જાન્યુઆરીના પ્રારંભે ચોથી તારીખે એક નાનકડો પણ યાદગાર કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં બરાબર ૧૦૦ વર્ષ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદ શહેર સુધરાઈની ચુંટણી લડી હતી તેને નિમિત્ત બનાવીને એક પુસ્તકનું વિમોચન થયું. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એકતાની પ્રતિમા નર્મદા કિનારે બની રહી છે જે દુનિયાની સહુથી અધિક ઊંચી હશે, અમેરિકાની સ્વાતંત્ર્ય પ્રતિમા કરતા યે ઊંચેરી, ૧૮૨ મીટરની. તેને માટે રચાયેલા સરદાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના સભ્ય સચિવ કે.શ્રીનિવાસે આ કાર્યક્રમમાં ટ્રસ્ટના અધ્યક્ષ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે પુસ્તક ખુલ્લું મુકાવ્યું તેમાં સરદારના જીવન પર પ્રાપ્ત કેટલાક દસ્તાવેજોની અને પુસ્તકોની માહિતી છે.
એકસો વર્ષ પહેલાના અમદાવાદમાં સરદાર ! આ પણ એક રસપ્રદ દસ્તાવેજ ગણાય. આપણા દેશના મોટાભાગના દેશ-નેતાઓ સ્થાનિક નગર સુધરાઈના પ્રમુખ બન્યા પછી રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા હતા તેમાં વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ પણ ખરા. ગોધરા અને બોરસદ પછી વકીલાત માટે સરદાર અમદાવાદ આવ્યા ત્યારે તેમનો દબદબો હતો. સરસ ચિરૂટ અને સિગારેટ પીતા. ભદ્રમાં આવેલી કોર્ટ પાસેની ગુજરાત ક્લબમાં પત્તા ખેલતા. અને ગમ્મત કરતા, એકવાર ગાંધીજી આ ક્લબમાં ભાષણ કરવા આવ્યા ત્યારે માવલંકર તેમને સાંભળવા જતા હતા તો સરદારે મજાકમાં કહ્યું: ‘દાદાસાહેબ, આ અમારી બ્રિજની રમત જોશો તો કૈંક શીખશો. ગાંધી શું કહેવાના છે તે અત્યારથી હું કહી શકું તેમ છું, ગાંધી તમને પૂછશે કે ઘઉમાંથી કાંકરા વીણતા આવડે છે કે નહીં? પછી તમને સમજાવી દેશે કે સત્યાગ્રહ આને કહેવાય.’ એ જ સરદાર પછીથી ગાંધીજીના જમણા હાથ બની રહ્યા તે રસપ્રદ વળાંક સરદારના જીવનમાં આવ્યો.
અમદાવાદની પેલી ચૂંટણીમાં તો સરદાર એક મતે હારી ગયા (અટલબિહારી વાજપેયી પ્રથમવાર લોકસભામાં એક મતે હાર્યા તેનો ધારદાર ઉપયોગ પછીની રાષ્ટ્રીય ચૂંટણીમાં પોતાના ભાષણની શરુઆતમાં કરતા કે બસ, તમારા એક મતની જરૂર છે! જેથી હવે એક મતે મારી સરકાર જાય એવું ના બને.. !) પછી વળી પાછા સુધરાઈના સભ્ય બન્યા અને સ્થાનિક સ્વરાજની મૂળભૂત સેવામાં પ્રદાન કર્યું.
સરદાર અમદાવાદમાં ક્યાં રહેતા હતા? સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ભદ્રમાં અત્યારે જે સ્મારક ટ્રસ્ટ તરીકે છે તેમાં સરદાર રહેતા. પણ તે પહેલા એક મકાનમાં તેમનો પ્રથમ નિવાસ હતો તે વાત બહુ ઓછા જાણે છે. ભદ્રથી આસ્ટોડિયા જતા ખમાસા ગેટના ચોકમાં પોલીસ ચોકી છે, તેની પાસેની ઈમારત એ તેમનું મકાન. ઈમારત તો શું, નીચે એક મોટો ઓરડો અને ઉપર બીજા બે અને નાની લોબી. સિત્તેરના દાયકામાં ‘સાધના’ સાપ્તાહિક કકલભાઈ કોઠારીના પ્રભાત દૈનિક પ્રેસમાં છપાતું. કકલભાઈ પોતે મેઘાણીના ‘સૌરાષ્ટ્ર’ અખબારના તેજસ્વી પત્રકાર. તેમની સાથે બબીબહેન ભરવાડા આ પ્રેસનું સંચાલન કરતાં. સાધનાનો વાચક વર્ગ વિસ્તરતો ગયો એટલે પોતાના પ્રેસની જરૂરત ઉભી થઇ. ખમાસા ગેટ પાસેનું આ મકાન તેના માલિકે વેચવા કાઢ્યું હતું તેની સાથે વાતચીત થઇ. પન્નાલાલ શાહ મેનેજર બન્યા. તેમની ખાંખાખોળાની ટેવ એટલે મકાન માલિકે કહ્યું કે અહી સરદાર રહેતા હતા, પણ સરકાર સ્મારક તરીકે મકાન લઇ નાં જાય એટલે અમે કોઈને કહેતા નહોતા. પણ આનું પ્રમાણ શું? એટલે ૧૩.૭.૧૯૯૬ના દિવસે મણીબેન પટેલ સભાગૃહમાં પ્રા.સિદ્ધાર્થ ભટ્ટનું વ્યાખ્યાન થયું તેમાં મને આનો પુરાવો મળ્યો,(આ વ્યાખ્યાન પુસ્તિકા સ્વરૂપે છપાયેલ છે) સિદ્ધાર્થ ભટ્ટ ઈતિહાસ અને રાજનીતિના ઉત્તમ અભ્યાસી અને ખરા અર્થમાં સંશોધક છે. સરદાર પરના તેમના પુસ્તકો ખરા અર્થમાં સંશોધન અને વિશ્લેષણ પૂરું પાડે છે. અમારા માટે આ મકાનનું મહત્વ વધી ગયું અને ૧૯૭૫-૭૬ની કટોકટીની લડાઈના મુખપત્ર તરીકે જાણીતું થયેલું સાધના અહીં છપાતું તેનું ગૌરવ આજે પણ છે. એટલું જ નહી, તે સમયે કટોકટીની ખિલાફ સત્યાગ્રહ કરનારાં સરદાર-પુત્રી મણીબહેન પણ એકવાર સાધનાના આ મુદ્રણાલયની મુલાકાતે આવ્યાં ત્યારે તેમણે આ પ્રથમ મકાનની યાદ તાજી કરી હતી. સરદારના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ આ લોકશાહીનો સંગ્રામ હતો એટલે તેમાં સહભાગી બન્યા, આ મકાન પર પોલીસનું સીલ લાગ્યું અને મેનેજર સહિતના લોકોને મીસા હેઠળ પકડી લેવાયા... આમ ખરા અર્થમાં સરદારના નિવાસને સાર્થક કરવાનો અમને મોકો મળી ગયો હતો. મકાન તો હજુ ત્યાં જ ઉભું છે એક ઉપેક્ષિત સ્મરણ સ્થાનની જેમ!
સરદારના અમદાવાદ નિવાસ દરમિયાન ટપાલી સંગઠનના પ્રમુખ બન્યા હતા. રેલ્વે કર્મચારીના યુનિયનને સંભાળ્યું. શહેર સુધરાઈના નોકર મંડળના પ્રમુખ બન્યા. ૧૯૧૭ થી શહેર સુધરાઈમાં સક્રિય થયા. ૧૯૨૪માં પ્રમુખ બન્યા. ચાર વર્ષ પછી બારડોલીના સંગ્રામ માટે અમદાવાદની વિદાય લીધી, તે દરમિયાન ધૂળિયાં અમદાવાદને સ્વચ્છ બનાવ્યું, રસ્તા બનાવ્યા, પશ્ચિમ વિસ્તારનો વિકાસ કર્યો, ભયંકર પુર આવ્યું તેમાં લગાતાર સેવાયજ્ઞ કર્યો, અધિકારીઓ સામે સાચા કામો માટે બાખડ્યા. પ્લેગ માટે જવાબદાર કુતરા અને ઉંદરનો નાશ કરવાનો નિર્ણય કર્યો તો જીવદયા પ્રેમીઓ તેમની વિરુદ્ધમાં મેદાને પડ્યા! યહુદી જેવી સાવ નાનકડી લઘુમતીના પ્રશ્નોને પણ ઉકેલ્યા, મ્યુઝીયમ બનાવ્યું. રીલીફ રોડ કાયમ માટેનો મજબુત બનાવ્યો. એલિસબ્રિજનું સર્જન થયું. વાડીલાલ હોસ્પિટલ થઇ. પોતે પ્રમુખ હોવા છતાં વાહન ભથ્થું લેતા નહી, એક ગોરા કમિશનરે ૩૦૦ રૂપિયા ભથ્થું માગ્યું તો સરદાર કહે કે હું માથે મેલું ઉંચકનારને ૧૦ રૂપિયા આપી શકતો નથી તો તમને ૩૦૦ કઈ રીતે આપું? કામ કરવું હોય તો ભલે નહીં તો રાજીનામું આપી દો .૧૯૨૭મા ભારે રેલ આવી. ૫૦ ઇંચ વરસાદ થયો. તેમાં હજારો મકાનો ધ્વસ્ત થયા તેમની વચ્ચે સરદાર રહ્યા હતા. પાંચ લાખની તે સમયની વસ્તી ધરાવતા અમદાવાદે સરદારને ઘડ્યા અને સરદારે અમદાવાદને, એ ઐતિહાસિક ઘટનાઓ છે. ત્રીસેક વર્ષ પૂર્વેની સિદ્ધાર્થ ભટ્ટની આ નાનકડી પુસ્તિકા અમદાવાદમાં સરદારની રસપ્રદ વિગતો પૂરી પાડે છે.
ચોથી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના કાર્યાલય સાથે જોડાયેલા ગોષ્ઠી ખંડમાં થોડાક ઈતિહાસકારો, બારડોલી આશ્રમના નિરંજનાબહેન કલાર્થી ( તેમના પિતા ઉત્તમચંદ શાહ સરદારના અંગત સાથીદાર હતા, બારડોલી આંદોલનમાં સક્રિય અને સ્વરાજ આશ્રમ સ્થાપ્યો) મકરંદ મહેતા અને શીરીન મહેતા, મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, એકતા ટ્રસ્ટના સભ્ય સચિવ કેે. શ્રીનિવાસ અને અને ટ્રસ્ટના અધિકારી સંજ્ય જોશી વગેરે હાજર હતા. એકસો વર્ષ પહેલાની રાજનીતિમાં સરદાર પ્રવેશ્યા તે ગુજરાતની વિકાસ યાત્રાના પડાવ પર આપણે છીએ તેની યાદ મુખ્યમંત્રીએ તેમના ટૂંકા પ્રવચનમાં આપી. આ નિમિત્તે સરદારનું પુણ્ય સ્મરણ સ્પન્દન જગાવી ગયું. સરદારના જાહેરજીવનમાં ૧૦૦ વર્ષની સ્મૃતિ નિમિત્તે ગાંધીનગરમાં યોજાયેલા પુસ્તક લોકાર્પણના કાર્યક્રમ બાદ મુખ્ય પ્રધાન સાથે ગોષ્ઠિ થઈ હતી તેમાં તેમણે ૧૯૭૫-૭૬નો કટોકટીકાળ યાદ કર્યો હતો. સરદાર સ્વંત્રતા માટે લડ્યા અને તેમની પુત્રી મણીબેન ૧૯૭૫માં લોકશાહી બચાવવા લડ્યાં અને સત્યાગ્રહ પણ કર્યો તેની સ્મૃતિ આ વાતચીતમાં વ્યક્ત થઈ હતી.
ઈતિહાસકાર મકરંદ મહેતા, શિરીનબેન મહેતા, કરમસદ સરદાર સ્મારકના અધ્યક્ષ, બારડોલી સ્વરાજ આશ્રમના નિરંજનાબહેન તેમજ મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ વગેરે આ પ્રસંગે
ઉપસ્થિત હતાં.

