લંડનઃ ઓકસફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોના એક અભ્યાસ મુજબ ટાર્ડિગ્રેડ નામનો માઇક્રો જીવ સૌથી વધુ જિજિવિષા ધરાવે છે. તે મહાપ્રલય કે ધરતીનું અસ્તિત્વ નહીં રહે ત્યાં સુધી ટકી રહેશે. સંશોધકોને એમ પણ જાણવા મળ્યું છે કે માણસ જાત કરતાં પૃથ્વી પર ટાર્ડિગ્રેડનું અસ્તિત્વ ૧૦ અબજ વર્ષ વધુ રહેશે. સામાન્ય રીતે કોક્રોચને ગમે તેવી પરિસ્થિતિમાં અનુકુલન સાધતો જીવ માનવામાં આવે છે, પરંતુ દરિયાઇ રીંછ તરીકે (વોટર બિઅર) ઓળખાતું ટાર્ડિગ્રેડ તેનાથી કયાંય આગળ છે. આ જીવની નાની મોટી ૯૦૦ જેટલી જાતો છે. તે રેડિએશનના મારને પણ સહેલાઈથી સહન કરી લે છે. તે એક વાર જન્મ લે તે પછી તે સામાન્ય રીતે ૬૦ વર્ષ સુધી જીવે છે. તે ઊંડા સમુદ્રના અતિશય ઠંડા પાણીમાં પણ રહી શકે છે અને ૧૫૦ ડિગ્રી તાપમાનમાં પણ તેનો વાળ વાંકો થતો નથી. એટલું જ નહીં સાઇન્ટિફિક રિપોર્ટસ જર્નલમાં જણાવ્યા મુજબ આઠ પગ ધરાવતા ટાર્ડિગ્રેડને અંતરીક્ષમાં મોકલવામાં આવે તો ત્યાંના વિપરીત સંજોગોની શોક ટ્રીટમેન્ટ પણ આરામથી ખમી શકે છે. તે ખોરાક કે પાણી વગર સતત ૩૦ વર્ષ સુધી ચલાવી શકે છે. આ જીવ પર થયેલું સંશોધન બીજા ગ્રહ પર પણ જીવ હોવા જોઇએ તે દિશામાં શકયતા વધારે છે.

