દોડ મચી છે, જાણે કે નદીમાં ભારે પૂર આવ્યું હોય.

ગુજરાતમાં રાજકીય ધરતીકંપ

લગભગ ત્રીસ વર્ષ સુધી નરેન્દ્ર મોદીના સાથી અને રાજકીય ગુરુ રહેલા તેમજ ગુજરાત રાજ્યમાં ભાજપને વ્યાપક રાજકીય મશીનરી તરીકે સ્થાપિત કરવામાં સંગઠન શક્તિમાં માહેર શંકરસિંહ વાઘેલા છેક ૧૯૯૦થી ભાજપ સાથે સંઘર્ષમાં હતાં. તેમણે ૧૯૯૬માં કેશુભાઈની ભાજપ સરકાર સામે બળવાનું માસ્ટર આયોજન કરીને ગુજરાત ભાજપના કેટલાક ધારાસભ્યોને રાતોરાત ચાર્ટર્ડ પ્લેનમાં મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં મોકલી આપ્યા હતા અને ગુજરાતમાં ભાજપની સરકારને પછાડી હતી. આ પછીના સમયગાળામાં શંકરસિંહના બે સાથીઓ ટકાઉ સરકાર આપવામાં નિષ્ફળ ગયા ત્યારે તેમણે પરિસ્થિતિનો દોર પોતાના હાથમાં લઈ પોતાની દીર્ઘકાલીન શત્રુ જેવી કોંગ્રેસ પાર્ટી સાથે હાથ મીલાવી દીધા અને પોતે જ મુખ્યપ્રધાન બની ગયા. એક કરતાં પણ ઓછા વર્ષમાં તેમણે મુખ્યપ્રધાન પદેથી જવું પડ્યું અને ગુજરાત વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઈ અને કેશુભાઈ પટેલ પછી નરેન્દ્ર મોદી પર મુખ્ય પ્રધાનનો તાજ મૂકવામાં આવ્યો હતો. આ પછી તો શંકરસિંહ વાઘેલા ગુજરાત કોંગ્રેસના સર્વશક્તિમાન નેતા બની ગયા હતા. જોકે દિલ્હીમાં સોનિયા ગાંધી, અહેમદ પટેલ તથા અન્ય નેતાઓ ભાજપ અને આરએસએસ પ્રતિ શંકરસિંહની વફાદારીના મુદ્દે હંમેશાં શંકાશીલ રહ્યાં હતા. પરિણામે થોડાં મહિનામાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં તેમને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં ન આવ્યા.

શંકરસિંહે મોટો ધડાકો કર્યો

ત્રણ સપ્તાહ અગાઉ શંકરસિંહની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી કરવા આશરે ૧૦,૦૦૦ જેટલા મહેમાનો તેમના ગાંધીનગર સ્થિત ફાર્મ હાઉસમાં એકત્ર થયા ત્યારે તેમણે એટલી બધી ફરીયાદો સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી પોતાના રાજીનામાની જાહેરાત કરી કે તેમના ભૂતકાળના સાથીઓ પણ ગૂંચવાડામાં મૂકાઈ ગયા હતા. આ દરમિયાન ગુજરાતમાંથી રાજ્યસભાના ત્રણ સભ્યોની ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર થઈ ગયું હતું. રાજ્ય વિધાનસભાના ૧૮૨ સભ્ય તેના મતદાર હતા. સાદી ગણતરી મૂકીએ બે બેઠક ભાજપને ફાળે અને એક બેઠક કોંગ્રેસના ફાળે જવી નિશ્ચિત હતી પરંતુ આ સમય જુદો હતો તે પછી કોંગ્રેસના ૬ ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપ્યું અને વધુ બે સભ્યોએ જાહેરાત કરી કે તેઓ એહમદ પટેલને મત નહીં આપે. છેલ્લા થોડાં દિવસોમાં તો એનસીપીના બે સભ્યો અને જદયુના એક સભ્ય પણ ભાજપને પોતાનો ટેકો જાહેર કરી દીધો. આ બધા રાજકીય દાવપેચનું મહત્ત્વ એ હતું કે એહમદ પટેલનો વિજય અથવા પરાજય અવઢવમાં મૂકાઈ ગયો હતો. મંગળવારે સવારે મતદાનનો આરંભ થયો અને બપોર પછી પૂર્ણ પણ થયો પરંતુ કેટલીક ટેકનીકલ બાબતો ઉઠાવીને કોંગ્રેસ પાર્ટીએ ઈલેકશન કમિશનનો સંપર્ક સાધ્યો છે. રાજ્યસભામાં ચૂંટાયેલા ૨૩૩ સભ્યમાંથી એક બેઠક કોંગ્રેસ પક્ષ માટે મોટી કટોકટી ઊભી કરી રહી છે.

આ વખતે બેંગ્લોર રિસોર્ટનો વારો

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના બાકી રહેલા ૪૪ સભ્યો એહમદ પટેલને વફાદાર રહે તેની ચોકસાઈ માટે કોંગ્રેસ પાર્ટીએ ૧૦ દિવસ અગાઉ જ અચાનક તેમને કર્ણાટકના બેંગ્લોર નજીક ભવ્ય રીસોર્ટ ઇગલટન ગોલ્ફ વિલેજની સેર કરાવવા વિમાન દ્વારા લઈ જવાનું ગોઠવ્યું. દેશના કુલ ૨૯ રાજ્યોમાંથી કોંગ્રેસ પાર્ટી સત્તા પર હોય તેવું એક રાજ્ય કર્ણાટક છે. કોંગ્રેસે ખુલાસો તો એવો કર્યો કે ભાજપ તેમના ‘બાહુબળ’ અથવા ‘નાણાબળ’નો ઉપયોગ કરી આ સભ્યોને પોતાની તરફ ખેંચી જવામાં સફળ ન થાય તે માટે ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવાયા છે. પરિસ્થિતિ તો એવી વિચિત્ર હતી કે ઈગલટન ખાતે આ ધારાસભ્યો સોના, ટેનિસ કોર્ટસ, ક્લબ્સ અને અન્ય ભવ્ય સુવિધાઓનો ઉપયોગ કરવા મુક્ત હતા પરંતુ ભાજપનો ભય એવો હતો કે તેમનો અવાજ પણ ન સંભળાય તે માટે મોબાઈલ ફોન જપ્ત કરી લેવાયા હતા.
જોકે આધુનિક ટેકનોલોજી વડે કોંગ્રેસે તેમના ટેલિફોન વાર્તાલાપ ઉપર દેખરેખ રાખી રેકોર્ડીંગ પણ કર્યું હોય તો જરા પણ વાંધો ન આવે તેવું ન હતું અને આવી કોઈ પ્રવૃત્તિ બદલ ભાજપને ફસાવી પણ શકાય તેમ હતું. એક અતિ વિચિત્ર છતાં દુઃખદ હકીકત એ હતી આ ૪૪ સભ્યોમાં કેટલાક તો ગુજરાતની બનાસકાંઠા અને સાબરકાંઠા મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. ગુજરાતના ભારે પૂરના કારણે ઓછામાં ઓછાં ૨૫૦ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા હતા તેમાંથી મોટાભાગના આ વિસ્તારોના લોકો હતા.

એક રિસોર્ટમાંથી બીજા રિસોર્ટ સુધીની સફર

કોંગ્રેસના ૪૪ ‘કેદી’ ધારાસભ્યોને બેંગ્લોરના ઈગલટન ગોલ્ફ વિલેજથી હવાઈમાર્ગે આણંદ જિલ્લાના નિજાનંદ રિસોર્ટમાં લવાયા હતા. બ્રિટનસ્થિત એનઆરઆઈઓની માલિકી ધરાવતું નિજાનંદ રિસોર્ટ વૈભવી અને આરામપ્રદ હોવા છતાં રાજ્યમાં પ્રોહિબિશન હોવાના કારણે મહેમાનોને શરાબની રેલમછેલ જોવા મળી નહીં.
મંગળવારે સવારે આ ધારાસભ્યોને ગાંધીનગર લઈ જવાયા અને તેમણે મતદાન કર્યું. પરંતુ એહમદ પટેલની બેઠકને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ જે કાંઈ ધમપછાડા કર્યા તેનો સુખદ અંત આવવાના બદલે આ રાજકીય નાટક વધુ લંબાઈ ગયું છે.

જો હરાવી ન શકો તો સાથ મેળવી લો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ૩ વર્ષ અને ૩ મહિનાનો સમયગાળો પૂર્ણ કર્યો છે. સામાન્ય રીતે લોકશાહીમાં આ સમયગાળામાં શાસક પક્ષે સરકારવિરોધી પરિબળનો સામનો કરવો પડે છે. તાજેતરમાં પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા કરાયેલા પોલમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ૭૨ થી ૭૪ ટકા જેટલી જોવા મળી હતી. આમ શા માટે? ઈન્ડિયા ટુડેના ડેપ્યુટી એડિટર ઉદય મહુરકરના પુસ્તક ‘Marching with A Billion: Analysing Narendra Modi's Government at midterm’માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સ્થાપક અને એક્ઝીક્યુટીવ ચેરમેન ક્લાઉસ સ્વાબ દ્વારા રસપ્રદ આમુખ લખાયું છે. તેમણે સારા નેતાની ચાર ક્વોલિટીનું વર્ણન કર્યું છે જેમાં ‘Brains, Soul, Heart and Good Nerves’નો સમાવેશ કર્યો છે. કલાઉસ સ્લાબના મતાનુસાર વિશ્વના ગણ્યાંગાઠ્યા નેતાઓ આ તમામ ચાર ગુણો ધરાવે છે અને નરેન્દ્ર મોદી તેમાંના એક છે.

મોદીની ઝળહળતી સિદ્ધિઓ

ભારતની પ્રજા મોદી સરકાર દ્વારા લેવાયેલી અનેક પહેલોથી પ્રભાવિત થઈ રહી છે જેના પરિણામે ઉપરના સ્થળે પારદર્શિતા આવી છે અને ભ્રષ્ટાચાર અટક્યો છે. આ સાથે કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકારમાં જે પ્રકારની જડતા કે નિષ્ક્રિયતા જોવા મળતી હતી તે દેખાતી નથી. મોદી સરકાર દ્વારા ફિસકલ મેનેજમેન્ટ હાથ ધરાયું છે. જેના વડે ખાધમાં ઘટાડો, ફુગાવા પર અંકુશ, એફડીઆઈમાં સુધારો અને જીડીપીમાં નોંધપાત્ર વધારો કરી શકાયો છે. તેનાથી આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો પણ પ્રભાવિત થયા છે. ત્રણ વર્ષમાં બજેટ ખર્ચ ૩૦ ટકા વધ્યો છે, ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી સુધારો છે, આઈટી અને અન્ય નાણાકીય સેવાઓમાં સુધારા થયા છે. આધારકાર્ડ્સ, ઇન્ટરનેટનો ઉપયોગ વ્યાપક બન્યો છે, મહત્ત્વના પ્રોજેક્ટ માટે ટેન્ડરો બહાર પડે છે. સુધારાઓની ગતિ, એલપીજી તથા અન્ય વિષયોમાં સબસિડીમાં ઘટાડો સહિતની બાબતોએ વડા પ્રધાન મોદીને ભારતીય આઝાદીના ૭૦ વર્ષમાં સૌથી સારો દેખાવ કરનારા વડા પ્રધાન તરીકે સ્થાપિત કર્યા છે.
આંતરિક અને આંતર રાષ્ટ્રીય સંબંધોની બાબતોમાં વડા પ્રધાન મોદીએ અસામાન્ય પરફોર્મન્સ બતાવ્યું છે.
બીજીતરફ કેન્દ્ર અને મોટા ભાગના રાજ્યોમાં વિપક્ષે પીછેહઠ કરી છે અથવા અસરકારકતા ગુમાવી છે. વર્તમાન ભારતમાં બાહુબળ કે નાણાબળથી નરેન્દ્ર મોદી અને ભાજપ અપરાજિત બન્યા નથી. પરંતુ તેમનો પરફોર્મન્સ પાવર, વિશ્વવ્યાપી માન્યતા તેમજ વ્યક્તિ અને સરકારની ઝળહળતી ગુણવત્તાએ તેમને ટકાઉ બનાવ્યા છે.

વિરોધ પક્ષ કેવો હોવો જોઈએ?

કોઈ પણ લોકશાહી મજબૂત વિરોધ પક્ષ વિના નબળી જ ગણાય આ વાત સાચી છે સાથો સાથ એ પણ સાચું છે કે મજબૂત વિરોધ પક્ષ સ્થાપિત કરવાનું કાર્ય સરકારનું નથી. ભારતમાં આ કાર્ય કોંગ્રેસ પાર્ટીનું છે. તેમને દૂરદૃષ્ટિની જરૂર છે. યોજનાબદ્ધ કાર્યનું માળખું જરૂર છે. જો તેઓ પોતાના પક્ષને શક્તિપૂર્ણ નહીં બનાવે અને લોકોમાં પોતાનું મહત્ત્વ સમજાવી નહીં શકે તો આ ધોવાણ અટકવાનું નથી. પારિવારિક અંકુશ, સગાવાદ, ભ્રષ્ટાચારથી ખરડાયેલી છબી અને અસરકારક કાર્યક્રમોનો અભાવના કારણે જ તેમણે લોકોનું સમર્થન ગુમાવ્યું છે.

નમો તો જ્ઞાની છે

૬૬ વર્ષની ઉંમરમાં મોદીએ ઘણો ઇતિહાસ સમજી લીધો છે. જેના પરિણામે તેમને પોતાનો આગવો ઇતિહાસ રચવામાં મદદ મળી છે. થોડાંક બ્રિટિશ રાજકારણીઓની વાત કરીએ તો તેઓ વિન્સ્ટન ચર્ચિલ, માર્ગારેટ થેચર, ટોની બ્લેરની ચડતી અને પડતી વિશે જાણે છે. તેઓ ભારત સાથે સારા સંબંધો કેળવવાના પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફને હાંકી કઢાયા તેના વિશે પણ બરાબર જાણે છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ૨૦૧૩માં ગુજરાતના કચ્છના ભૂજના લાલ મેદાન ખાતે આઝાદી દિવસ ઉજવ્યો હતો જ્યાં લાલ કિલ્લા જેવું જ માળખું ઊભું કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૪માં વડા પ્રધાન મોદીએ દિલ્લીના લાલ કિલ્લા પરથી આઝાદ દિનનું પ્રથમ પ્રવચન આપ્યું હતું જેમાં ગત ૬૭ વર્ષો દરમિયાન વાત ન કરાઈ હોય તેવી અનેક જાહેરાતોનો સમાવેશ થયો હતો. વડા પ્રધાન મોદી અથાગ પ્રયાસો, ખંત, સમર્પિતતા, નિશ્ચયાત્મકતાથી તેઓ આજે ભારતના અનોખા નેતા બની રહ્યા છે અને હજુ ઘણા વર્ષો સુધી બની રહેશે.
આગામી સપ્તાહે ભારત અપ્રતિમ આશા, આત્મવિશ્વાસ, ઉત્સાહ અને વિશેષતઃ યુવાવર્ગની વધતી મહત્ત્વાકાંક્ષા સાથે તેના ૭૦મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરશે. ભારત પાસે ત્રણ D ‘Democracy, Demography, Demand’ છે.
ભારત ઘણું જીવો,
લોકશાહી ઘણું જીવો,
જય હિંદ. (ક્રમશઃ)


comments powered by Disqus