વડીલો સહિત સહુ વાચક મિત્રો, માનવયાત્રાના પ્રારંભકાળથી જ પ્રગતિ માટે અન્યો સાથેનો સહયોગ આવશ્યક રહ્યો છે. એકલા હાથે તાળી ન પડે એ કહેવત તો આપણે સહુ જાણીએ જ છીએ. યુગો યુગોથી શરૂ થયેલી સહકારયાત્રાએ આજે માનવસંસ્કૃતિને આજના તબક્કા સુધી પહોંચાડી છે. માનવ પોતાની રીતે પોતાના આગવા સમૂહ પણ બનાવી લે છે. જ્ઞાતિ, ધર્મ, વ્યવસાય, વતનનું સ્થાન કે એવા ઘણા વિષયો થકી આપણે એકબીજા સાથે વધુ ઘનિષ્ઠતાથી સંકળાઇએ છીએ. સહયોગની સાંકળ જેટલી મજબૂત એટલો જ ભાવિ પ્રયાસ સફળ.
બ્રિટનમાં, ભારતમાં કે ભારત બહાર અન્ય પ્રજાજનોની જેમ આપણે પણ અવનવા આયોજનો થકી સહયોગ મેળવવા, વધુ કામિયાબ બનવા પ્રયત્નશીલ રહીએ છીએ. ભારતમાં, દક્ષિણ આફ્રિકા, પૂર્વ આફ્રિકા, યુરોપ, બ્રિટન, અમેરિકા વગેરે કેટલાય દેશોમાં અનેક આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં કે પરિષદોમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. આવા અવસરો મારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરતા રહે છે.
અત્યારે સેન્ટ્રલ લંડનમાં થેમ્સ નદીના કિનારે આવેલી એક ભવ્ય હોટેલમાં JITOના નામે આંતરરાષ્ટ્રીય સંમેલન ચાલી રહ્યું છે, જેનું સમાપન બુધવારે થશે. મુંબઇમાં વડું મથક ધરાવતું જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન - JITO- જીતો ના ટૂંકા નામે બહુ જાણીતું બન્યું છે. સંગઠનનો મુખ્ય ઉદ્દેશ છે વેપારવણજ સાથે સંકળાયેલા જૈન સમુદાયના લોકોને એકતાંતણે બાંધવાનો. અને તેના થકી સમાજને વધુ આર્થિક-સામાજિક સુદૃઢ બનાવવાનો. જરા પણ અતિશ્યોક્તિ વિના હું કહી શકું કે આ સંમેલન અનેક રીતે અજોડ છે. જો શક્ય બનશે તો ગુજરાત સમાચાર - એશિયન વોઇસના આગામી અંકોમાં તેનો વધુ સવિસ્તર અહેવાલ આપવાનો વિચાર છે.
વિશ્વભરમાં સંખ્યાબળની દૃષ્ટિએ જોઇએ તો જૈન સમુદાય અલ્પ સંખ્યક ગણાય. બીબીસીના એક અહેવાલ અનુસાર, ૨૦૦૧ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર ભારતમાં ૪૨ લાખ જૈનો વસતા હતા. જે તે વેળાની ભારતની ૧૧૫ કરોડની કુલ વસ્તીના ૦.૩૭ ટકા હતા.
ઓક્સફર્ડ હેન્ડબુક ઓફ ગ્લોબલ રિલિજયન્સના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં જૈનોની કુલ સંખ્યા ૨૫ લાખ જેટલી થવા જાય છે. જૈનો સંખ્યાબળમાં ભલે અલ્પ હોય, પરંતુ શિક્ષણ, વ્યવસાય, વેપાર, ઉદ્યોગ, ઉચ્ચ પદવીઓ અને સખાવતોમાં તેઓ હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યા છે.
રવિવારે સાંજે લગભગ ચારેક કલાક આ મેળાવડામાં મહાલવાનો મને અવસર સાંપડ્યો. ખરેખર આ પ્રસંગ મને દીર્ઘ સમય માટે મને યાદ રહેશે. સંમેલનમાં દુનિયાના ૧૬ જુદા જુદા દેશોમાંથી આવેલા સેંકડો મહેમાનો હાજરી આપી રહ્યા હતા. જેઓ વેપાર-ઉદ્યોગ, બેન્કીંગ, ઇન્વેસ્ટમેન્ટ, એકાઉન્ટ્સ, સોલિસીટર્સ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા હતા. આ સૌના ધંધાની કુલ કિંમત ૩૦ બીલીયન ડોલર અંકાય છે. દેશ-દેશાવરના જૈન બંધુઓ - ભગિનીઓ ભેગા થયા હતા, જેમાંના મોટા ભાગના ૫૦થી નાની વયના હતા. સંમેલનમાં અલગ અલગ વિષયો પર ચર્ચા ચાલી હતી. આવા સુભગ સામૂહિક ચિંતન અને સહયોગના સાક્ષી બનવાનો અમૂલ્ય અવસર JITOએ મને પૂરો પાડ્યો. જોકે આજે મારે અમુક મુદ્દે જ વધુ ધ્યાન કેન્દ્રીત કરવું છે.
સેમિનારના સાંજના શેસનમાં સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી નિવાસ મિત્તલ ખુદ ઉપસ્થિત રહ્યા. તેમને કંઇ કેટલાય આકરા પ્રશ્નો પૂછવામાં આવ્યા. પરંતુ તેમણે એકદમ સ્વસ્થતાથી તેનો સામનો કર્યો. લક્ષ્મી નિવાસ મિત્તલને હું ૧૯૯૬થી હું જાણું છું. પરંતુ આ પ્રકારે તેઓ વિચારોનું આદાનપ્રદાન કરી શકે છે એ તો મારા માટે અકલ્પ્ય કહેવાય તેવું હતું.
કોલકતામાં જન્મેલા લક્ષ્મી નિવાસના પિતાશ્રી સ્ટીલના વેપારી હતા. એક નાના શા વેપારીનો દીકરો આજે દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલર મિત્તલનો માલિક છે. અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ ઉદ્યોગ સમૂહના માલિકે બહુ નમ્રતા સાથે સ્વીકાર્યું કે તેમના વેપારની શરૂઆત બહુ નાના પાયે હતી. અને આજના સ્થાને પહોંચતા સુધીમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. નાની-મોટી જાતભાતની મુશ્કેલીઓ આવી છે, ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે, પરંતુ પરિવારના સહકાર સાથે તેઓ આ અવરોધો સામે ઝઝૂમીને આજના સ્થાને પહોંચ્યા છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે કોઇ પણ કાર્ય પરિવારજનોને સાથે રાખીને કરવામાં આવે તો અવશ્ય તેના સારા ફળ મળે જ છે.
વાચક મિત્રો, ભવિષ્યમાં મિત્તલ પરિવાર અને તેમના સ્ટીલ સામ્રાજ્ય વિશે વધુ વિસ્તારપૂર્વક રજૂઆત કરવાની આશા રાખું છું. આજે મારે કલમ આગળ વધારવી છે હિન્દુજા પરિવારના મોભી માટે. બ્રિટનના સૌથી શ્રીમંત (નાગરિક) ભારતીય હિન્દુજા પરિવારના વડા ગોપીચંદ હિન્દુજાએ આ સંમેલનમાં તેમની જીવનગાથાને વણી લેતું મનનીય ઉદ્બોધન કર્યું હતું. તેમના સંબોધનમાં વેપારવણજની સફળતાની વાત તો હતી જ, પરંતુ એથીય વિશેષ તો એ જાણવું રસપ્રદ હતું કે તેઓ ક્યા જીવનમૂલ્યોને અનુસરી રહ્યા છે.
હિન્દુજા પરિવારના મોભી સાથેનો મારો પહેલો પરિચય થયો ૧૯૮૨માં. રતિલાલ ચંદેરિયાના લંડનસ્થિત નિવાસસ્થાને એક ડીનર યોજાયું હતું. શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજાબંધુઓ સહિતના આમંત્રિતોમાં મારું નામ પણ સામેલ. બસ, તે વેળા હિન્દુજાબંધુઓ સાથે થયેલો પરિચય વર્ષોવર્ષ મજબૂત બનતો રહ્યો છે.
હવે વાત તેમના પરિવારની. ૧૯૧૪માં પાંચ પુત્રોના પિતાશ્રી પરમાનંદજીએ હિન્દુજા પેઢીની સ્થાપના કરી. વ્યાવસાયિક કોઠાસૂઝે સમયના વહેવા સાથે વેપાર વિસ્તાર્યો. મુંબઇમાં મુખ્ય મથક બન્યું, પરંતુ સાથોસાથ ઇરાન, સિંધ, કરાચી સહિતના દેશોમાં પણ વ્યવસાય ધમધમતો કર્યો. પ્રારંભ વેળા જૂથની મુખ્ય કામગીરી ટ્રેડિંગની હતી, પરંતુ વર્ષોના વીતવા સાથે અન્ય ક્ષેત્રે પણ ઝંપલાવ્યું. ૧૯૭૫ સુધીમાં તો મિડલ ઇસ્ટમાં હિન્દુજા જૂથની સફળતાના વાવટા ફરકવા લાગ્યા હતા. મસમોટો કારોબાર જામ્યો હતો, પરંતુ ૧૯૭૯માં સારા દિવસોએ કરવટ બદલી. ઇરાનમાં આયતોલ્લાહ ખોમૈનીની ચળવળે રાજકીય ક્રાંતિ સર્જી. શહેનશાહ પદભ્રષ્ટ થયા. દેશભરમાં અરાજકતાનું મોજું ફરી વળ્યું. પરિવારનો મુખ્ય કારોબાર ઇરાનના તહેરાન કેન્દ્રીત હતો. સૂકા સાથે લીલું બળે. હિન્દુજા જૂથ માટે પણ મુશ્કેલ દિવસો શરૂ થયા. લેબેનોનના બૈરુતમાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓ વિસ્તારી હતી. ત્યાં પણ અગાઉ આંતરિક અશાંતિનો માહોલ ફેલાયો. સિવિલ વોર ફાટી નીકળી અને હજારો માર્યા ગયા. આ સંજોગોમાં હિન્દુજા જૂથે સ્થળાંતર માટે અન્ય દેશો ભણી નજર દોડાવ્યા વગર છૂટકો નહોતો.
પરિવારનો ભારત અને ભારતીય મૂલ્યો સાથે મજબૂત નાતો. સ્વ-દેશ માટે અખૂટ લગાવ. પરિવારજનો વૈષ્ણવ પરંપરાને ચુસ્તપણે પાળનારા. શુદ્ધ શાકાહારી. અને ભારતીય સંસ્થાઓ-સંગઠનોને આર્થિક અનુદાન આપવા સદૈવ તત્પર... હિન્દુજા જૂથનું વડું મથક સ્થાપવા અન્ય દેશો ભણી નજર દોડાવવાનું નક્કી થયું.
આ સમયગાળામાં હિન્દુજા પરિવારના સૌથી મોટા પુત્રનું ૩૨ વર્ષની યુવા વયે અકાળે નિધન થયું હતું. ચારે ભાઇઓ - શ્રીચંદભાઇ, ગોપીચંદ, પ્રકાશ અને અશોક સહુએ સ્થળાંતરનો સહિયારો નિર્ણય કર્યો. હિન્દુજા જૂથના બહોળા વેપારને અનુકૂળ માહોલ માટે પેરિસ, જીનિવા, વોશિંગ્ટન, ન્યૂ યોર્ક, લંડન સહિત દુનિયાના અનેક મહાનગરોના નામો વિચાર્યા. છેવટે લંડન પર પસંદગી ઉતારી. અને આજે... હિન્દુજા પરિવારનો વેપાર-ઉદ્યોગ દુનિયાના ૧૧૦ દેશોમાં ફેલાયેલો છે. જૂથ અનેકવિધ ક્ષેત્રે વ્યાવસાયિક પ્રવૃત્તિ કરે છે, પરંતુ આમાંની એક પણ પ્રવૃત્તિ ટોબેકો, દારુ કે ગેમ્બલીંગના વ્યવસાય સાથે સંકળાયેલી નથી. કારણ? પારિવારિક મૂલ્યો. ગોપી હિન્દુજાનું કહેવું છે કે અમે ઢગલાબંધ ક્ષેત્રે બિઝનેસમાં પરોવાયેલા છીએ, પણ નૈતિક મૂલ્યોના કારણોસર અમે આ સેક્ટરમાં પ્રવેશવાનું ટાળ્યું છે.
વાચક મિત્રો, આપને કદાચ ઉત્સુક્તા થતી હશે કે હિન્દુજા પરિવારની વાતો આટલી વિગતે કરવાનું કારણ શું? પરિવારના બેકગ્રાઉન્ડ વિશે આટલી વિગતાવર જાણકારી આપવાનું મુખ્ય કારણ એ છે કે હું તેમના પારિવારિક મૂલ્યોથી આપ સહુને વાકેફ કરાવવા માંગુ છું. આજે વિદેશમાં વસતો ભાગ્યે જ કોઇ ભારતીય હિન્દુજા જૂથની તોલે આવે તેવો વેપારઉદ્યોગ ધરાવતા હશે. ગોપીચંદ હિન્દુજાએ JITO સંમેલનમાં રજૂ કરેલી જૂથની વિકાસગાથામાં છુપાયેલા મૂલ્યો સહુ કોઇ માટે પ્રેરણાદાયી છે. તેમના પ્રવચનમાંથી વીણેલા મોતી આપની સમક્ષ સાદર કરી રહ્યો છું.
• સહિયારી માલિકીઃ અમારા પરિવારના વ્યવસાયમાં બધું બધાનું છે, કોઇ એકની માલિકીનું કંઇ નથી. ગોપીચંદ હિન્દુજાના શબ્દોમાં જ કહું તોઃ Everything belongs to everyone, nothing belongs to anyone. કેવી ઉમદા વિચારસરણી! આજે એક જ પેઢીના બે ભાઇઓ પણ સાથે મળીને પિતાનો વ્યવસાય સંભાળી શકતા નથી ત્યારે હિન્દુજા પરિવાર ચાર - ચાર પેઢીથી એક તાંતણે બંધાઇ રહ્યો છે તેનું રહસ્ય સમજાયું ને...
• સંસ્કાર-મૂલ્યોને મહત્ત્વઃ અમારા પરિવાર પરિવાર માટે ધર્મ, સંસ્કાર, મૂલ્યો હંમેશા સર્વોચ્ચ સ્થાને રહ્યા છે. પારિવારિક સંસ્કારો અકબંધ રહે તે માટે અમે સદા સજાગ રહીએ છીએ. વાચક મિત્રો, જ્યાં સંસ્કાર-મૂલ્યોનું જતન થવાનું ત્યાં સુખ-સમૃદ્ધિનું સંવર્ધન થતું જ રહેવાનું.
• સંતોષી જીવ સદા સુખીઃ અમે હંમેશા બિઝનેસનું વિસ્તરણ કરતા રહ્યા હોવા છતાં અમારી પાસે હાલ જે કંઇ છે તેનો હંમેશા સંતોષ પણ અનુભવતા રહ્યા છીએ. કોઇ પણ પ્રકારે વધુને વધુ સંપતિનું સર્જન કરવું એ અમારી નીતિ ક્યારેય રહી નથી.
• સહુ સાથે સમાનતાઃ મોટા ગજાના રાજવી હોય, શાસક હોય, ઉચ્ચ અધિકારી હોય કે અદનો આદમી, અમે સહુ કોઇ સાથે સમતોલ વ્યવહાર કરી જાણીએ છીએ. સહુ કોઇને સમાન આદર-સન્માન આપીએ છીએ.
• પ્રશ્નો, સમસ્યા રહેવાના જઃ આપણું અંગત જીવન હોય કે વ્યવસાય, નાના-મોટા પ્રશ્નો, સમસ્યા રહેવાના જ. તમે ગમેતેટલો પ્રયાસ કરશો તેને સમૂળગા નાબૂદ કરી શકશો નહીં. મુશ્કેલીઓ આવવાની જ. ચઢતીની સાથે પડતી પણ આવવાની જ. સવાલ અહીં એ હોય છે કે તમે તેનો સામનો કઇ રીતે કરો છો. મુશ્કેલીમાંથી કઇ રીતે બેઠા થાવ છો. ફિનિક્સ પક્ષની જેમ રાખમાંથી બેઠા થતાં આવડવું જોઇએ.
• નિર્વસ્યની જીવનશૈલીઃ અમારો પરિવાર સંપૂર્ણ શાકાહારી છે. કોઇ સભ્યને સ્મોકિંગ કે લીકર જેવી વસ્તુઓનું વળગણ નથી.
• પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતાઃ અમે હંમેશા માનીએ છીએ કે પરમ કૃપાળુ પરમાત્માની કૃપા વગર આટલી પ્રગતિ શક્ય નથી. ઘરમંદિરમાં સહુ કોઇ પોતપોતાની રીતે ભજન-કીર્તન-પ્રાર્થના અવશ્ય કરે છે. માત્ર પરિવારની બહેનો જ પૂજાપાઠ કરે એવું નહીં, અમે પુરુષો પણ તેમાં શ્રદ્ધાપૂર્વક જોડાઇએ છીએ.
• સ્વભાવમાં ધૈર્ય, વાણી-વર્તનમાં સંયમઃ અમારો સહુ કોઇનો વણલખ્યો નિયમ છે સ્વભાવમાં ધૈર્ય જાળવવું અને અન્યો સાથેના વ્યવહાર દરમિયાન વાણી-વર્તનમાં સંયમ રાખવો. કોઇ પણ ક્ષેત્રે આગેકૂચ માટે ધીરજ અનિવાર્ય છે. ચોક્કસ દિશામાં સતત સાતત્યપૂર્ણ પ્રયાસ જ સફળતા અપાવતા હોય છે. આ જ પ્રકારે વાણી-વર્તનમાં સંયમ કે શિસ્ત ન હોય તો ગમેતેવી સફળતા નિરર્થક છે. કોઇ પણ ક્ષેત્રે સફળતા માટે ધીરજ અને યોગ્ય વાણી-વર્તન પાયાની શરત છે.
• સહાય માટે સદા તત્પરઃ કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા આર્થિક અનુદાનની આશાએ અમારી પાસે આવે છે ત્યારે (જો આયોજનકર્તા ભરોસાપાત્ર હોય તો) અમે કોઇને ખાલી હાથ જવા દેતા નથી. અમે અમારાથી બનતી નાની-મોટી સેવા અચૂકપણે કરીએ જ છીએ.
• સંતાનોને સંપૂર્ણ સ્વતંત્રતાઃ અમારા સંતાનો અલગ અલગ શહેરો કે દેશોમાં જન્મયા છે, ઉછર્યા છે. તેમને પરિવારે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. તેઓ કોઇ નવું (આર્થિક) સાહસ શરૂ કરવા માગતા હોય તો અમે તેને આમ કરતાં અટકાવતા નથી કારણ કે અમારો પરિવાર વિવિધતામાં એકતા - યુનિટી ઇન ડાયવર્સિટીમાં માને છે.
વાચક મિત્રો, આ તો વાત થઇ ગોપીચંદભાઇના સંબોધનમાં સાંભળવા મળેલા કેટલાક પ્રેરણાદાયી જીવનમૂલ્યોની. હવે વાત એક સવાલના જવાબની. મહાનુભાવોના વક્તવ્યો બાદ તેમની સાથે ટૂંકી પ્રશ્નોતરીનું પણ એક સેશન હતું. ઉપસ્થિત આમંત્રિતોમાંથી કોઇએ તેમને પૂછ્યુંઃ હેપીનેસ માટે પૈસો કેટલો જરૂરી છે?
ગોપીચંદભાઇએ સરસ જવાબ આપ્યોઃ જીવનમાં ખુશી, સુખ, આનંદ માટે પૈસો જરૂરી ખરો, પરંતુ તેના કરતાં પણ વધુ જરૂરી છે સંતોષ. નાણાં પાછળની આંધળી દોટ આખરે તો જીવનમાં અસુખ જ લાવતી હોય છે. તમારી પાસે નાણાં અઢળક હોય, પણ જિંદગીએ જે કંઇ આપ્યું છે તે માટે સંતોષ, ખુશી કે આનંદની લાગણી નહીં હોય તો તે નાણાં શા કામના?! જીવનમાં સાચી ખુશી પામવી હોય તો સંતોષની ભાવના કેળવતા શીખવું પડે.
ગોપીચંદભાઇના સંબોધનમાં માતાપિતા સહિત પરિવારજનો પ્રત્યે આદર, સંસ્કાર, મૂલ્યો, આદર્શ, વિશ્વાસ, પ્રેમ સહિતની અનેક બાબતો વિશે જાણવા મળ્યું. તેમના જીવનમૂલ્યો વિશે મારા જેવા કેટલાક જાણતા હતા તો મોટા ભાગના અજાણ હતા. જોકે એક બહેનના પ્રશ્ને શ્રીચંદભાઇના જીવનનું લગભગ અજાણ પાસું સહુ કોઇ સમક્ષ અનાયાસે જ ખુલ્લું કરી દીધું. રાજસ્થાનના જૈન પરિવારના સંતોષબહેને તેમને પૂછ્યું કે તમે કહો છો કે તમે મંદિરમાં દરરોજ પ્રાર્થના કરો છો તો આ પ્રાર્થના કઇ? અમને ગાઇ સંભાળવશો?
અને ૭૫ વર્ષના ગોપીચંદભાઇએ બુલંદ અવાજે લલકાર્યુંઃ ‘એ માલિક તેરે બંદે હમ, એસે હો હમારે કરમ...’ માત્ર એકાદ કડી નહીં, તેમણે પૂરી તન્મયતા સાથે આખું ગીત શ્રોતાઓને ગાઇ સંભળાવ્યું. વાચક મિત્રો, આ ગીત હું તો તમને કેમનો સંભળાવી શકું? પણ તેની શાબ્દિક રજૂઆત જરૂર આ સાથે રજૂ કરી છે. (જૂઓ બોક્સ...)
ગોપીચંદભાઇનું સંબોધન અને પ્રશ્નોત્તરી પૂરાં થયાં. આ પછી JITO તરફથી કેટલાક મહાનુભાવોને એવોર્ડ એનાયત કરવાનું શરૂ થયું. એવોર્ડ એનાયત કરવા માટે એક દંપતીના નામની જાહેરાત થઇ. દંપતી સ્ટેજ પર પહોંચ્યા તો ખુશ ખુશ હતા. ચહેરા પર મલકાટનું મોજું છવાયેલું હતું. ગોપીચંદભાઇને આ વાત સ્પર્શી ગઇ. અને અચાનક જ તેમણે ગીત લલકારવાનું શરૂ કર્યુંઃ કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર... વાત અહીં પૂરી નથી થતી, આખું ઓડિયન્સ તેમની સાથે જોડાયું અને કોરસગાનથી હોલ ગાજી ઉઠ્યો. સેમિનારમાં ઉપસ્થિત દેશવિદેશના આમંત્રિતોએ ગોપીચંદભાઇના અનોખા વ્યક્તિત્વની અનોખી ઝલક નિહાળી.
વાચક મિત્રો, કલમ ભલે કોલમના અંત ભણી આગળ વધી રહી હોય, પરંતુ વાત હિન્દુજા પરિવારની થઇ રહી છે ત્યારે બે પ્રસંગ ટાંક્યા વગર રહી શકતો નથી. હરેકૃષ્ણ મંદિર બચાવો ચળવળ હોય કે પ્રેસ્ટન મંદિરની સ્થાપનાની વાત હોય, આપણા દરેક સામાજિક કાર્યો માટે હિન્દુજાબંધુઓએ કોડીબંધ યોગદાન આપ્યું છે. હરેકૃષ્ણ મંદિર ચળવળ વખતે મારી રજૂઆતને માન આપીને શ્રીચંદભાઇએ સુંદર બેનમૂન અનુદાન આપ્યું હતું. તેમનું અનુદાન માત્ર ધન પૂરતું જ સીમિત નહોતું. ચળવળ વખતે અમુક બાબતે જવાબદારી મારી હતી, અને આ મારું સદભાગ્ય હતું. તત્કાલીન સરકારના પ્રધાનો હોય, સાંસદો હોય કે ઉચ્ચ અધિકારીઓ હોય, રજૂઆત કરતી વેળા વાત ક્યાંય પણ અટકતી ત્યારે શ્રીચંદભાઇ મદદ માટે તૈયાર જ હોય. વાત આપણો દૃષ્ટિકોણ રજૂ કરવાની હોય કે કોઇના કાને આપણી રજૂઆત પહોંચાડવાની હોય - દરેક વખતે તેઓ સહાયરૂપ થયા હતા. હરેકૃષ્ણ ટેમ્પલ ડિફેન્સ ટીમ (HKTDT)ને મદદરૂપ થવામાં તેમણે ક્યારેય નનૈયો ભણ્યો નથી.
હવે આનાથી તદ્દન અલગ એક પ્રસંગની વાત કરું... ૧૭ વર્ષ પૂર્વે મિલેનિયમ સેલિબ્રેશન વખતે એક જાહેર કાર્યક્રમ સંદર્ભે હિન્દુજાબંધુના અભિગમ સામે આ જ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં મેં એક લેખ દ્વારા આકરા શબ્દોમાં ટીકા કરી હતી. અલબત્ત, આમાં વિવેકભાન જરૂર જાળવ્યું હતું, પરંતુ એક પત્રકાર તરીકે ટીકા કરવાની મારી ફરજ ચૂક્યો નહોતો. અન્ય કોઇ માલેતુજાર હોય તો તેને આવું વાંચીને પ્રકાશન ગૃહ સાથે વાંકુ પડે, કનડગત કરવામાં કોઇ કસર ન છોડે, પરંતુ આ તો હિન્દુજા પરિવારને... મેં લેખમાં કરેલી ટીકા વાંચીને શ્રીચંદભાઇએ મને ફોન કર્યો. તેઓ મારી સાથે હંમેશા ગુજરાતીમાં જ વાત કરે... તેમના શબ્દો કંઇક આવા હતાઃ ‘સી.બી.ભાઇ, તમારી વાત વાંચી... અમને ગમ્યું તો ન જ હોય, પણ તમે તમારી ફરજ બજાવી છે અને મને આશા છે કે અમે પણ આમાંથી યોગ્ય બોધપાઠ લઇશું...’
વાચક મિત્રો, આ છે હિન્દુજા પરિવારની ખાનદાની. મતભેદ ભલે થાય, મનભેદ ન થવા દે. બાકી મારા જેવાને ફોન કરીને આ રીતે વાત કરવાની તેમને શી જરૂર હતી ભલા? આ ઘટના પછી પણ ક્યારેય તેમણે મારી સાથે કડવાશ રાખી નથી. સંબંધ પહેલાં હતો તેવો જ મજબૂત છે. તેમના પરિવારના દરેક પ્રસંગે મને આમંત્રણ અચૂક મળે જ અને જ્યારે જ્યારે મેં તેડાવ્યા છે ત્યારે ત્યારે અચૂક હાજર રહ્યા છે. જ્યારે પણ સમાજના કાર્યો લઇને તેમની પાસે ગયો છું ત્યારે તેમણે ક્યારેય મને નિરાશ કર્યો નથી.
વાચક મિત્રો, JITOના કાર્યક્રમનું સમાપન નવકાર મંત્રના સંગીતમય સામૂહિક ગાન સાથે થયું. આ શક્તિશાળી મંત્ર આ સાથે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું... સાથે સાથે જ મુંબઇમાં વડું મથક ધરાવતા JITOના તેમજ સ્થાનિક આયોજકોને આ સુંદર આયોજન બદલ અભિનંદન નહીં આપીએ તો કોલમ અધૂરી જ ગણાશે. જય જિનેન્દ્ર... (ક્રમશઃ)
ફિલ્મઃ દો આંખે બારાહ હાથ
ગાયિકાઃ લતા મંગેશકર
એ માલિક તેરે બંદે હમ, એસે હો હમારે કરમ
નેકી પર ચલે ઔર બદી સે ટલે,
તાકી હસતે હુએ નિકલે દમ
યે અંધેરા ઘના છા રહા, તેરા ઈન્સાન ઘબરા રહા
હો રહા બેખબર, કુછ ના આતા નજર,
સુખ કા સૂરજ છુપા જા રહા
હૈ તેરી રોશની મેં વો દમ, તો અમાવસ કો કર દે પૂનમ
બડા કમજોર હૈ આદમી, અભી લાખો હૈ ઈસ મેં કમી
પર તૂ જો ખડા, હૈ દયાલુ બડા,
તેરી ક્રિપા સે ધરતી થમી
દિયા તૂને હમે જબ જનમ,
તુ હી ઝેલેગા હમ સબ કે ગમ
જબ જુલ્મો કા હો સામના, તબ તુ હી હમેં થામના
વો બુરાઈ કરે, હમ ભલાઈ કરે, નહીં બદલે કી હો કામના
બઢ ઊઠે પ્યાર કા હર કદમ
ઔર મિટે બૈર કા યે ભરમ
• • •
ફિલ્મઃ અનાડી
ગાયકઃ મુકેશ
કીસી કી મુસ્કુરાહટો પે હો નિસાર,
કીસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર
કીસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર,
જીના ઈસી કા નામ હૈ (૨)
માના અપની જેબ સે ફકીર હૈ
ફીર ભી યારોં દિલ કે હમ અમીર હૈ (૨)
મિટે જો પ્યાર કે લિયે વો જીંદગી
ચલે બહાર કે લિયે વો જીંદગી
કીસી કો હો ના હો હમેં તો ઐતબાર
જીના ઈસીકા કા નામ હૈ
કીસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કીસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર
કીસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર,
જીના ઈસી કા નામ હૈ (૨)
રીશ્તા દિલ સે દિલ કે ઐતબાર કા
ઝીંદા હૈ હમી સે નામ પ્યાર કા (૨)
કે મરકે ભી કીસી કો યાદ આયેંગે
કીસી કે આંસુઓ મેં મુસ્કુરાયેંગે
કહેગા ફૂલ હર કલી સે બાર બાર
જીના ઈસી કા નામ હૈ
કીસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કીસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર
કીસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર,
જીના ઈસી કા નામ હૈ (૨)
• • •
નવકાર મંત્ર
નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં,
નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો,
સવ્વપાવ પ્પણાસણો. મંગલાણં ચ સવ્વેસિં,
પઢમં હવઈ મંગલં.

