પીઢ અભિનેત્રી તથા રાજકારણી હેમા માલિનીને સિનેમા જગતમાં તેના વિશેષ યોગદાન માટે રશિયામાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રશિયામાં હેમાના અગણિત ચાહકો છે. આ એવોર્ડ મળ્યા બાદ હેમા માલિનીએ ટ્વિટ કરી હતી કે, રશિયાના ચોથા ભારતીય ફિલ્મ મહોત્સવમાં રશિયા દ્વારા જે પ્રેમ મળ્યો એની આભારી છું. મોસ્કોમાં ભારતીય સિનેમામાં યોગદાન બદલ મને પુરસ્કારથી નવાજવામાં આવી છે. રશિયામાં લોકો આજે પણ મારા ફેન છે તે વાત અવિશ્વાસનીય લાગે છે. મારા માટે આ ગૌરવની ક્ષણ હતી. અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, ખાસ કરીને તેઓ મને ‘સીતા ઔર ગીતા’ના ભાગ ૨માં જોવા ઉત્સુક છે. જોકે હેમા માલિની રશિયા હતાં ત્યારે તેમનાં અંધેરીવાળા ગોડાઉનમાંથી કોસ્ચ્યુમ, રંગમંચના સામાન અને ઈમિટેશન જ્વેલરીની ચોરી થઈ હતી. હેમા આ જગ્યાનો ઉપયોગ પોશાક, રંગમંચના સામાન, ઈમિટેશન જ્વેલરી વગેરે માટે કરતાં હતાં. આ કેસની જૂહુ પોલીસ તપાસ કરી રહી છે.

