‘આ શિયાળે સ્વસ્થ રહો અભિયાન’ પર જનજાગૃતિ કેળવવા બેઠક યોજાઈ

Wednesday 11th January 2017 06:17 EST
 
 

લંડનઃ NHS ENGLANDએ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) સાથે મળીને હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી લોકોનું પ્રતિનિધિત્વ કરતી FAITH તથા BME સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી.બેઠકમાં BME સમુદાયો આ શિયાળામાં કેવી રીતે સ્વસ્થ રહી શકે તેની માહિતી સમુદાય મેળવી શકે તે સુનિશ્ચિત કરવા માટે ધાર્મિક સંસ્થાઓ NHS અને PHE સાથે મળીને કેવી કામગીરી કરી શકે તેના પર વિશેષ ધ્યાન અપાયું હતું.

ચર્ચા દરમિયાન મહત્ત્વની માહિતી આપવામાં આવી હતી અને નક્કી થયું હતું કે BME સમુદાયોની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપવા માટે ભાગીદારીનું વલણ અપનાવવાનું લાભકારક રહેશે.

વર્ષના અન્ય સમયગાળાની સરખામણીમાં દર શિયાળે વધુ લોકો મૃત્યુ પામે છે અને ઠંડા હવામાનમાં પરિસ્થિતિ વધુને વધુ ખરાબ બનતી જાય છે. આ મૃત્યુ પૈકી ૮૦ ટકા લોહીના પરિભ્રમણને લગતા રોગો (જેવા કે હ્રદયરોગ, ફેફ્સાની બીમારી અને સ્ટ્રોક), ડિમેન્શિયા અને શ્વાચ્છોશ્વાસને લગતા રોગ (જેવા કે અસ્થમા)ને લીધે થાય છે.

‘આ શિયાળે સ્વસ્થ રહો’ દ્વારા મહત્ત્વની ભલામણોઃ

• તમે પાત્રતા ધરાવતા હો તો ફ્રી ફ્લૂ જેબ લો

• શક્ય હોય તો તમારા ઘરમાં ૧૮ ડિગ્રી સુધી ગરમીનું વાતાવરણ જાળવી રાખો અને ગરમ કપડાં પહેરો

• તીવ્ર ઠંડીને લીધે બહાર જઈ શકાય તેમ ન હોય તો ઘરમાં ખાવાની વસ્તુઓનો સ્ટોક ભેગો કરી રાખો

• બીમારીનું પ્રથમ ચિહ્ન જણાય તો તરત જ ફાર્મસી પહોંચો

બેઠકમાં હાજર રહેલા શીખ વિમેન્સ એલાયન્સના એક્ઝિક્યુટિવ મેમ્બર ગુરમીત મહલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ખૂબ જ માહિતીપ્રદ રહ્યો. શીખ વિમેન્સ એલાયન્સ આ શિયાળે સ્વસ્થ રહો અભિયાનમાં PHE અને NHS ENGLAND સાથે મળીને કામ કરવા ખૂબ ઉત્સુક છે. આ અભિયાનની સમજ આપવા લોકો સુધી કેવી રીતે પહોંચવુ તે અંગે અમારે ખૂબ હકારાત્મક ચર્ચા થઈ હતી.

કાર્યક્રમમાં હાજર રહેલા મુસ્લિમ એસોસિએશનના ઈબ્રાહીમ હેમૈદાએ જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. સ્થાનિક સમુદાયોને આ અભિયાનમાં સાંકળવાનો અને સંદેશો આપવાનો વિચાર ખૂબ સ્પષ્ટ છે. મુસ્લિમ સમુદાયમાં આ અભિયાનનો સંદેશો ફેલાવવા માટે મસ્જિદો અને ઈમામો સાથે મળીને કામ કરવાનું શ્રેષ્ઠ રહેશે.

રેડબ્રીજ સીસીજીના ડો. જ્યોતિ સુદે કાર્યક્રમનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે BME સમુદાયોમાં જાગૃતિ કેળવવામાં ધાર્મિક સંસ્થાઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. ખાસ કરીને ફ્લૂ વેક્સિન બાબતે માહિતી સાથે આ શિયાળે સ્વસ્થ રહો અભિયાન વિશે યોગ્ય માહિતી દ્વારા ધાર્મિક સંસ્થાઓને સજ્જ કરવા માટે આ કાર્યક્રમ એક હકારાત્મક પગલું રહ્યું હતું. તેનાથી તેમના સમુદાયો પૂરતી માહિતી સાથે નિર્ણય લઈ શકશે.

આ શિયાળે સ્વસ્થ રહો અભિયાનને રજુ કરનારા NHS ENGLANDના સિનિયર કેમ્પેઈન મેનેજર ઈયાન હેમ્પટને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ આ અભિયાન આડેના અવરોધોને સમજવામાં અને તેના પ્રત્યે ધ્યાન આપવામાં અમને મદદરૂપ થઈ શકે અને લાંબા સમયની ભાગીદારી થઈ શકે તે માટે ધાર્મિક સંગઠનો સાથે હાલ ચાલી રહેલી ચર્ચામાં એક સારી શરૂઆત હતી. આ સંસ્થાઓ તેમના સમુદાયો સાથે અમને સાંકળવામાં અને અમારા અભિયાનના અગત્યના સંદેશા લોકો સાંભળે અને તેના પર પ્રતિભાવ આપે તે બાબતોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.


comments powered by Disqus