મુંબઈઃ ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટ્વેન્ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી થવાના એક જ દિવસ પહેલાં જ મહેન્દ્ર સિંહ ધોનીએ વન-ડે અને ટી૨૦ ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે.
૨૦૦૭માં ટી૨૦ અને ૨૦૧૧માં ભારતને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવનાર ધોનીએ અચાનક કેપ્ટનશિપ છોડવાનું જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા. જોકે તે વન-ડેમાં વિકેટકિપર-બેટ્સમેન તરીકે રમવાનું ચાલુ રાખશે.
ટેસ્ટ ક્રિકેટમાંથી અગાઉ જ નિવૃત્તિ જાહેર કરી ચૂકેલા ધોનીએ વન-ડે અને ટી૨૦ ટીમની કમાન છોડી હોવાની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ટિવટ કરીને જાણકારી આપી છે. ધોનીએ ૧૯૯ વન-ડે અને ૭૨ ટી૨૦ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે.
બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ પ્રશંસકો અને બીસીસીઆઈ તરફથી હું ધોનીનો આભાર માનું છું. તેણે કેપ્ટન તરીકે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન બતાવ્યું છે. ધોનીની લિડરશીપમાં ટીમ ઇન્ડિયાએ નવી ઊંચાઈઓ મેળવી છે. તેની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ઘણી સિદ્ધિઓ મેળવી છે અને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં તેને હંમેશાં યાદ રખાશે.
ધોનીએ અચાનક આ નિર્ણય કેમ લીધો તે અંગે હજું કશું સ્પષ્ટ થયું નથી, પરંતુ એવું મનાય છે કે તેણે નવા કેપ્ટનને ૨૦૧૯માં યોજાનાર વન-ડે વર્લ્ડ કપ માટે તૈયારી કરવા પૂરતો સમય મળી રહે. ધોનીએ કેપ્ટનશિપ છોડતાં હવે વન-ડે અને ટી૨૦ ટીમની કમાન પણ વિરાટ કોહલીને સોંપાશે તે લગભગ નક્કી છે.
કપિલની સલામ
ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવે કહ્યું કે આ એક ખૂબ જ હકારાત્મક વિચાર છે. આ દેશના હિતમાં તેમજ નવી પેઢીને તક આપવા માટે કરાયેલો વિચાર છે. આ નિર્ણય માટે ધોનીને સલામ કરવી જોઈએ.
કપિલે ઉમેર્યું હતું કે, જો ધોનીએ આ નિર્ણય લીધો હોય તો આપણે તેની સાથે ઊભાં રહેવું જોઈએ. ટેસ્ટ કેપ્ટનશિપ છોડતી વેળાએ તેણે કહ્યું હતું કે નવા ખેલાડીઓ આવી ગયાં છે અને આપણે તેઓને તક આપવી જોઈએ. આ ફેંસલો પણ તેણે કદાચ આ વિચારધારાને આધારે જ લીધો હોઈ શકે. પૂર્વ ક્રિકેટર દીપદાસ ગુપ્તાએ કહ્યું હતું કે આ ચોંકાવનારો નિર્ણય છે. ધોનીએ હંમેશાં ટીમને પોતાની આગળ રાખી છે.
‘તો મેં ધરણાં કર્યા હોત’
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરને વાતનો આનંદ છે કે ધોનીએ ફક્ત વન-ડે અને ટી-૨૦ ટીમની આગેવાની છોડી છે, નિવૃત્તિ લીધી નથી. ગાવસ્કરનું માનવું છે કે વિકેટકીપર બેટ્સમેન ભારતીય ટીમમાં હજી પણ ઘણું યોગદાન આપી શકે તેમ છે.
ગાવસ્કરે જણાવ્યું હતું કે જો ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી હોત તો હું અવશ્ય તેના ઘર સામે ધરણા કરનાર પ્રથમ વ્યક્તિ બની ગયો હોત.
રેકોર્ડનો પણ મોહ ન રાખ્યો
ભારતના સૌથી સફળ કેપ્ટન ધોનીએ વન-ડે અને ટી૨૦ ફોર્મેટની કેપ્ટનશિપ છોડી ભારતીય ક્રિકેટપ્રેમીઓને જોરદાર આંચકો આપ્યો હતો. ક્રિકેટપ્રેમીઓ હજુ સ્વીકાર કરી શક્યા નથી કે, કયા કારણસર ધોનીએ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો. તેમાં પણ ખાસ વાત એ છે કે, તે ૧૯૯ વન-ડેમાં કેપ્ટનશિપ કરી ચૂક્યો હતો અને તે એક વન-ડેમાં કેપ્ટનશિપ કરતો તો ૨૦૦ એક દિવસીય વન-ડેમાં કેપ્ટનશિપ કરનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો કેપ્ટન બની જાત.
જોકે તેણે ૨૦૦મી વન-ડે મેચમાં કેપ્ટનશિપના રેકોર્ડ અંગે પણ વિચાર્યા વિના કેપ્ટનશિપ છોડી દીધી હતી.
પરફેક્ટ સમયે સુકાન છોડ્યું
ધોનીના વન-ડે તથા ટી-૨૦ ટીમના સુકાનીપદને છોડવાના નિર્ણયને આવકારીને મુખ્ય પસંદગીકાર એમ. એસ. કે. પ્રસાદે જણાવ્યું હતું કે ધોનીએ યોગ્ય સમયે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે કારણ કે વિરાટ કોહલી હવે સુકાનીપદ સંભાળવા માટે તૈયાર થઇ ચૂક્યો છે.
પ્રસાદે જણાવ્યું હતું કે જો માહીએ નિર્ણય એક વર્ષ કે મહિના પહેલાં લીધો હોત તો હું ચકિત થયો હોત પરંતુ તેણે સાચા સમયે નિર્ણય લીધો છે.

