હૃતિક રોશન અને કંગના રનૌતની કાનૂની લડાઈ અને જાહેર વિવાદ પછી હૃતિકે પહેલી વખત મૌન તોડતાં પાંચમી ઓક્ટોબરે કહ્યું હતું કે, આ મુદ્દે એને કારણ વગર વિવાદમાં ઘસેડવામાં આવ્યો છે અને હવે સમય આવી ગયો છે કે એ પોતાની લાગણી રજૂ કરે. કંગનાએ એક કાર્યક્રમમાં હૃતિકને 'સિલી એક્સ' કહ્યા પછી હૃતિકે કંગનાને કાનૂની નોટિસ પાઠવી હતી અને જણાવ્યું હતું કે તેની અને કંગના વચ્ચે કોઈપણ પ્રકારનો સંબંધ ન હતો. અલબત્ત, કંગના એ વાતને વળગી રહી હતી કે બન્ને વચ્ચે અફેર હતો. હૃતિકે બન્ને વચ્ચેનાં ખાનગી ઈમેલ પણ મીડિયામાં લીક કર્યાંનો આરોપ મૂક્યો હતો. સામે હૃતિકે ટ્વિટર પર એક લાંબુ નિવેદન પોસ્ટ કર્યું હતું કે, શરૂઆતમાં આ મુદ્દાની અવગણના કરવાની કોશિશ કરી, પરંતુ હવે આ મુદ્દો અસહ્ય બન્યો છે અને મુદ્દાની વાત એ છે કે એના દાવા પ્રમાણે એમનો અફેર સાત વર્ષ હોય તો એની પાસે એક પણ પુરાવો કે સાક્ષી કેમ નથી? ખરેખર તો હું ક્યારેય એકાંતમાં એ સ્ત્રીને મળ્યો જ નથી.

