ચેમ્પિયન્સ ટ્રોફીઃ ટીમ ઇંડિયામાં રોહિત-શમીનું પુનરાગમન, રૈના-પંત સ્ટેન્ડબાય

Wednesday 10th May 2017 07:32 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતે આખરે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી છે. અનુભવી અને યુવા ચહેરાઓનો સમન્વય ધરાવતી ટીમની પસંદગી વેળા જોકે આઇપીએલ-૧૦માં ખેલાડીએ કરેલા દેખાવને ધ્યાને લેવાયો નથી. ઇજામુક્ત થયેલા રોહિત શર્મા તથા મોહમ્મદ શમીનું ટીમમાં પુનરાગમન થયું છે તો ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા શિખર ધવન તથા યુવરાજને પણ સ્થાન અપાયું છે. જ્યારે રૈના તથા ઋષભ પંતને સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની સિનિયર સિલેક્શન કમિટીએ સોમવારે બેઠક યોજીને ૧૫ સભ્યની ટીમ તથા પાંચ સ્ટેન્ડ બાય ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. વિરાટ કોહલી ટીમનું નેતૃત્વ કરશે. ભારત ચોથી જૂને પાકિસ્તાન સામે પોતાનો પ્રથમ મુકાબલો રમશે. ટૂર્નામેન્ટ પહેલી જૂનથી ઈંગ્લેન્ડના યજમાનપદે શરૂ થઇ રહી છે.

ગૌતમ ગંભીરની ફરી અવગણના

આઇપીએલમાં સતત સારો દેખાવ કરી રહેલા ગંભીરની ફરીથી થયેલી અવગણના અંગે ચીફ સિલેક્ટર એમ.એસ.કે. પ્રસાદે જણાવ્યું હતું કે અમે ધવન તથા રોહિતને ઓપનર તરીકે પસંદ કર્યા છે અને રહાણે બેકઅપ ઓપનર તરીકે રહેશે. ટીમની પસંદગી ઘણી આસાન હતી કારણ કે છેલ્લા ચાર મહિનાથી ટીમ સારી રિધમમાં હતી. કદાચ એક કે બે સ્થાનમાં ફેરફાર થઇ શકે તેવા હતા. ટીમની પસંદગી વખતે આઇપીએલ નહીં, પરંતુ છેલ્લા એક વર્ષના પ્રદર્શનને ધ્યાનમાં લેવામાં આવ્યું છે.

કુલદીપ શા માટે સ્ટેન્ડબાય?

પ્રસાદે જણાવ્યું હતું કે સમિતિએ ચોક્કસપણે કુલદીપ યાદવના નામ ઉપર ચર્ચા કરી હતી. જોકે મુખ્ય પ્રશ્ન એ હતો કે શું આપણે બે સ્પિનરને એક સાથે રમાડશું? ટીમમાં યુવરાજ તથા કેદાર જાધવ પણ સ્પિન બોલિંગ કરી શકે છે. તેથી કુલદીપને સ્ટેન્ડબાય યાદીમાં સ્થાન આપ્યું છે. ઉપરાંત સમિતિએ વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત, કાર્તિક, શાર્દુલ ઠાકુર તથા વન-ડે નિષ્ણાત રૈનાના નામ ઉપર ચર્ચા કરી હતી અને તમામને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

ઓફ સ્પિનર અશ્વિન સંપૂર્ણ ફિટ

સ્પોર્ટ્સ હર્નિયાની ઇજાના કારણે આઇપીએલમાંથી આઉટ થઇ ગયેલો ઓફ-સ્પિનર અશ્વિન ટીમમાં પાછો ફર્યો છે. પ્રસાદે જણાવ્યું હતું કે અશ્વિનની ઇજા ગંભીર નહોતી અને તેને માત્ર આરામની જરૂર હતી. આઇપીએલ ફ્રેન્ચાઇઝીએ તેને આરામ આપવાના બોર્ડના આગ્રહને સ્વીકાર્યો હતો. અશ્વિનની જેમ વિરાટ કોહલી પણ ઇંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટ તથા આઇપીએલની શરૂઆતની મેચો રમ્યો નહોતો. રવીન્દ્ર જાડેજાને પણ અમે બ્રેક આપ્યો હતો. બંને ખેલાડીઓ સ્વસ્થ થઇને મેદાનમાં પરત ફર્યા છે.

ધોની આજની જરૂર, પંત ભવિષ્યની આશા

ચીફ સિલેક્ટર પ્રસાદે સિનિયર ખેલાડી ધોનીના ભવિષ્ય અંગે ચાલી રહેલી વિવિધ અટકળોનો અંત લાવતાં તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર તરીકે વર્ણવ્યો હતો. પસંદગી સમિતિએ ધોનીના ખરાબ ફોર્મની અવગણના કરીને તેના પરનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો. પ્રસાદે જણાવ્યું હતું કે આપણે માત્ર તેની બેટિંગ અંગે ચર્ચા કરીએ છીએ. સ્ટમ્પ પાછળની તેની ભૂમિકા પર આપણે ધ્યાન આપતા નથી. તેનો અનુભવ પણ ટીમ માટે મહત્ત્વનો સાબિત થશે. તે ટીમની અમૂલ્ય સંપત્તિ છે અને ક્રિકેટ પ્રત્યેનું જ્ઞાન અઢળક છે. કપરી સ્થિતિમાં કોહલીને માર્ગદર્શન આપવા માટે તેનાથી વધારે કોઇ સારો ખેલાડી હોઇ શકે નહીં. ઘણા લોકોને ખબર નથી કે છેલ્લા ૧૦થી ૧૨ વર્ષમાં સ્ટમ્પ પાછળ ધોનીનું પ્રદર્શન ખરાબ થયું નથી. ટીકાકારો હંમેશાં તેને બેટ્સમેન તરીકે નિહાળે છે.

આખરે અટકળોનો અંત

બીસીસીઆઈએ વિવિધ અટકળોનો અંત લાવતાં રવિવારે સર્વાનુમતે નિર્ણય કર્યો હતો કે ટીમ ઇન્ડિયા પહેલી જૂનથી ઇંગ્લેન્ડમાં રમાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટાઇટલનું રક્ષણ કરવા માટે રમશે. બીસીસીઆઇની વિશેષ સામાન્ય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગયા મહિને દુબઇ ખાતે આઇસીસીની બેઠકમાં મોડેલ રેવન્યૂના વિવાદમાં મળેલા પરાજય બાદ ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાનું ટાળશે તેવી અટકળો થઇ રહી હતી. જોકે પ્રશાસકો, ખેલાડીઓ તથા સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી અધિકારીઓની પેનલ (સીઓએ)ના દબાણ વચ્ચે બોર્ડે ટીમને મોકલવાનો નિર્ણય કરવો પડ્યો છે.
સીઓએ પ્રમુખ વિનોદ રાયે બીસીસીઆઇના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આઇસીસીએ ૧૦ કરોડ ડોલર વધારાના આપવાની ઓફર કરી છે અને આ યોગ્ય છે. બોર્ડ વધારાની રકમ દ્વિપક્ષીય શ્રેણી રમીને પણ મેળવી શકે છે. કેપ્ટન કોહલી તથા કોચ કુંબલેને ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે તે અગાઉથી જણાવી દેવાયું હતું.
અગાઉ એવી ચર્ચા ચાલી થઇ હતી કે બીસીસીઆઇ મેમ્બર્સ પાર્ટીસિપેશન એગ્રીમેન્ટ (એમપીએ) તોડી શકે છે. એમપીએ આઇસીસીની ટૂર્નામેન્ટમાં ભાગીદારી માટે છે. જો બીસીસીઆઇએ એમપીએ તોડ્યો હોત તો તેના પર ૨૦૨૩ સુધી ચેમ્પિયન્સ ટ્રોફી સહિતની અન્ય તમામ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા સામે કે તેની યજમાનગતિ કરવા સામે પ્રતિબંધ મૂકાઇ ગયો હોત. ટૂર્નામેન્ટમાં ૨૦૧૯ તથા ૨૦૨૩નો વર્લ્ડ કપ પણ સામેલ હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇંડિયા

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અજિંક્ય રહાણે, મનિષ પાંડે, યુવરાજ સિંહ, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ
સ્ટેન્ડબાય પ્લેયર્સ: સુરેશ રૈના, ઋષભ પંત, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર


comments powered by Disqus