નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી. આમ તો આ બંને રાજકીય વ્યક્તિત્વોની કોઈ રીતે સરખામણી કરી શકાય તેવું નથી. એકને નેહરુ-ગાંધી વંશની વારસદારી મળી છે, બીજાને દામોદરદાસ મોદી કશું ખાસ વિરાસતમાં છોડી ગયા નહોતા. એકનો જન્મ જ વડા પ્રધાનની કોઠીમાં થયો એટલે તેની સારસંભાળમાં ઘણા બધા હાજર હોય. બીજાનો જન્મ વડનગરની શેરીમાં આવેલા નાનકડાં ઘરમાં થયો. સામાન્ય સંતાન તરીકેનું જીવન રહ્યું; ચાની કીટલી પણ પકડી હશે. આર્થિક સમૃદ્ધિ તો ક્યાંથી હોય? મોટા કુટુંબમાં ભાઈઓએ નાનીમોટી જવાબદારી સંભાળી લીધી અને ગાડું ગબડાવ્યું. એકનાં લગ્ન માટે માતા શ્રીમતી સોનિયા ગાંધી હજુ રાહ જુએ છે. મોદી-પરિવારમાં રાબેતા મુજબ બધાંની જેમ નરેન્દ્ર-વિવાહ પણ સંપન્ન થયાં. પણ, રુઢિગત બંધનોથી અલગ એવા આ યુવકે તો ક્રમશઃ દુનિયાદારીથી ચીલો પાડીને આધ્યાત્મિકતા, રખડપટ્ટી વગેરેનો રસ્તો લીધો હતો. સમય જતાં તે અમદાવાદમાં આવેલા, મણિનગરનાં સંઘ-કાર્યાલય ‘ડોક્ટર હેડગેવાર ભવન’ તરફ વળી ગયો. ત્યાં સંઘ-સંસ્કારોની છાવણી હતી. લક્ષ્મણરાવ ઇમાનદાર પરિવારના વડીલ વટવૃક્ષ જેવા. કાર્યકર્તાના લાડકા ‘વકીલ સાહેબ’ તરીકે બધાંને માર્ગદર્શન આપે. અનંતરાવ કાળે, કાશીનાથજી, ભાસ્કરરાવ દામલે, વસંતરાવ ચિપલુણકર, કેશવરાવ દેશમુખ... આ ઘરબાર ત્યાગીને આવેલા આધુનિક તપસ્વીઓ જ હતા. એમનું ધ્યેય-વલણ હિન્દુ સંગઠનનું. એટલે રોજ પ્રાતઃ શાખા, સાયંશાખા લાગે, ‘નમસ્તે સદા વત્સલે માતૃભૂમે...’ પ્રાર્થના પૂર્વે હુતુતુ - કબડ્ડી - ખોખો - કુશ્તી - રાષ્ટ્રીય ગીતગાન - આ બધું કલાક ચાલે. મુખ્ય શિક્ષક, દંડ નાયક વગેરેની વ્યવસ્થા હોય. સવારે ઊઠતાંવેત શાખામાં ‘પ્રાતઃસ્મરણ’ થાય, ભોજન વખતે શ્લોક. સમૂહ ગાનમાં ‘ભારત મા તેરી જય હો, વિજય હો...’ ‘સાધના કા એક ક્ષણ હં...’ ‘લો, ઉપેક્ષિત મુજ પ્રણામ’, ‘યે ભગવા ઝંડા હમારા...’ વગેરે ગીતો સરસ કંઠમાં સાંભળવા મળે.
સંઘ વિશેના અભિપ્રાયો
આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે આજે પણ અલગ-અલગ પ્રકારની ક્રિયા-પ્રતિક્રિયા સાંભળવા મળે. સ્વતંત્રતા પહેલાં બ્રિટિશરો તેના પર નજર રાખતા. કોંગ્રેસ સેવાદળ તેને હરીફ સ્વયંસેવક દળ માને. માલવિયાજી જેવાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આશીર્વાદ મળ્યા હતા. સ્વયં સુષાષચંદ્ર બોઝ ભારતમાંથી અદૃશ્ય થતાં પહેલાં સંઘ-સ્થાપક ડો. હેડગેવારને મળવા પહોંચ્યા હતા. સાવરકર બંધુઓ અને ડો. મુંજે પણ તેમની નજદીક હતા. ૧૯૨૫ની વિજયાદશમીએ નાગપુરમાં સંઘ-સ્થાપના થઈ તે પહેલાં ડો. હેડગેવાર સત્યાગ્રહમાં જેલ જઈ આવ્યા હતા. પછી તેમનું મંથન શરૂ થયું કે કોંગ્રેસ એક પ્લેટફોર્મ છે. લોકો આવે અને જાય.
ભારતની સ્વતંત્રતા એક તંતુ હતો પણ તેને માટે સુસંગઠિત થવાનું કોઈ આયોજન જ નહીં. અધૂરામાં પૂરું ૧૯૨૦થી ગાંધીજી ભારત આવ્યા અને અહિંસા-અસહકાર-સત્યાગ્રહ છવાયાં. એમાં એ વાત ભૂલી જવાઈ કે નાગરિકે શારીરિક રીતે પણ શક્તિવાર બનવું જોઇએ. અગાઉ ‘અખાડા’નું મહત્ત્વ હતું અને ક્રાંતિકારો તો તેમાં જતા પણ ખરાં. પરંતુ કોઈ વ્યાપક સંગઠન હોય જેમાં તન-મન તંદુરસ્તીને કેન્દ્રમાં રાખવામાં આવે તેવું કોઈ સંગઠન નહીં. એટલે ડો. હેડગેવારે નાગપુરના રેશમ બાગમાં થોડાક ઓળખીતાઓને ભેગા કર્યા. પછી તેનો મુસદ્દો ઘડાયો; નામ અપાયું. હેતુ? ડોક્ટર એ વાત પર દૃઢ હતા કે ભારતમાં તેની બહુમતી પ્રજાનો પોતાનો ઇતિહાસ છે, પરંપરા છે. તેનું શાસ્ત્ર છે, સાહિત્ય છે, અને જન્મભૂમિ’ની ભાવના વંશ પરંપરાગત છે. જો હિન્દુ સંગઠિત થાય તો તે શક્તિ બ્રિટિશ પ્રજાને ભારે પડી શકે એ તો સ્પષ્ટ હતું. એટલે તો અંગ્રેજોએ ૧૯૦૫માં બંગાળના ભાગલા પાડ્યા અને ૧૯૪૦ પછી મુસ્લિમ લીગને કોંગ્રેસની સામે ઊભી કરી દીધી.
કઈ રીતે ચાલી કૂચ?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શરૂ થતાં તેને કાર્યકર્તા મળવા લાગ્યા. તેનાં બંધારણમાં સરસંઘચાલક એ દાર્શનિક ભૂમિકા છે. ડો. હેડગેવાર, શ્રી ગુરુજી ગોલવલકર, બાળાસાહેબ દેવરસ, પ્રો. રાજેન્દ્ર સિંહ રજ્જુ ભૈયા, કુ. સુદર્શન અને હવે મોહનરાવ ભાગવત - આટલા સંઘપ્રમુખ (સરસંઘચાલક) બન્યા છે. તેમાં પ્રથમ બેએ ચિંતન અને કર્મનો પ્રભાવ પેદા કર્યો. ત્રીજા દેવરસજી - સંગઠનના પ્રેરક બની રહ્યા. અત્યારે જે મોહનરાવ ભાગવત સરસંઘચાલક છે તેમના પિતાશ્રી વસંતરાવ ભાગવત થોડો સમય ગુજરાતમાં પણ પ્રાંત પ્રચારક રહી ચૂક્યા હતાં.
આરએસએસને જર્મન નાઝીવાદ અને ઇટલીના ફાસીવાદમાંથી પ્રેરણા મળી હોય એવું વારંવાર કહેવાય છે. ભાવનગરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થયું તેની સ્મણિકામાં એક લેખમાં એવું લખેલું કે ડોક્ટર કે. બી. હેડગેવાર જર્મની જઈને નાઝી ટ્રેનિંગ લઈ આવ્યા હતા! ખરેખર તો આ સંઘ-સ્થાપક ભારતની બહાર ક્યારેય ગયા નહોતા. જર્મન લશ્કરી સંસ્થા એસ.એ. પરથી ‘આરએસએસ’નામ રખાયું. એવી કાલ્પનિક કથા પણ એ લેખમાં હતી.
૧૯૭૫માં વડોદરા જેલમાં ‘મીસા’ હેઠળ પકડાયેલાઓમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. રામલાલ પરીખ પણ અમારી સાથે હતા. અભ્યાસી જીવ, એટલે જેલમાં ‘નવા ભારત વિશેનો આપણો એજંડા’ જેવો મુસદ્દો તૈયાર કરવામાં બધાને જોતરેલા. રામલાલભાઈ પેલા ભાવનગર અધિવેશનના સ્મરણિકાના સંપાદક હતા! એક વાર માટે તેમની સાથે વાતચીત થઈ. કટોકટી-વિરોધી સંઘર્ષમાં સંઘ-જનસંઘની મહત્ત્વની ભૂમિકાથી તેઓ સુપરિચિત હતા. મેં પેલા લોકોને યાદ કરીને તથ્યાત્મક ભૂમિકા આપી. બહારથી મલકાણી, નાના પાલકર સહિતના લેખકોનાં પુસ્તકો મંગાવીને વાંચવા આપ્યાં. (કારણ કે ત્યાં સુધી ગુજરાતીમાં કોઈ પુસ્તક પ્રાપ્ત નહોતું. તે ૧૯૭૭ પછી મેં ‘રાષ્ટ્રયઞ્જના ઋત્વિજ’ નામે લખ્યું તેને તે સમયના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસજીએ સંઘ-પ્રચારકોની બેઠકમાં ખૂલ્લુ મૂક્યું હતું.) તેમણે વાંચ્યા અને સ્વીકાર્યું કે ‘હેડગેવારજી વિશે અને સંઘ વિશે અનેક તથ્યદોષ રહી ગયા છે’ પછી કહે; ‘પણ શું કરીએ? અમારા દિમાગમાં પહેલેથી આ ખોરાક અપાયો છે!!’ તેમની વાત સાચી હતી. એક કિસ્સો મેં તેમને કહ્યો.
ગુજરાતમાં જ્યોતિ સંઘના મકાનની સ્થાપના માટે તે સમયના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ આવ્યા હતા. ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ થોડાક સમય પૂર્વે ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી. તુરત નેહરુજીએ પ્રમાણપત્ર આપી દીધું કે ‘જનસંઘ એ આરએસએસનું અવૈદ્ય સંતાન છે!’ અમદાવાદમાં તેમણે વાત તો જ્યોતિ સંઘની કરવાની હતી પણ દિલોદિમાગ પર જનસંઘ - સંઘ એટલા છવાયેલા હતા કે પોતાના ભાષણમાં ‘જ્યોતિ સંઘ’ને બદલે દરેક વખતે ‘જનસંઘ’ શબ્દ જ બોલતા રહ્યા! તેમને ટકોર પણ કોણ કરે? મજાકમાં કહેવાયું કે ગુજરાતમાં તે સમયે જનસંઘ ચલાવનારા ઈન-મીન-તીન હતા. કોઈ તેની પ્રેસનોટ પણ છાપતું નહોતું, ઓળખતું જ નહોતું. (આજે પણ કેટલાક છાપાં જનસંઘ પક્ષ ‘કેવો’ છે એમ કહેવાને પદલે ‘જનસંઘ કેવું છે’ એમ જ લખે છે!!)
૨૦૧૭માં સંઘ-ભાજપ-કોંગ્રેસ
૨૦૧૭માં ગુજરાત ચૂંટણી સમયે આમ બે સૂત્રધારો - નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી મેદાનમાં છે. મોદી વડા પ્રધાન છે ૨૦૧૪થી. પહેલાં ૨૦૦૧થી મુખ્ય પ્રધાન હતા. સંગઠનની જવાબદારી પણ સંભાળતાં. સંઘ-પ્રચારક તરીકે હેડગેવાર ભવનમાં રહેતા. અમદાવાદનું ‘સંસ્કાર ધામ’ પણ તેમનું બીજું નિવાસસ્થાન રહ્યું. ગુજરાતમાં જનસંઘ સમયે નવનિર્માણ ચળવળનો ઝીણવટથી અભ્યાસ કર્યો. કટોકટીમાં રાષ્ટ્રીય સ્તરે સંઘર્ષ સમિતિમાં રહ્યા ૧૯૭૭ની ચૂંટણીમાં નવા જનતા પક્ષના પ્રચારમાં મુખ્યત્વે ગુજરાતમાં સક્રિય રહ્યાં. અયોધ્યા યાત્રામાં એલ. કે. અડવાણીની સંગાથે રહ્યા. કાશ્મીર યાત્રા પણ કરી.
ગુજરાતની ચૂંટણીમાં ૧૯૯૫થી સક્રિય રહ્યા, પાંચ વર્ષ પછી મુખ્ય પ્રધાનની જવાબદારી સંભાળી. ગોધરા-કાંડે તેમને દુનિયાભરના બોલકા ‘સેક્યુલરો’ અને ‘માનવ અધિકારવાદીઓ’ની ભરપૂર ગાળો અપાવી. ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછી વિમુદ્રીકરણ, જીએસટી અને બીજા પ્રશ્નો પર પક્ષમાં યે ચણભણ થતી રહી. (યશવંત સિંહા તેનો તાજો પુરાવો છે.) પરંતુ તેમણે લોકતરફી પગલાં લીધાં તેનો સૌ કોઈ સ્વીકાર કરે છે. વિદેશોમાં પહેલાં ગુજરાત - પછી ભારત પ્રત્યે ધ્યાન દોરાયું તે ઘટના અવગણના જેવી નથી.
રાહુલભાઈની પાસે આમાંની કોઈ જ ભૂમિકા નથી! ઇન્દિરાજી, રાજીવ ગાંધી, જવાહરલાલ નેહરુની તો વાત જ ક્યાં કરવી? કો‘ક વાર રિવોલ્યુશનરી બનવા માટે તે પોતાના જ પક્ષના વડા પ્રધાને તૈયાર કરેલા વિધેયકનાં જાહેરમાં ચીરેચીરા કરે છે, ક્યારેક વિદેશે જઈને ભારતમાં લોકશાહી નથી એવું કહે છે. કોઈક વાર... હવે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના છે. કોંગ્રેસમાં થોડીઘણી તાકાત દેખાય છે તે પક્ષની આંતરિક સંગઠન-સૂઝ-સમજધારીના કારણે નથી, પણ ભાજપની ક્યાંક દેખાતી નબળાઈને લીધે છે એ તથ્ય કાં તો તેઓ જાણતા નથી અથવા તો તેમની આસપાસની મંડળી તેમને જણાવવા દેતી નથી. ઈન્દિરાજીએ આસપાસના ખુશામતખોરોથી પ્રેરિત થઈને કટોકટી લાદી હતી. તેનો યે બોધપાઠ લેવા કોંગ્રેસજન તૈયાર નથી. તેને લાગે છે કે પાટીદાર-દલિત-ઓબીસી અજંપાનો લાભ પોતાને મળશે... અને ઝાડ નીચે સૂતેલા શેખચલ્લીને ડાળ પર કાગડાની ચાંચમાં રહેલી પૂરી આપોઆપ મળી રહેશે!

