લોસ એન્જલસઃ ટીવી સિરીઝ ‘ક્વોન્ટિકો’માં અભિનય સાથે આંતરરાષ્ટ્રીય ફલક પર સફળ પ્રવેશ મેળવ્યા બાદ પ્રિયંકા ચોપરા તેના અલ્ટ્રા ગ્લેમરસ લુક સાથે રેડ કાર્પેટ પર જોવા મળે છે. કેલિફેર્નિયાના બેવરલી હિલ્સમાં બેવરલી હિલ્ટન હોટલ ખાતે ગત ૮ જાન્યુઆરીએ યોજાયેલા ૭૪મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ૩૪ વર્ષીય ચોપરા એક પ્રેઝન્ટર તરીકે રેડ કાર્પેટ પર પહોંચી હતી. અભિનેત્રી દીપિકા પદૂકોણ પણ એવોર્ડ શો બાદ વોર્નર બ્રધર્સ સ્ટુડિયો અને ઈનસ્ટાઈલ મેગેઝિન દ્વારા યોજાયેલી ગ્લોબ્સ આફ્ટર પાર્ટીમાં ઉપસ્થિત રહી હતી. ચોપરાએ ‘વોકિંગ ડેડ’માં નેગનની ભૂમિકા ભજવતા જેફરી ડિન મોર્ગન સાથે ‘બેસ્ટ એક્ટર ઈન ટીવી સિરીઝ – ડ્રામા’ કેટેગરી માટે ‘ગોલિયાથ’ માટે બિલી બોબને ટ્રોફી અર્પણ કરી હતી.
પ્રિયંકાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ મારા માટે સારો સમય છે. હું વિચારું છું કે હું માત્ર એક કલાકાર છું અને મારું કામ મને જ્યાં લઈ જાય ત્યાં જઉં છું. ‘ક્વોન્ટિકો’ માટે તેમજ આગામી ‘બેવોચ’ને લઈને હું ખૂબ રોમાંચિત છું. હોલિવૂડના ઝેક એફ્રન અને ડ્વેન જહોનસન જેવા સ્ટાર્સે પ્રિયંકાને ‘બ્યુટિફુલ’ અને ‘સ્ટનિંગ’ ગણાવીને તેની પ્રશંસા કરી હતી.
હોલિવૂડમાં પોતાની એન્ટ્રી સાથેની ‘xXx: ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજ’ના રિલીઝની પ્રતીક્ષા કરી રહેલી દીપિકા પદુકોણ અત્યંત ફેશનેબલ પરિધાન સાથે ગ્લોબ્સ આફ્ટર પાર્ટીમાં હાજર થઈ હતી. ‘બાજીરાવ મસ્તાની’ની અભિનેત્રી દીપિકા પદુકોણ એક પ્રમોશન માટે અમેરિકાની મુલાકાતે હતી.

