ફિલ્મ નિર્દેશક અને લેખક કુંદન શાહ (ઉં ૬૯)નું સાતમી ઓક્ટોબરે મુંબઈમાં અવસાન થયું હતું. તેમને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને સાવ ટૂંકી માંદગી બાદ તેમનું નિધન થયું હતું. એફટીઆઈઆઈ પૂણેના સ્ટુડન્ટમાં અભ્યાસ બાદ તેમની પ્રથમ ડિરેક્ટેડ ફિલ્મ ‘જાને ભી દો યારોં’ને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેટલાક લેખકો, સાહિત્યકારો અને ફિલ્મકારોએ દેશમાં વધી રહેલી અસહિષ્ણુતાનો વિરોધ કરીને પોતાનાં સન્માન અને પુરસ્કાર પરત કર્યાં હતાં. તેમાં કુંદન શાહ પણ સામેલ હતા અને તેમણે નેશનલ એવોર્ડ પરત કર્યો હતો. કુંદન શાહે ‘જાને ભી દો યારોં’, ‘કભી હાં કભી ના’, ‘ખામોશ’, ‘હમ તો મહોબ્બત કરેગા’ જેવી ફિલ્મો બનાવી હતી. તેમની છેલ્લી ફિલ્મ ‘પી સે પીએમ તક’ હતી અને જે ૨૦૧૪માં રિલીઝ થઈ હતી. આ ઉપરાંત તેમણે ‘નુક્કડ’, ‘વાગલે કી દુનિયા’ જેવી પ્રખ્યાત ટીવી સિરિયલ્સ પણ બનાવી હતી.

