લિયાન્ડર પેસમાં દેશ માટે પ્રતિબદ્ધતાનો અભાવઃભૂપતિ

Wednesday 12th April 2017 09:09 EDT
 
 

નવી દિલ્હી: ભારતીય ટેનિસના બે દિગ્ગજ પ્લેયર્સ લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ વચ્ચેનો ખટરાગ હવે સપાટી ઉપર આવી ગયો છે. ગત સપ્તાહે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ડેવિસ કપ મુકાબલો ખેલાયો હતો. આ મુકાબલા અગાઉ ભારતના નોન પ્લેઇંગ કેપ્ટન મહેશ ભૂપતિએ ૪૨ વર્ષીય લિએન્ડર પેસને પડતો મૂક્યો હતો. પેસે તે સમયે એવો આક્ષેપ લગાવ્યો હતો કે મહેશ ભૂપતિ વૈમનસ્ય દાખવી રહ્યો હોવાથી તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ અંગે ભૂપતિએ એવી ટિપ્પણી કરી હતી કે ડેવિસ કપમાં ઉઝબેકિસ્તાન સામેનો મુકાબલો પૂરો થયા પછી હું મારો ઉત્તર આપીશ.
હવે મહેશ ભૂપતિએ લિએન્ડર પેસ સાથે વોટ્સએપમાં થયેલી વાતના સ્ક્રિનશોટ્સ સોશિયલ મીડિયામાં જાહેર કરી દીધા છે. આ વોટ્સએપ ચેટ સાથે ભૂપતિએ દાવો કર્યો છે કે પેસને ટીમમાં સ્થાન મળશે કે નહીં એ તેને સ્પષ્ટ કરાયું હતું. આમ છતાં બેંગ્લુરુ ખાતે પેસ ટીમ સાથે જોડાવા તૈયાર થયો હતો. ભૂપતિએ આ સાથે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે ટીમમાં ત્રણ સિંગલ્સ પ્લેયર અને ડબલ્સમાં એક પ્લેયર કોણ હશે એ તેણે અગાઉ જ નક્કી કરી નાખ્યું હતું. માત્ર ડબલ્સમાં બીજો પ્લેયર કોણ હશે એ અંગે તેણે નિર્ણય લીધો નહોતો.
ભૂપતિએ વોટ્સએપ ચેટને જાહેર કરી દેતા નારાજ થયેલા પેસે જણાવ્યું હતું કે 'આ ખાનગી વાતચીતને જાહેર કરવી તે ડેવિસ કપના કેપ્ટનને શોભતું નથી. ડેવિસ કપમાં મારા યોગદાન અંગે સવાલ ઉઠાવતી ભૂપતિએ સોશિયલ મીડિયામાં ખૂબ જ લાંબી કોમેન્ટ પોસ્ટ કરી છે. પરંતુ આ એકપક્ષીય દલીલ છે. હું પણ આવું નજીકના ભવિષ્યમાં કરી શકું છું. પરંતુ ચાહકોની વાત છે તો તેઓ જાણે છે કે દેશનું પ્રતિનિધિત્વ કરતી વખતે કોણે વધારે વખત ગૌરવ અપાવ્યું છે. ઈતિહાસ કદી પણ જૂઠ્ઠું બોલતો નથી.'


comments powered by Disqus