ઋષિકેશઃ સનાતન હિન્દુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું આગવું મહત્ત્વ છે. દેશની ચારેય દિશામાં ફેલાયેલા યાત્રાધામો - બદરીનાથ, દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વરમને આવરી લેતી ચાર ધામ યાત્રા દેશની સૌથી મોટી યાત્રાનું બહુમાન ધરાવે છે. આ ચાર ધામ યાત્રા જેટલું જ મહત્વ ધરાવે છે ઉત્તરાખંડની નાની ચાર ધામ યાત્રા. બુધવાર, ત્રીજી મેના રોજ કેદારનાથ ધામના દ્વાર ખૂલ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ભગવાન કેદારનાથના દર્શન કર્યા હતા અને મંદિરમાં અભિષેક કર્યો હતો. ગંગોત્રી, યમનોત્રીના પણ દ્વાર ખુલવા સાથે અક્ષયતૃતિયાથી ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે.
હવે શનિવારે, છઠ્ઠી મેના રોજ બદરીનાથ ધામના દ્વાર ખુલશે. આ દિવસે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ભગવાન બદરીવિશાલના દર્શન કરવા મંદિરે પહોંચશે. આ યાત્રાને હિમાલયી કે નાની ચાર ધામ યાત્રા કહેવાય છે. ચાર ધામ માટે ઋષિકેશ પહેલો પડાવ છે. જ્યાં રેલવે, સડક અને હવાઈ માર્ગે જઈ શકાય છે.
ચાર નદીઓનું ઉદ્ગમસ્થાન
ઉત્તરાખંડના ગઢવાલમાં સ્થિત ચાર ધામ ચાર પવિત્ર નદીઓનું ઉદ્ગમસ્થાન છે. ઉત્તરકાશી જિલ્લામાં આવેલા યમુનોત્રીમાંથી યમુના, ગંગોત્રીમાંથી ગંગા, રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કેદારનાથ પાસેથી મંદાકિની અને ચમોલી જિલ્લામાં આવેલા બદરીનાથથી અલકનંદા નદી નીકળે છે. લગભગ છ મહિના સુધી પૂજાઅર્ચના થાય છે. એ પછી નવેમ્બરના બીજા અઠવાડિયામાં મંદિરના દ્વાર બંધ કરી દેવાય છે.
ઉત્તરાખંડના ચાર ધામ
• યમુનોત્રીઃ ચાર ધામ યાત્રા હરિદ્વારથી શરૂ થાય છે જ્યાં સૌથી પહેલા શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરે છે. એ પછી યમુનોત્રીમાં યમુનાજીના દર્શન થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર યમુનાજી સૂર્ય પુત્રી અને યમની બહેન છે. અહીં તેમની દિવ્ય શિલા જોવા મળે છે.
• ગંગોત્રીઃ ચાર ધામની યાત્રાનું બીજું ધામ ગંગોત્રી છે, જે યમુનોત્રીથી ૨૨૮ કિલોમીટર દૂર છે. ગંગોત્રીની ઊંચાઈ ૧૦,૩૦૦ ફૂટ એટલે કે ૬,૬૭૨ મીટર છે. ગંગોત્રીમાં મા ગંગાની દિવ્ય શિલાના દર્શન અને સ્થાનનું ખાસ મહત્ત્વ છે.
• કેદારનાથઃ ચાર ધામ યાત્રાનું ત્રીજું ધામ કેદારનાથ છે. ઊંચા પવર્ત અને હજારો ફૂટની ઊંડી ખાઈની વચ્ચે ગૌરીકૂંડમાં સ્નાન કર્યા બાદ કેદારનાથનું ૨૨ કિલોમીટરનું ચડાણ શરૂ થાય છે. વર્ષ ૨૦૧૩ની કુદરતી આપત્તિ પહેલા આ અંતર ફક્ત ૧૪ કિલોમીટર હતું, પરંતુ હોનારતે કેદારનાથની ભૂગોળ બદલી નાખી છે. માન્યતા છે કે જ્યારે પાંડવ ગૌત્ર હત્યાના પાપથી મુક્તિ પામવા માટે હિમાલય પર ભટકી રહ્યા હતા ત્યારે જાતે ભગવાન કેદારનાથે પાંડવોને દર્શન આપીને ગૌત્ર હત્યાના પાપમાંથી મુક્તિ અપાવી હતી.
• બદરીનાથઃ ચમોલી જિલ્લામાં ૩,૧૩૩ મીટરની ઊંચાઈ પર ચાર ધામ યાત્રાનો ચોથો અને છેલ્લો પડાવ બદરીનાથ ધામ છે. ગૌરીકુંડથી બદરીનાથ ૨૨૯ કિલોમીટર દૂર છે. અહીંથી બદરીનાથ જવાના બે માર્ગ છે. એક કેદારનાથથી રુદ્રપ્રયાગ થઇને ૨૪૩ કિલોમીટર દૂર બદરીનાથ જવું અથવા તો બીજો માર્ગ ઉખીમઠ થઈને ૨૩૦ કિલોમીટરનું અંતર કાપી ત્યાં પહોંચવું. નવેમ્બરમાં મંદિરના દ્વાર બંધ થાય. એ પછી ઉખીમઠમાં પૂજા થાય છે. કહેવાય છે કે અહીં સ્વયં નારાયણ ભક્તોને દર્શન આપતા હતા. પરંતુ જ્યારે ધરતી પર પાપ વધી ગયા તો તેઓ પણ અદૃશ્ય થઈ ગયા.
કોણે બનાવ્યા મંદિર?
આ પહાડો પર ચારધામના મંદિર કોણે બનાવ્યા છે તે અંગેની માન્યતા અનુસાર...
• કેદારનાથઃ ૮મી અને ૯મી સદીમાં આદિગુરુ શંકરાચાર્યએ આ મંદિર બનાવ્યું હતું.
• બદરીનાથઃ આદિગુરુ શંકરાચાર્યે હિંદુ મંદિરનું રૂપ આપ્યું.
• ગંગોત્રીઃ ગોરખા જનરલ અમરસિંહ થાપા
• યમુનોત્રીઃ ૧૯મી સદીમાં જયપુરનાં મહારાણી ગુલેરિયાએ આ મંદિર બનાવ્યું હતું.
ચાર ધામ મહામાર્ગ વિકાસ પરિયોજના
ડિસેમ્બર ૨૦૧૬માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર ધામ હાઇ-વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડમાં ૯૦૦ કિલોમીટ લાંબા નેશનલ હાઇ-વેનું નિર્માણ કરાશે. આ પ્રોજેક્ટ પાછળ ૧૨,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચાશે. આ રસ્તા પર ૧૩૨ પૂલ, ૧૩ બાયપાસ અને ૨ ખાસ ટનલ બનાવાશે. તમામ રાષ્ટ્રીય રાજમાર્ગ બે લેનના હશે અને તેમની લઘુતમ પહોળાઈ ૧૦ મીટર હશે. ઋષિકેશથી શરૂ થનારો આ પ્રોજેક્ટ કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સુધી જશે. આ યાત્રા અત્યારે ૮૧૩ કિલોમીટરની થાય છે. જે હાઇ-વે બનતા ઘટીને ૩૮૯ કિલોમીટર થઈ જશે.
મોટી ચાર ધામ યાત્રા
ચાર ધામ યાત્રા ધાર્મિક દૃષ્ટિએ મહત્ત્વની મનાય છે. કહેવાય છે કે જે દેશના ચાર ખૂણામાં સ્થિત ચાર ધામોના દર્શન કરી નહીં શકે તે ઉત્તરાખંડની નાની ચાર ધામ યાત્રા કરીને પૂણ્ય કમાઈ શકે છે. ભારતીય ધર્મગ્રંથોમાં બદરીનાથ, દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વરમને મુખ્ય ચાર ધામ યાત્રા મનાય છે. ઓડિસાના સમુદ્ર તટે આવેલી જગન્નાથપુરી વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. જે ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે. જ્યારે રામેશ્વરમ્ તામિલનાડુના રામાનાથપુરમ્ જિલ્લામાં સમુદ્રના કિનારે છે. રામેશ્વરમ્ મંદિર હિંદુ મહાસાગર અને બંગાળની ખાડીથી ચારે બાજુ ઘેરાયેલો શંખ આકારનો દ્વીપ છે. અહીં સ્થાપિત શિવલિંગ ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક મનાય છે.

