પ્રાગ (ચેક રિપબ્લિક)ઃ ભારતીય પરિવારો દિવાળી પર્વે જ રંગબેરંગી રંગોળી કરે છે, પણ વયોવૃદ્ધ એગ્નેસ કોસ્પરકોવા માટે તો બારેમાસ દિવાળી છે. આપણી રંગોળીમાં અને એગ્નેસની રંગોળીમાં ફરક બસ એટલો છે કે આપણે જમીન પર રંગ પૂરીએ છીએ જ્યારે તેઓ દિવાલ પર રંગો પૂરે છે. ૯૦ વર્ષના એગ્નેસ ચેક રિપબ્લિકના લાઇકા ગામના રહેવાસી છે. તેમણે પોતાના ગામને આર્ટ ગેલેરીમાં પરિવર્તિત કરી નાખ્યું છે. તેઓ ગામના દરેક ઘર, ચર્ચ, ચબૂતરાની દીવાલો અને દરવાજાઓને આકર્ષક રંગોથી સજાવતા રહે છે. આ માટે તેઓ એક ફદિયું પણ લેતા નથી, બસ પોતાની ખુશી માટે આમ કરે છે. આસપાસના ગામના લોકો તેમની કળાને જોવા આવે છે, તેમને મળે છે અને આ વયે તેમની ઇચ્છાશક્તિને સલામ કરે છે. ગામના લોકો તેમને પેઇન્ટ અને બ્રશ પણ આપે છે. એગ્નેસ કહે છે કે તેમનું સ્વપ્ન છે કે તેમનું ગામ સૌથી અલગ અને સુંદર દેખાય.
‘મને ખુશી મળે છે...’
એગ્નેસ કહે છે કે હું મારા સ્કિલનો ઉપયોગ પોતાના ગામને સૌથી સુંદર બનાવવામાં કરી રહી છું. મને તેનાથી ખૂબ જ ખુશી મળે છે. તેની મારફત લોકોની મદદનો સંતોષ મળે છે. એગ્નેસ પરંપરાગત મોરાવિયન પેઇન્ટિંગ કરે છે. તેમાં બ્રાઇબ્રેન્ટ અને બ્રાઇટ કલરના તાલમેળથી ફૂલો બનાવાય છે.
એગ્નેસ કહે છે કે મને શરૂઆતથી આર્ટવર્કમાં ઊંડો રસ હતો. ગામની મહિલાઓ પાસેથી મેં પેઇન્ટિંગ શીખ્યું હતું. હવે પેઇન્ટિંગ મારી સૌથી મોટી નબળાઈ બની ગઈ છે.

