ટીમ ઇંડિયાનું સુકાન કોહલીને

Wednesday 11th January 2017 05:44 EST
 
 

નવી દિલ્હીઃ ટેસ્ટ ટીમ બાદ વિરાટ કોહલીને હવે વન-ડે અને ટ્વેન્ટી૨૦ ટીમનું પણ સુકાન સોંપાયું છે. ટીમ ઇંડિયા આગેવાની હેઠળ ભારત ૧૫મી જાન્યુઆરીથી પ્રવાસી ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝનો પ્રારંભ કરશે જે માટેની ટીમની છ જાન્યુઆરીએ જાહેરાત કરવામાં આવી હતી.
આ ટીમમાં યુવરાજ સિંહ અને આશિષ નહેરાએ પુનરાગમન કર્યું છે જ્યારે દિલ્હીના આક્રમક વિકેટકીપર-બેટ્સમેન રિશભ પંતને નવા ચહેરા તરીકે ટીમમાં સામેલ કરાયો છે. ગુજરાતનો જસપ્રિત બુમરાહ, વડોદરાનો હાર્દિક પંડ્યા અને સૌરાષ્ટ્રનો રવીન્દ્ર જાડેજા પણ ટીમમાં સામેલ છે, પરંતુ ઇજાગ્રસ્ત અક્ષર પટેલને બહાર રહેવું પડશે.
ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ સુકાની ધોની લગભગ નવ વર્ષના ગાળા બાદ પહેલી વાર માત્ર ખેલાડી તરીકે જ રમશે. ભારે વિવાદ વચ્ચે છઠ્ઠી જાન્યુઆરીએ એમ. એસ. કે. પ્રસાદના વડપણ હેઠળ પસંદગી સમિતિની બેઠક મળી હતી. બેઠક ત્રણ કલાક વિલંબથી શરૂ થઈ હતી અને જસ્ટિસ લોઢા સમિતિની મંજૂરી બાદ તેનો પ્રારંભ થઈ શક્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે જ બોર્ડના તમામ હોદ્દેદારોને ગેરલાયક ઠેરવ્યા હતા.
ભારતીય ટીમમાં રિશભ પંત નવો ચહેરો છે તો નોંધપાત્ર બાદબાકી અજિંક્ય રહાણેની છે. રહાણેને ટી૨૦ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.
યુવરાજ અને આશિષ નહેરાએ ટીમમાં પુનરાગમન કર્યું છે. યુવરાજે આ સિઝનમાં રણજી ટ્રોફીમાં પાંચ મેચમાં ૬૭૨ રન નોંધાવ્યા છે જેમાં વડોદરા સામેના ૨૬૦ રનનો સમાવેશ થાય છે. એ પછીની મેચોમાં તે લગ્નને કારણે રમી શક્યો ન હતો. ગયા વર્ષે ભારતમાં યોજાયેલા ટી૨૦ વર્લ્ડ કપ બાદ નવ મહિના સુધી યુવરાજ ભારતીય ટીમની બહાર રહ્યો છે. આ ઉપરાંત આશિષ નહેરાએ પણ પુનરાગમન કર્યું છે. ગયા વર્ષે આઇપીએલ દરમિયાન ઇજાને કારણે તેને સર્જરી કરાવવી પડી હતી.
ધોની હંમેશાં મારો સુકાની: કોહલી
ભારતીય ટેસ્ટ સુકાની વિરાટ કોહલીએ ધોનીની વન-ડે તથા ટ્વેન્ટી૨૦ ટીમની કેપ્ટનશિપ છોડ્યા બાદ પ્રથમ વખત પ્રતિક્રિયા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ધોની હંમેશાં મારા માટે સુકાની રહેશે. ધોનીએ પાંચમી જાન્યુઆરીએ કેપ્ટનશિપ છોડ્યા બાદ કોહલીને ભારતીય ક્રિકેટનો 'સંપૂર્ણ' સુકાની બનાવવાનું નિશ્ચિત થઇ ચૂક્યું હતું. વિરાટ કોહલીએ ટ્વીટર પર ભાવુક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે યુવા ખેલાડી હંમેશાં તમારી આસપાસ રહેવાની ઇચ્છા રાખતા હોય તેવા સુકાની બની રહેવા બદલ તમારો આભાર. મારા માટે તમે હંમેશા સુકાની રહેશો ધોનીભાઇ.
ટીમ ઇંડિયા
• ટ્વેન્ટી૨૦: વિરાટ કોહલી (સુકાની), લોકેશ રાહુલ, મનદીપ સિંઘ, ધોની, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રિશભ પંત, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, મનીષ પાંડે, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને આશિષ નહેરા.
• વન-ડે ટીમ: કોહલી (સુકાની), લોકેશ રાહુલ, ધવન, ધોની, મનીષ પાંડે, કેદાર જાધવ, યુવરાજ, રહાણે, હાર્દિક પંડ્યા, અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ


comments powered by Disqus