લાહોરઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન મિસબાહ ઉલ હકે વેસ્ટ ઇન્ડિઝ સામેની આગામી ટેસ્ટ શ્રેણી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ત્રણ ટેસ્ટ શ્રેણી ૨૧મી એપ્રિલથી શરૂ થશે. મિસબાહે આ સાથે ઘણા દિવસોથી તેની નિવૃત્તિ અંગે થઈ રહેલી અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું હતું.
મિસબાહે ગદ્દાફી સ્ટેડિયમ ખાતે જણાવ્યું હતું કે મેં મારા નિર્ણય અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાણ કરી દીધી છે. મારી કારકિર્દીનો અંત હું વિજય સાથે કરવા માગું છું. મારી ઉપર નિવૃત્તિ લેવાનું કોઈ દબાણ નહોતું. હું ઇંગ્લેન્ડ સામે યુએઇમાં સિરીઝ રમ્યા બાદ નિવૃત્તિ લેવા માગતો હતો પરંતુ લઈ શક્યો નહોતો. આ મારો વ્યક્તિગત નિર્ણય છે.
પાકિસ્તાનનો સૌથી સફળ સુકાની
મિસબાહે ૭૨ ટેસ્ટમાં ૪૯૫૧ રન બનાવ્યા છે અને તે પાકિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનાર સાતમો બેટ્સમેન છે. પાકિસ્તાનના આ સૌથી સફળ ટેસ્ટ કેપ્ટને ૫૩ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કર્યું છે અને તેણે ૨૪ વિજય હાંસલ કર્યા હતા. તેણે ૨૦૧૫માં વન-ડે તથા ટી૨૦ ક્રિકેટને અલવિદા કરી દીધી હતી.

