ભૂજઃ સદગુરુ પ્રોવિઝન સ્ટોર નામની પોતાની જ દુકાનમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેનારા યુવાન વેપારી જીતેન્દ્ર સોનેતા ઉર્ફે જીગુભાઈ છેલ્લા લાંબા સમયથી આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતા. આ આર્થિક સમસ્યામાંથી બહાર આવવા તેમણે બેંકમાંથી લોન મેળવવા માટેની અરજી કરી હતી, પણ લોનની રકમ હાથમાં આવે તે પહેલાં જ તેણે આપઘાત કરી લીધો હતો.
પાંચમી મેએ મોડી સાંજે આ વેપારીની અંતિમવિધિ માટે તેમને સ્મશાને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમણે જે બેંકમાં લોનની અરજી કરી હતી તે બેંકના કર્મચારીઓ લોન પાસ થયાના સમાચાર સાથે વેપારીનાં ઘરે પહોંચ્યા હતા. બેંક કર્મચારીઓ વેપારીની સહી કરાવવા અને સ્થળ નિરીક્ષણ સહિતની કાર્યવાહી માટે આવ્યા હતા. આ સમયે આ બેંકની ટુકડીને સ્થિતિથી વાકેફ કરાતા આ ટુકડી પણ ભારે હૃદયે પરત ફરી ગઈ હતી.
