સપને વો નહીં હોતે જો આપ સોને કે બાદ દેખતે હો
સપને વો હોતે હૈ જો આપકો સોને નહીં દેતે...
ચોટદાર સંવાદોથી ભરપુર ‘દંગલ’માં આમિર ખાન, સાક્ષી તન્વર, ફાતિમા સના શેખ, જાઈરા વસીમ, સાનિયા મલ્હોત્રા, સુહાની ભટનાગર, અપારશક્તિ ખુરાના અને ગિરિશ કુલકર્ણીએ અદભુત અભિનય આપ્યો છે. આમ તો કુશ્તીની રમત પરથી સલમાન ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ ‘સુલતાન’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી, પણ તાજેતરમાં આવેલી ‘દંગલ’ તેની સ્ટોરીને લીધે આ ફિલ્મથી જોજનો દૂર છે. દિગ્દર્શક નિતેશ તિવારીએ ‘દંગલ’ને રિયાલસ્ટિક ટચ વધારે આપ્યો છે. એકેય સીનમાં ફિલ્મી મસાલો નહીં છતાં ફિલ્મ જકડી રાખે છે.
વાર્તા રે વાર્તા
હરિયાણાના પહેલવાન મહાવીર સિંહ ફોગટના જીવન પર આ ફિલ્મ આધારિત છે. પુત્રની આશામાં મહાવીર સિંહના ઘરે એક પછી એક ચાર પુત્રીઓ જન્મ લે છે. મહાવીરને પુત્રની ઝંખના એટલે હોય છે કે તે પુત્રને કુશ્તીબાજ બનાવવા માગતો હોય છે. પુત્રીના જન્મથી મહાવીર પોતાનું સપનું રોળાતું જુએ છે ત્યાં જ એક એવી ઘટના બને છે કે મહાવીરને પોતાનું સપનું સાકાર કરવાનું ઈજન મળે છે અને એ પણ પુત્રીઓ થકી. એક વખત તેની દીકરીઓ વગર કોઈ ટ્રેનિંગે પણ એક યુવકને મારે છે. મહાવીર એ પછી પોતાની દીકરીઓ ગીતા અને બબીતાની કુશ્તીની ટ્રેનિંગ શરૂ કરે છે. તે બંનેને રેસલિંગ ચેમ્પિયન બનાવવા માટે કમર કસે છે. જોકે આ દરમિયાન આખા પરિવારે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર પણ થવું પડે છે.
અફલાતૂન સીન
ફિલ્મના એક સીનમાં દર્શાવ્યું છે કે મહાવીર અને ગીતા વચ્ચે અહંકાર ટકરાય છે. બાપ દીકરી કુશ્તી લડે છે ત્યારે રુંવાડા ઊભા થઈ જાય છે તો બીજી તરફ મહાવીર દીકરીઓને કુશ્તીબાજ બનાવવા માટે આકરી તાલીમ આપે છે ત્યારે દીકરીઓનાં કોઈ નખરાં મહાવીરને છોકરીઓને તાલીમ આપતાં અટકાવી શકતાં નથી એ દૃશ્યો હળવી રમૂજ પણ ઊભી કરે છે. આ ઉપરાંત સંગીતકાર પ્રીતમ અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યએ ફિલ્મમાં જરૂર હોય ત્યાં સુંદર ગીતો આપ્યાં છે. ફિલ્મમાં રોમેન્ટિક ટ્રેક ‘ગિલેહરિયાં’, હરિયાણી હિપહોપ ‘હાનિકારક બાપુ’ અને ‘ધક્કડ’ ફિલ્મમાં જોવા ગમે તેવાં ગીતો છે.

