ગુજરાત લાયન્સ ‘આઉટ’ઃ જયદેવ અનડકટની હેટ્રિક

Wednesday 10th May 2017 07:33 EDT
 
 

મુંબઇઃ આઇપીએલ સિઝન ૧૦માં મંગળવાર સુધીમાં ૫૦થી વધુ મેચ રમાઇ ચૂકી છે અને જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધી રહી છે તેમ તેમ ટીમનો ‘આઉટ’ થવાનો સિલસિલો આગળ વધી રહ્યો છે. ટૂર્નામેન્ટમાંથી આઉટ થનારી પહેલી ટીમ બની છે ગુજરાત લાયન્સ. ગુજરાતની ટીમ ભલે પ્લેઓફમાંથી બહાર નીકળી ગઇ હોય, પરંતુ અન્ય ટીમોમાંથી રમી રહેલા ગુજરાતી ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં છવાઇ ગયા છે. પોરબંદરના જયદેવ અનડકટે હેટ્રિક ઝડપી છે તો કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમી રહેલો અક્ષર પટેલ પણ તેના ઓલરાઉન્ડ પ્રદર્શન દ્વારા છવાઇ ગયો છે.

ગુજરાત પ્લેઓફમાંથી બહાર

ઋષભ પંત અને સંજુ સેમસનની વિસ્ફોટક ઇનિંગની મદદથી દિલ્હી ડેરડેવિલ્સે ગુજરાત લાયન્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ચોથી મેના રોજ દિલ્હીમાં રમાયેલી આ મેચમાં પરાજય સાથે જ ગુજરાત લાયન્સ પ્લેઓફની બહાર થઈ ગયું હતું. ગુજરાત લાયન્સની ૧૧ મેચ પૈકી આ આઠમી હાર હતી. બીજી તરફ દિલ્હીએ ૧૦ મેચમાં ચોથી જીત મેળવતાં તેની હજુ પણ પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રહી છે. ગુજરાત લાયન્સે પ્રથમ બેટિંગ કરતાં સુરેશ રૈના (૭૭ રન) અને દિનેશ કાર્તિક (૬૫ રન) વચ્ચે નોંધાયેલી ૧૩૩ રનની ભાગીદારીની મદદથી ૨૦ ઓવરના અંતે ૨૦૮ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. ૨૦૯ રનના ટાર્ગેટ સામે સંજુ સેમસન અને ઋષભ પંત વચ્ચે ૬૩ બોલમાં નોંધાયેલી ૧૪૩ રનની ભાગીદારીની મદદથી ૧૭.૪ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. ૪૩ બોલમાં ૯૭ રન બનાવનાર ઋષભ પંતને મેન ઓફ ધ મેચ થયો હતો. આઈપીએલના ઇતિહાસમાં આ બોજો મોટો લક્ષ્યાંક ચેઝ થયો હતો. આ પહેલા રાજસ્થાન રોયલ્સે વર્ષ ૨૦૦૮માં ડેક્કન ચાર્જર્સ સામે ૨૧૪ રનો લક્ષ્યાંક મેળવ્યો હતો.

હૈદરાબાદનો ૭ વિકેટે વિજય

ઓપનર શિખર ધવનના અણનમ ૬૨ રન વડે હૈદરાબાદે આઠ મેના રોજ ઘરઆંગણે રમાયેલી લીગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર મુંબઇના સાત વિકેટે ૧૩૮ રનના જવાબમાં હૈદરાબાદે ૧૮.૨ ઓવરમાં ત્રણ વિકેટે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ધવને ચાર બાઉન્ડ્રી તથા બે સિક્સર ફટકારી હતી.

જયદેવની હેટ્રિક, પૂણેની જીત

જયદેવ અનડકટની હેટ્રિક સહિત પાંચ વિકેટ અને બેન સ્ટોક્સના ઓલરાઉન્ડ પ્રદર્શન (૩૯ રન અને ૩ વિકેટ) વડે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે છઠ્ઠી મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદને ઘરઆંગણે ૧૨ રને હરાવ્યું હતું. પૂણેએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૮ રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૬ રન કર્યા હતા. આ જીત સાથે પૂણે ૧૬ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગયું હતું અને પ્લે ઓફમાં પહોંચવાની દાવેદારી મજબૂત કરી હતી. બીજી તરફ હૈદરાબાદ ચોથા સ્થાને ફસકી ગયું છે. ધવન (૧૯) અને વિલિયમ્સન (૦૪) સસ્તામાં આઉટ થયા હતા. વોર્નર (૪૦) અને યુવરાજ (૪૭) ૫૪ રનની ભાગીદારી કરી જીત અપાવવા પ્રયત્ન કર્યો હતો. જોકે બન્નેના આઉટ થયા પછી ટીમનો ધબડકો થયો હતો. પૂણે તરફથી અનડકટે પાંચ વિકેટ ઝડપી હતી.

પંજાબની ગણતરી બગાડી

સ્મિથ અને ટોચના હરોળના બેટ્સમેનોએ આપેલા ઉપયોગી યોગદાનની મદદથી ગુજરાત લાયન્સે મોહાલીમાં રમાયેલી આઇપીએલ-૧૦ની લીગ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને છ વિકેટે પરાજય આપ્યો હતો. અમલાની સદી વડે પંજાબે ત્રણ વિકેટે ૧૮૯ રન કર્યા હતા. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ગુજરાતની ટીમે ૧૯.૪ ઓવરમાં ચાર વિકેટે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ગુજરાતના વિજયે પંજાબની પોઇન્ટ ગણતરી બગાડી નાખી હતી.

બેંગલોરમાં નરૈન ‘ઝંઝાવાત’

સુનિલ નરૈને આઇપીએલના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ અડધી સદીના રેકોર્ડની બરોબરી કરીને માત્ર ૧૭ બોલમાં ૫૪ રનની ઇનિંગ્સ રમતા કોલકતા નાઇટ રાઇડર્સે બેંગલોરમાં સાત મેના રોજ રમાયેલી લીગ મેચમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ૨૯ બોલ બાકી રાખીને હલાવ્યું હતું. બેંગલોરના ૧૫૮ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર કોલકતાની ટીમે ૧૫.૧ ઓવરમાં ચાર વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બે વિકેટ ઝડપવા ઉપરાંત અડધી સદી ફટકારનાર નરૈનને મેન ઓફ મેચ થયો હતો. ઇજાના કારણે નવ મેચ ગુમાવનાર ક્રિસ લીને પણ ધમાકેદાર પુનરાગમન કરતાં ૨૨ બોલમાં ૫૦ રન કર્યા હતા. નરૈન સાથે તેણે પ્રથમ વિકેટ માટે ૧૦૫ રનની ભાગીદારી નોંધાવી હતી.

દિલ્હી ૬૬ રનમાં ખખડ્યું

લેન્ડલ સિમોન્સ અને કિરોન પોલાર્ડની અડધી સદી બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-૧૦માં દિલ્હી ડેરડેવિલ્સ સામે ૧૪૬ રને ભવ્ય વિજય મેળવ્યો હતો. મુંબઈએ ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૧૨ રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ ૧૩.૪ ઓવરમાં ૬૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. છઠ્ઠી મેના રોજ મુંબઇમાં રમાયેલી મેચમાં પરાજય સાથે પ્લે ઓફમાં પહોંચવાની દિલ્હીને આશાને ફટકો પહોંચ્યો છે. દિલ્હીના ત્રણ બેટ્સમેન ડબલ ફિગરના આંક સુધી પહોંચી શક્યા હતા. કરુણ નાયરે સૌથી વધારે ૨૧ રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી હરભજન સિંહ અને કરન શર્માએ ૩-૩ જ્યારે મલિંગાએ ૨ વિકેટ ઝડપી હતી. સાથે મલિંગા આઈપીએલમાં ૧૫૦ વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બન્યો છે.

આસાન ટારગેટ છતાં હાર

વર્તમાન સિઝનમાં સદંતર ફોર્મ ગુમાવીને પોઇન્ટ ટેબલમાં છેક છેલ્લા સ્થાને રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ માટે ૧૩૯ રનનો ટારગેટ પણ ભારે પડી ગયો હતો અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે તેનો ૧૯ રનથી પરાજય થયો હતો. પાંચ મેના રોજ ઘરઆંગણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને બેંગલોરે પંજાબને પ્રથમ બેટિંગ આપ્યું હતું. ઇનિંગ્સના પ્રારંભથી જ પંજાબે વિકેટો ગુમાવી હતી અને આ સિલસિલો નિયમિત અંતરે આગળ ધપતો રહ્યો હતો. છતાં તેણે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૩૮ રન કર્યા હતા.
કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમતા અક્ષર પટેલે છેલ્લી ઓવર્સમાં આક્રમક બેટિંગ કરીને ૧૭ બોલમાં ૩૮ રન ફટકાર્યા હતા. જે ટીમનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો. અક્ષરે બે સિક્સર ઉપરાંત ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. જોકે આ લક્ષ્ય સામે બેંગલોરની ટીમ ૧૯ ઓવરમાં ૧૧૯ રનમાં આઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલ આ મેચનો હીરો પુરવાર થયો હતો. તેણે ૩૮ રન ઉપરાંત ૧૧ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. બેંગલોર માટે ઓપનર મનદીપસિંઘે ૪૬ રન ફટકાર્યા હતા પરંતુ તેના સિવાયના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા.


comments powered by Disqus