ચતુર ચીનની ચાલાકી... અને ચીનનું અસ્પષ્ટ ભવિષ્ય

સી. બી. પટેલ Tuesday 09th May 2017 16:12 EDT
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, દુનિયાની સાત અબજની વસ્તીમાં દોઢ અબજ ચીનાઓનો દેશ એટલે ચીન. ભૌગોલિક રીતે ભારત સાથે લાંબી સરહદ અને ઐતિહાસિક દૃષ્ટિએ દીર્ઘકાલીન સંબંધ. સમ્રાટ અશોકના સંતાન દ્વારા ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો. સંખ્યાબળની દૃષ્ટિએ બૌદ્ધ ધર્મના સૌથી વધુ અનુયાયીઓ ચીનમાં, પરંતુ મહદ્ અંશે નામના જ. ત્યાં ખ્રિસ્તી ધર્મનો ઝડપથી પગપેસારો થઇ ગયો છે. સાથે સાથે જ મૂડીવાદ અને આર્થિક ઉન્નતિના કારણે ધર્મવિહિન સમાજમાં ઝડપી ઉમેરો થઇ રહ્યો છે. ચાલો, આજે આપણે આવા ચીનની ગઇકાલ, આજકાલ અને આવતીકાલ ઉપર આછેરી નજર નાખી લઇએ.
ચીનને વિસ્તારની દૃષ્ટિએ મૂલવો તો તે ભારત કરતાં બમણો કે તેથી પણ વધુ વિશાળ દેશ છે. ભારતના પડોશીઓમાં પાકિસ્તાન, અમુક અંશે અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન, બર્મા (મ્યાંમાર), શ્રીલંકા અને અમુક અંશે માલદીવ ગણાય. પાકિસ્તાન સિવાય અન્ય છ દેશો સાથે ભારતના સંબંધો એકંદરે સારા ગણી શકાય.
ચીનની સરહદે નોર્થ કોરિયા, રશિયા, મોંગોલિયા, અમુક દૃષ્ટિએ જાપાન, વિયેતનામ, મ્યાંમાર નેપાળ, ભૂતાન, ભારત જ્યારે પશ્ચિમ તરફ કઝાખિસ્તાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન આવેલા છે. દક્ષિણ તરફના ફિલિપાઇન્સ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલાયા, કંબોડિયા તથા સિંગાપોર સાથેના સંબંધોમાં ચીનને ઘણું સાચવવાનું છે. અને સાવચેત રહેવાનું પણ ખરું જ. માત્ર પાકિસ્તાન સાથે જ સાંઠગાંઠ સલામત છે.

ચીનની સળગતી સરહદો

પશ્ચિમ ચીનમાં આવેલા વિશાળ શિન્ઝ્યાંગ પ્રાંતમાં વસતાં પ્રજાજનોમાં લગભગ ૯૦ ટકા લોકો મુસ્લિમ સમુદાયના છે, જેઓ વંશીય રીતે ચીની નથી. આ જ પ્રમાણે તિબેટમાં વસતાં પ્રજાજનો તિબેટિયન છે અને તેમનો ધર્મ બૌદ્ધ, પરંતુ આ સમુદાય પણ મૂળે ચીની તો નહીં જ. શિન્ઝ્યાંગ અને તિબેટ, આ બન્ને પ્રદેશો વિશાળ છે, પરંતુ અહીંના જનસમુદાય દ્વારા ચીનની હકુમત સામે વર્ષોથી હિંસક વિરોધ થઇ રહ્યો છે. ખાસ તો શિન્ઝયાંગ પ્રાંતમાં વસતાં મુસ્લિમ સમુદાયનો આક્રોશ વર્ષ પ્રતિવર્ષ વધુને વધુ પ્રજવલ્લિત બની રહ્યો છે.

ભાતીગળ ભૂતકાળ

ભારતની જેમ ચીનની સામાજિક અને સાંસ્કૃતિક યાત્રા પણ હજારો વર્ષ પુરાણી છે. બન્ને દેશો ભલે સૈકાઓ પુરાણો ઇતિહાસ ધરાવતા હોય, પરંતુ તેમની શાસન પ્રણાલિમાં પરાપૂર્વથી ભારે તફાવત જોઇ શકાય છે. ચીનમાં સૈકાઓ સુધી મન્ચુ સામ્રાજ્ય અમલમાં રહ્યું. તે એક સરમુખત્યારશાહી શાસન પ્રણાલી હતી અને પ્રજા પર સતત જોરજુલમ ગુજારવામાં આવતા હતા.
વીસમી સદીના પ્રારંભે, ૧૯૦૫માં જાપાન જેવા ત્રણ-ચાર ટાપુના બનેલા દેશે ઔદ્યોગિક ક્રાંતિના પ્રતાપે લાખો ચોરસ માઇલના રશિયન સામ્રાજ્ય ઉપર દૂર પૂર્વમાં યુદ્ધમાં વિજય મેળવ્યો. આ સાથે જ એ વિસ્તારમાં એક નવા ઇતિહાસનો આરંભ થયો. થોડાક સમયમાં ચીનના મન્ચુરિયા વિસ્તારને જાપાને જીતી લીધો. પ્રજા પર ભારે જોરજુલમ, ક્રૂરતા દાખવવામાં આવ્યા હતા. તે દરમિયાન ચીનમાં મુખ્યત્વે અમેરિકન ખ્રિસ્તી મિશનરી વધુ કાર્યરત બન્યા હતા.
પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજા વિશ્વ યુદ્ધ વચ્ચેના સમયગાળામાં ચીનમાં કુમાઉટંગ સરકાર હતી અને સુનિયાંગસેન તેના નેતા હતા. ૧૯૨૦ બાદ ત્યાં સામ્યવાદી પક્ષની રચના થઇ. માઓ ત્સે તુંગના આધિપત્ય હેઠળ થોડાક જ સમયમાં ચીનના ગરીબ અને કચડાયેલા પ્રજાજનોનો ઝોક સામ્યવાદ તરફ વધ્યો. સાથે સાથે જ લોંગ માર્ચ (લાંબી મજલ) બાદ માઓએ ક્રમે ક્રમે ચીનના વધુ વિસ્તાર પર સત્તા હાંસલ કરી.
બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયાના કેટલાય પ્રદેશોમાં નકશા ઉપરની રેખાઓ નવો આકાર લઇ રહી હતી. ચીનમાં પણ અગાઉની સરકારને અમેરિકી ટેકો હોવા છતાં ૧૯૪૯માં સામ્યવાદી શાસનનો પ્રારંભ થયો. માઓ ત્સે તુંગ ચીનના સર્વોચ્ચ નેતા હતા અને ફ્રાન્સમાં શૈક્ષણિક અભ્યાસ કરનાર ચાઉ એન લાઇ વડા પ્રધાન.

હિન્દી-ચીની ભાઈભાઈ?

ચીનની સામ્યવાદી સરકારને, હું માનું છું તે પ્રમાણે, સ્વીકૃતિ આપવામાં રશિયા બાદ બીજા નંબરે પંડિત જવાહરલાલ નેહરુની ભારત સરકાર હતી. આમેય સમાજવાદી કે સામ્યવાદી વિચારસરણી પ્રત્યે ઓછાવત્તા અંશે કૂણું વલણ ધરાવતા પં. નેહરુ, વી. જે. કૃષ્ણમેનન્ જેવા નેતાઓને હિન્દી-ચીની ભાઇ-ભાઇનો ચેપ લાગ્યો હતો.
તે દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલની સ્પષ્ટ ના છતાં નેહરુ સરકારે તિબેટ પર ચીનનું આધિપત્ય સ્વીકાર્યું. એટલું જ નહીં, પણ ખુલ્લેઆમ વિધિવત્ જાહેર કર્યું કે તિબેટ ચીનનો ભાગ છે. લો પત્યું...
તિબેટિયનો ઉપર, ખાસ તો તેમના ધર્મગુરુ દલાઇ લામા ઉપર ચીનની સામ્યવાદી સરકારે ચોમેરથી ભીંસ વધારી. ૧૯૫૯માં દલાઇ લામાને રાતોરાત ભારતમાં આશ્રય લેવો પડ્યો હતો. આ બધો લાંબો ઇતિહાસ છે. દલાઇ લામા સાથે આવેલા હજારો તિબેટિયનોને કાળક્રમે ભારત સરકારે રાજકીય શરણ આપ્યું. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં તેમણે વસવાટ કર્યો. અને ચીન વીફર્યું.

ચીનનો દગાબાજી હુમલો

૧૯૬૨માં કોઇ પણ જાતની ચેતવણી વિના જ હજારો ચીની સૈનિકો તીડના ટોળાંની જેમ ધસી આવ્યા અને ભારતની લાંબી સરહદ પર ફરી વળ્યા. અક્સાઇ ચીન તરીકે જાણીતા વિશાળ પ્રદેશ પર તેણે કબજો જમાવ્યો. આ જ વિસ્તાર પર પાકિસ્તાને ૧૯૪૮માં કબ્જો જમાવ્યો હતો. હવે પાકિસ્તાન એવું ગાણું ગાઇ રહ્યું છે કે આ પ્રદેશ ચીનનો છે. સિક્કિમ અને ભૂતાનની ઉત્તરે જોડાયેલા તિબેટના પ્રદેશમાંથી ભારતના તવાંગ અને અન્ય પ્રદેશ ઉપર પણ ચીની સૈનિકો ત્રાટક્યા. ચીનની રેડ આર્મીના જવાનો ૨૦૦ માઇલ (તેઝપુર) સુધી ભારતીય સરહદમાં ઘૂસી ગયા હતા. આ એક લાંબો અને અત્યંત પીડાજનક સમયગાળો ગણાય. ‘ભાઇ-ભાઇ’ જેવા ગણાવાયેલા ચીને પીઠમાં ભોંકેલા ખંજરથી ભારતીયો થથરી ગયા હતા.
જોકે તે અરસામાં દરિયાપારના દેશોમાં વસતાં હિન્દુસ્તાનીઓની વીતકકથા અને વ્યવહાર જરા જાણવા જેવા છે. આ વેળા હું પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયાના દારે-સલામમાં વસતો હતો. વતનની પળેપળની જાણકારી મેળવવા માટે તે જમાનામાં બધાના કાન સતત રેડિયો સાથે ચોંટેલા રહેતા હતા એમ કહું તો પણ ખોટું નથી. ઓલ ઇંડિયા રેડિયો તો લોકો ઓછો સાંભળતા પરંતુ બીબીસીના બુલેટિનો સતત સાંભળતા હતા. ચીન ભારતમાં શું કરી રહ્યું છે તે જાણવા બધા તત્પર હતા. દારે-સલામ શું કે પૂર્વ આફ્રિકા શું, વિશ્વભરમાં વસતાં ભારતીય સમુદાયમાં ચોરે ને ચૌટે એક જ મુદ્દો ચર્ચાતો હતોઃ હવે શું?
વિદેશવાસી ભારતીય સમુદાય દ્વારા માદરે વતનની સુરક્ષા-સલામતી-ક્ષેમકુશળતા અર્થે પ્રાર્થનાઓ થઇ, હવનો થયા, વિશ્વશાંતિના યજ્ઞો પણ થયા... બધાનો ઉદ્દેશ એક જ હતોઃ ભારત આ કટોકટીમાં સાંગોપાંગ પાર ઉતરે.

દેશવાસીઓને વહારે...

માદરે વતન છોડીને દરિયાપારના દેશોમાં જઇ વસેલા આપણા ભાઇભાંડુઓએ ભારતને વિદેશી હૂંડિયામણની ખોટ ન વર્તાય તે માટે નેશનલ ડિફેન્સ રેમિટન્સ સ્કીમમાં ખોબલા ભરીને ડોલર-પાઉન્ડનું રોકાણ કર્યું હતું. મને આજે પણ યાદ છે કે ભારતથી હજારો માઇલ દૂર હોવા છતાં એક સામાન્યમાં સામાન્ય ભારતીયમાં પણ ચીનની દગાબાજી સામે એટલો બધો આક્રોશ પ્રવર્તતો હતો કે વેપારીઓએ ચીનનો માલ ખરીદવાનું બંધ કરી દીધું હતું. ભારતીય ગ્રાહકો પણ ચીની ઉત્પાદનો ખરીદવા તૈયાર નહોતા. કોઇ નેતાની ઝૂંબેશના પરિણામે નહીં, પણ ભારતીયોએ સ્વેચ્છાએ જ ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર શરૂ કરી દીધો હતો.
મને આજે આટલા દસકાઓ પછી પણ યાદ છે કે કેટલાય દેશપ્રેમીઓએ તેમના નાનામોટા મોજશોખ પર સ્વૈચ્છિક નિયંત્રણો મૂક્યા હતા. એક ટંકનું ભોજન ટાળીને ઉપવાસ કર્યા હતા. અને આ બધાના પરિણામે જે નાણાં બચતાં હતાં તે એકત્ર કરીને ભારતના વડા પ્રધાનના સૈનિક રાહત ફંડમાં જમા કરાવ્યા હતા.
દારે-સલામમાં મારા નિવાસસ્થાનની બરાબર સામે જ બેન્ક ઓફ બરોડાની સ્થાનિક શાખા હતી. સાંજ પડ્યે ચારેક વાગ્યે હું કસ્ટમ વિભાગમાં નોકરી કરીને પરત ફરું. તે સમયે બેન્કમાં કામ કરતાં કર્મચારી મિત્રો તરફથી જાણવા મળે કે આજે તો બહુ આવ્યા (લોકો અને નાણાં)... અને બહુ (ભારત) મોકલ્યા. લોકોએ નાણાં જમા કરાવવા માટે લાંબી લાંબી લાઇનો લગાવી હતી.
ખેર, તે હિ નાં દિવસો ગતાં ગતાં... સમયને વહેતાં ક્યાં વાર લાગે છે?! આ દિવસો પણ વીત્યાં. ચીનનું લશ્કર જેમ રાતોરાત આવ્યું હતું તેમ પરત પણ થયું. ભારત પણ ધીરે ધીરે સાબદું થયું. સરહદી ક્ષેત્રની સુરક્ષા સાથે સંકળાયેલાં પગલાં એક સમયે ગોકળગાયની ગતિએ લેવાતા હતાં. તેમાં ઝડપ આવી. સવિશેષ તો મોદી સરકારે શાસનધૂરા સંભાળ્યા બાદ ભારતની સંરક્ષણ નીતિમાં ધરખમ પરિવર્તન પાયાના સ્તરથી આવી રહ્યું છે. એક સમયે બંદૂકની ગોળી માટે પણ અન્ય દેશ પર નિર્ભર ભારતમાં આજે અણુ સબમરિનથી માંડીને અત્યાધુનિક યુદ્ધ વિમાનોનું દેશમાં જ નિર્માણ કરવા માટે શાસકો કટિબદ્ધ છે. મોદી સરકારનો મેઇક ઇન ઇંડિયાનો અભિગમ ધીમે ધીમે સાર્થક થઇ રહ્યો છે. હવે વિશ્વ તખ્તે પ્રાદેશિક સત્તા તરીકે ભારતની નોંધ લેવાઇ રહી છે.
જોકે, વાચક મિત્રો, ચાલો આપણે ચીનની પ્રવર્તમાન સ્થિતિનું વિહંગાવલોકન આગળ ધપાવીએ.

ચીન-પાકિસ્તાન અને પશ્ચિમી વલણ

૧૯૬૫ના યુદ્ધ દરમિયાન ભારતે પાકિસ્તાનને જડબાતોડ પરાજય આપ્યો. પણ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. પાકિસ્તાને ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવાના બદલે અવળચંડાઇ ચાલુ રાખી. ૧૯૭૧માં ભારતીય સેનાએ ફરી તેને ઠમઠોર્યું. પૂર્વ પાકિસ્તાનમાં પ્રજા પર અતિશય જુલ્મ-અત્યાચારો ગુજારાતા હતા. આ પ્રાંતની પ્રજા પાકિસ્તાનના જુલ્મી શાસકોથી તોબા પોકારીને ભારતમાં હિજરત કરી રહી હતી. લગભગ દોઢેક કરોડ લોકો ભારતમાં જઇ વસ્યા હતા. નિર્દોષો પર અત્યાચાર ગુજારતા પાકિસ્તાનને આકરો પાઠ ભણાવવા ઇંદિરા ગાંધી સરકારે નિર્ણય કર્યો. ફિલ્ડ માર્શલ શામ માણેકશાના નેતૃત્વમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાંથી પૂર્વ ટુકડો જ અલગ કરી નાખી ત્રસ્ત લોકોને રાહત અપાવી. પાકિસ્તાનમાંથી છૂટો પડેલો આ ટુકડો એટલે આજનો બાંગ્લાદેશ.
પાકિસ્તાન ફરી એક વખત ભારત સામે હાર્યું હતું. પાકિસ્તાનના ૮૯ હજાર સૈનિકોએ ભારતીય લશ્કર સામે નાકલીટી તાણી હતી. જોકે ભારતની ઢીલીઢાલી નીતિ અને તે સમયના આંતરરાષ્ટ્રીય સંજોગોને વશ થઇને ૧૯૭૨માં પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભૂટ્ટો અને ભારતના વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ સિમલામાં મંત્રણા યોજી. ભારત-પાકિસ્તાને ‘શાંતિકરાર’ પર હસ્તાક્ષર કર્યા. અત્યારે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં તેમજ ભારતના અન્ય ભાગોમાં ‘મિત્રરાષ્ટ્ર’ પાકિસ્તાન શું કાર્યવાહી કરી રહ્યું છે અને કેવાં કાવતરાં કરી રહ્યું છે તે કંઇ કંઈ કહેવાની જરૂર નથી.
૧૯૭૨માં અમેરિકાના વિદેશ પ્રધાન હેન્રી કિસિન્જર પાકિસ્તાની શાસકોની મદદથી ગુપ્ત રીતે રાતોરાત ચીન જઇ પહોંચ્યા. તેમણે ચીની વડા પ્રધાન ચાઉ એન લાઇને સાથે બેઠક યોજી હતી. આ બેઠકે અમેરિકા-પાકિસ્તાન, પાકિસ્તાન-ચીન અને અમેરિકા-ચીન વચ્ચે સીધો જ સંપર્ક સેતુ રચવાનું કામ કર્યું.
અમેરિકા અને મિત્ર રાજ્યો કોઇ પણ ભોગે ભારતને ભીંસમાં લેવા આતુર હતા. આ (બદ)ઇરાદો પાર પાડવા માટે ‘સિયાટો’ (SEATO) નામે જાણીતી બનેલી સાઉથ ઇસ્ટ એશિયન ટ્રીટી અસ્તિત્વમાં આવી. તો સંબંધિત દેશો વચ્ચે ‘સેન્ટ્રલ’ (CENTRAL) નામે જાણીતી સેન્ટ્રલ એશિયા ટ્રીટીએ પણ આકાર લીધો. ભારતના પૂર્વ અને પશ્ચિમી જગતમાં આ બન્ને ટ્રીટીમાં પાકિસ્તાન સામેલ હતું. અને આમ ભારતને ભીડવવાનું શરૂ થયું.
ખેર, ૫૦’ના દાયકા દરમિયાન ચીન અને રશિયાની મદદથી દૂર પૂર્વમાં નોર્થ કોરિયાએ અમેરિકાને તબાહ કર્યું. ૧૯૫૪માં યુદ્ધવિરામ થયો. ૧૯૭૫માં અગાઉ ફ્રેન્ચ સરકારને જેમ નોર્થ વિયેતનામના સામ્યવાદી લશ્કરે પરાજય આપ્યો હતો. તેમ અમેરિકન પીઠબળવાળી સાઉથ વિયેતનામ સરકારને ૧૯૭૯માં નાલેશીભરી હાર મળી.

ચીન-અમેરિકી સહયોગ

શક્તિશાળી ચીનની તાકાતથી અમેરિકા સાબદું બની ગયું હતું. તેને સમજાઇ ગયું હતું કે યુદ્ધના મેદાનમાં તો તેને જીતી શકાય તેમ નથી. તો પછી તેને નાથવું કઇ રીતે? અમેરિકાએ ચાલાકી વાપરી. તેણે વેપાર-વણજનો રસ્તો અજમાવ્યો. ૧૯૭૮-૭૯ના અરસામાં હેન્રી કિસિન્જર ફરી એક વખત પેકિંગ (આજનું બૈજિંગ) જઇ પહોંચ્યા. તેમણે શાસકોને સમજાવ્યું કે તમે શાસનપ્રણાલીમાં ભલે સામ્યવાદી વિચારસરણીનો અમલ ચાલુ રાખો, પરંતુ પ્રજાની કંગાળિયત દૂર કરવી હશે તો અર્થતંત્રને ચેતનવંતુ બનાવવું પડશે. આ માટે મુક્ત બજારની નીતિ અપનાવો ને આર્થિક નિયંત્રણો હળવા કરો. જો તમે આ માટે સંમત હો તો અમેરિકા તમારા ઉત્પાદનો ખરીદવા અને તમારા દેશમાં અઢળક મૂડીરોકાણ કરવા માટે તૈયાર છે. ચીનના ગળે ગરમાગરમ શીરાની જેમ આ વાત ઉતરી ગઇ. તેના માટે તો ભાવતું’તું ને વૈદ્યે કહ્યું તેવો ઘાટ હતો.
જોતજોતામાં ચીનમાં અમેરિકા અને મિત્ર દેશોની મસમોટી કંપનીઓનું અબજો ડોલરનું મૂડીરોકાણ પહોંચવા લાગ્યું. ૧૯૮૦થી માંડીને ૨૦૧૬ સુધીમાં ચીનનો સિનારિયો બદલાઇ ગયો છે. આજે ચીનના વિવિધ ઔદ્યોગિક સેક્ટરમાં ધમધમતી અસંખ્ય કંપનીઓ તો વિશ્વમાં કેટલાક ક્ષેત્રોના ઉત્પાદિતના કુલ જથ્થાના ૮૦ ટકા પુરવઠાનું ઉત્પાદન કરે છે. જેમાં પ્લાસ્ટિકથી માંડીને બાળકોનાં રમકડાં અને ઇલેક્ટ્રોનિક્સની વિવિધ ચીજવસ્તુઓ, રેડીમેડ વસ્ત્રો વગેરે અનેક ચીજોનો સમાવેશ થાય છે. એક જમાનાનો ગરીબ અને કંગાળ દેશ ચીન આજે સત્તાવાર રીતે મસમોટો અને તગડો આર્થિક દેશ બન્યો છે. આજે ચીનને આયાત કરતાં નિકાસ જબ્બર પુરાંત પુરી પાડે છે. પરિણામે ચીનની શિકલ ફરી ગઇ છે. આજે ચીનમાં ટુરિઝમ ક્ષેત્રે પણ મોટું નામ મેળવ્યું છે.
વિદેશી હૂંડિયામણની વાત કરીએ તો ચીનનું ભંડોળ ૩ હજાર બિલિયન ડોલરનું છે. આફ્રિકા, પશ્ચિમ યુરોપ, અમેરિકા કે એશિયન દેશમાં ચીની કંપનીઓ અબજો ડોલરનું મૂડીરોકાણ કરી રહી છે. સાથે સાથે જ ચીને તેની સંરક્ષણની ત્રણેય પાંખો - ભૂમિદળ, નૌકાદળ અને હવાઇદળમાં ગંજાવર રકમનું મૂડીરોકાણ કર્યું છે. ભારતનું સંરક્ષણ બજેટ ૪૦ બિલિયન ડોલર છે તો અમેરિકાનું સંરક્ષણ બજેટ ૬૫૦ બિલિયન ડોલર છે. જ્યારે ચીનનું સંરક્ષણ બજેટ ૨૫૦ બિલિયન ડોલર વટાવી ગયું છે.
એક સમયનું કંગાળ ચીન આજે આર્થિક મોરચે જ નહીં, આંતરરાષ્ટ્રીય બાબતોમાં અને સંરક્ષણ ક્ષેત્રમાં પણ અમેરિકા જેવી વિશ્વની એકમાત્ર મહાસત્તાને પડકારવા સજ્જ છે. અમેરિકા તો પોતીકી રીતે પોતાની સરહદે તેમજ આંતરરાષ્ટ્રીય પ્રભાવ સાંગોપાંગ સાચવવા તત્પર હોય તે સમજાય તેવું છે અને મહદ્ અંશે સક્ષમ પણ છે. નજીકના ભવિષ્યમાં ચીન ગમેતેવી હરણફાળ ભરશે તો પણ અમેરિકા અને વૈશ્વિક સ્તરે મિત્ર રાષ્ટ્રો જાપાન, કોરિયા, તાઇવાન, મધ્ય પૂર્વના દેશો, યુરોપ સામે ચીન હજુ પણ પાછળ દેખાય છે. પણ આપણે નકશામાં જોઇએ છીએ તેમ ભારતને ભરડો લેવા ચીને વિવિધ પ્રકારના કારસા અમલમાં મૂક્યા છે. ખંધુ ચીન ભારતને કઇ રીતે ભીંસમાં લેવા માગે છે તેની વધુ વિગતો આવતા સપ્તાહે... આ જ કોલમમાં. (ક્રમશઃ)


comments powered by Disqus